YouVersion Logo
Search Icon

માથ્થી 5

5
ઈસુ લોકોને શિક્ષણ આપે છે
(લૂ. 6:20-23)
1ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં. 2ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું:
3“જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.
કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.
4જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે.
કારણ કે તેઓને દેવ દિલાસો આપશે.
5જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે.
કેમ કે તેઓ પૃથ્વીનું વતન#5:5 પૃથ્વીનું વતન ગી.શા. 37:11. પામશે.
6બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે,
તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
7જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે.
કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
8જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે.
કારણ કે તેઓને દેવના દર્શન થશે.
9જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે.
કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.
10સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે.
કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.
11“તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે. 12ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો.
તમે મીઠા સમાન છો અને પ્રકાશ સમાન છો
(માર્ક 9:50; 4:21; લૂ. 14:34-35; 8:16)
13“તમે જગતનું મીઠું છો. પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે. જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે.
14“તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે. 15અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી, પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે. 16તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ. જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે.
ઈસુ અને જૂનું નિયમશાસ્ત્ર
17“એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું. 18હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.
19“મનુષ્યે નિયમની દરેક આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ પછી ભલે તે આજ્ઞાની કોઈ અગત્યતા ન જણાય. મનુષ્ય જો આજ્ઞાઓનું પાલન કરવાની ના પાડશે અને બીજાઓને તેમ કરવા શીખવશે તો આકાશના રાજ્યમાં તે મનુષ્ય બીન મહત્વનો ગણાશે. જેઓ નિયમ અને નિયમશાસ્ત્રનું પાલન કરશે તેમજ બીજા લોકોને તેનું પાલન કરવા જણાવશે, તેઓ આકાશના રાજ્યમાં મહાન હશે. 20હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.
ઈસુ ક્રોધ વિષે શિક્ષણ આપે છે
21“તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,#નિ. 20:13; પુન. 5:17. જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’ 22પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.
23“તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે. 24તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25“તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. 26હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.
ઈસુ વ્યભિચારના પાપ વિષે શિક્ષણ આપે છે
27“તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’#નિ. 20:14; પુન. 5:18. 28પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે. 30જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.
ઈસુ છૂટા છેડા વિષે શિક્ષણ આપે છે
(માથ. 19:9; માર્ક 10:11-12; લૂ. 16:18)
31“એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.’ 32પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.
ઈસુ સમ વિષે શિક્ષણ આપે છે
33“તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.#5:33 જૂઓ લે. 19:12; ગણ. 30:2; પુન. 23:21. પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.’ 34પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે. 35પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે. 36તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ. 37ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.
ઈસુ વેર વિષે શિક્ષણ આપે છે
(લૂ. 6:29-30)
38“તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’#નિ. 21:24; લે. 24:20. 39પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો. 40જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો. 41જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો. 42જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ.
બધાને પ્રેમ કરો
(લૂ. 6:27-28, 32-36)
43“તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’#લે. 19:18. 44પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો. 45જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે. 46જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે. 47જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે. 48એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.

Currently Selected:

માથ્થી 5: GERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in