YouVersion Logo
Search Icon

લૂક 3

3
યોહાનનો ઉપદેશ
(માથ. 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28)
1પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો.
ગાલીલ પર હેરોદ;
ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ,
લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.
2અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો. 3તેથી યોહાને યર્દન નદીની આજુબાજુના પ્રદેશમાં યાત્રા કરીને લોકોને પસ્તાવો કરવા માટે, પાપોની માફીની ખાતરી મેળવવા તથા બાપ્તિસ્મા પામીને જીવન ગુજારવાનો ઉપદેશ આપ્યો. 4યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:
“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે:
‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો.
તેનો માર્ગ સીધો બનાવો.
5પ્રત્યેક ખીણો પૂરી દેવાશે.
અને બધાજ પર્વતો અને ટેકરીઓ સપાટ બનાવાશે.
રસ્તાના વળાંક સીધા કરવામાં આવશે.
અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ સરખા કરવામાં આવશે.
6પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!’” #યશા. 40:3-5.
7ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. યોહાને તેઓને કહ્યું: “તમે ઝેરીલા સાપો જેવા છો, દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા? 8તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે. તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો. ‘ઈબ્રાહિમ અમારો પિતા છે.’ કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. 9વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.”
10લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”
11યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”
12જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”
13યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”
14સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”
યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”
15બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”
16યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે. 17તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.” 18યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.
યોહાનની કાર્યસમાપ્તિ
19યોહાને રાજા હેરોદની તેના ભાઈની પત્નિ સાથેના તેના સંબંધ માટે ટીકા કરી. તથા તેના બીજા ખરાબ કાર્યો માટે યોહાને તેની ટીકા કરી. 20તેથી હેરોદે યોહાનને કેદ કરવાનું બીજું એક ખરાબ કામ કર્યુ. આમ હેરોદના દુષ્કર્મોમાં એકનો વધારો થયો.
યોહાન દ્ધારા ઈસુને બાપ્તિસ્મા
(માથ. 3:13-17; માર્ક 1:9-11)
21યોહાનને જેલમાં કેદ કરવામાં આવ્યો તે પહેલા, બધાજ લોકો તેના દ્ધારા બાપ્તિસ્મા પામ્યા હતા. પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યો. જ્યારે ઈસુ પ્રાર્થના કરતો હતો ત્યારે, આકાશ ઊઘડ્યું. 22પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઊતર્યો. ત્યાર બાદ આકાશમાંથી આકાશવાણી થઈ, “તું મારો વહાલો દીકરો છે અને હું તને ચાહું છું. હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું.”
યૂસફની વંશાવળી
(માથ. 1:1-17)
23ઈસુએ જ્યારે સેવાની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી. લોકોના ધાર્યા પ્રમાણે ઈસુ યૂસફનો દીકરો હતો.
એલીનો દીકરો યૂસફ હતો.
24એલી મથ્થાતનો દીકરો હતો.
મથ્થાત લેવીનો દીકરો હતો.
મલ્ખીનો દીકરો લેવી હતો.
યન્નાયનો દીકરો મલ્ખી હતો.
યૂસફનો દીકરો યન્નાય હતો.
25મત્તિથ્યાનો દીકરો યૂસફ હતો.
આમોસનો દીકરો મત્તિથ્યા હતો.
નહૂમનો દીકરો આમોસ હતો.
હેસ્લીનો દીકરો નહૂમ હતો.
નગ્ગયનો દીકરો હેસ્લી હતો.
26માહથનો દીકરો નગ્ગય હતો.
મત્તિથ્યાનો દીકરો માહથ હતો.
શિમઇનો દીકરો મત્તિથ્યા હતો.
યોસેખનો દીકરો શિમઇ હતો.
યોદાનો દીકરો યોસેખ હતો.
27યોહાનાનનો દીકરો યોદા હતો.
રેસાનો દીકરો યોદા હતો.
ઝરુંબ્બાબેલનો દીકરો રેસા હતો.
શઆલ્તીએલનો દીકરો ઝરુંબ્બાબેલ હતો.
નેરીનો દીકરો શઆલ્તીએલ હતો.
28મલ્ખીનો દીકરો નેરી હતો.
અદીનો દીકરો મલ્ખી હતો.
કોસામનો દીકરો અદી હતો.
અલ્માદામનો દાકરો કોસામ હતો.
એરનો દીકરો અલ્માદાસ હતો.
29યેશુનો દીકરો એર હતો.
એલીએઝેરનો દીકરો યેશુ હતો.
યોરીમનો દીકરો એલીએઝેર હતો.
મથ્થાતનો દીકરો યોરીમ હતો.
લેવીનો દીકરો મથ્થાત હતો.
30સીમેઓનનો દીકરો લેવી હતો.
યહૂદાનો દીકરો સીમેઓન હતો.
યૂસફનો દીકરો યહૂદા હતો.
યોનામનો દીકરો યૂસફ હતો.
એલ્યાકીમનો દીકરો એલ્યાકીમ હતો.
31મલેયાનો દીકરો યોનામ હતો.
મિન્નાનો દીકરો મલેયા હતો.
મત્તાથાનો દીકરો મિન્ના હતો.
નાથાનનો દીકરો મત્તાથા હતો.
દાઉદનો દીકરો નાથાન હતો.
32યશાઇનો દીકરો દાઉદ હતો.
ઓબેદનો દીકરો યશાઇ હતો.
બોઆઝનો દીકરો ઓબેદ હતો.
સલ્મોનનો દીકરો બોઆઝ હતો.
નાહશોનનો દીકરો સલ્મોન હતો.
33અમિનાદાબનો દીકરો નાહશોન હતો.
અર્નીનો દીકરો અમિનાદાબ હતો.
હેસ્ત્રોનનો દીકરો અર્ની હતો.
પેરેસનો દીકરો હેસ્ત્રોન હતો.
યહૂદાનો દીકરો પેરેસ હતો.
34યાકૂબનો દીકરો યહૂદા હતો.
ઇસહાકનો દીકરો યાકૂબ હતો.
ઈબ્રાહિમનો દીકરો ઇસહાક હતો.
તેરાહનો દીકરો ઈબ્રાહિમ હતો.
નાહોરનો દીકરો તેરાહ હતો.
35સરૂગનો દીકરો નાહોર હતો.
રયૂનો દીકરો સરૂગ હતો.
પેલેગનો દીકરો રયૂ હતો.
એબરનો દીકરો પેલેગ હતો.
શેલાનો દીકરો એબર હતો.
36કાઇનાનનો દીકરો શેલા હતો.
અર્પક્ષદનો દીકરો કાઇનનાન હતો.
શેમનો દીકરો અર્પક્ષદ હતો.
નૂહનો દીકરો શેમ હતો.
લામેખનો દીકરો નૂહ હતો.
37મથૂશેલાનો દીકરો લાખેમ હતો.
હનોખનો દીકરો મથૂશેલા હતો.
યારેદનો દિકરો હનોખ હતો.
મહાલલેલનો દીકરો યારેદ હતો.
કાઇનાનનો દીકરો મહાલલેલ હતો.
38અનોશનો દીકરો કાઇનાન હતો.
શેથનો દીકરો અનોશ હતો.
આદમનો દીકરો શેથ હતો.
આદમ, જે દેવનો દીકરો હતો.

Currently Selected:

લૂક 3: GERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in