લૂક 21
21
સાચું દાન
(માથ. 12:41-44)
1ઈસુએ કેટલાએક ધનવાન લોકોને મંદિરમાં પૈસાની પેટીમાં દેવની ભેટો મૂકતાં જોયો. 2પછી ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ, તેણે બે નાના તાંબાના સિક્કા પેટીમાં મૂક્યા. 3ઈસુએ કહ્યું કે, “હું તમને સાચું કહું છું, આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા છે. પણ ખરેખર તો તેણે પેલા બધાજ પૈસાદાર લોકો કરતાં વધારે આપ્યું છે. 4ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.”
મંદિરનો વિનાશ
(માથ. 24:1-14; માર્ક 13:1-13)
5કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!”
6પણ ઈસુએ કહ્યું, “સમય આવશે ત્યારે તમે જે બધું અહી જુઓ છો તેનો નાશ થશે. આ મકાનનો પ્રત્યેક પથ્થર જમીન પર પાડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ!”
7કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, આ વસ્તુઓ ક્યારે બનશે? આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે?”
8ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ. 9જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”
10પછી ઈસુએ તેમને કહ્યું, “એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે લડશે. એક રાજ્ય બીજા રાજ્યની સામે લડશે. 11ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે.
12“પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે. 13પણ આ તમને મારા વિષે કહેવાની તક આપશે. 14બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ. 15તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ. 16માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે. 17બધા માણસો તમને ધિક્કારશે કારણ કે તમે મને અનુસરો છો. 18પણ આમાંની કોઈ પણ વસ્તુ તમને ખરેખર નુકશાન કરી શકશે નહિ. 19જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો.
યરૂશાલેમનો વિનાશ
(માથ. 24:15-21; માર્ક 13:14-19)
20“તમે યરૂશાલેમની ચારે બાજુએ લશ્કર જોશો. પછી તમે જાણશો કે યરૂશાલેમનો વિનાશ થવાનો સમય આવ્યો છે. 21તે વખતે યહૂદિયામાં જે લોકો છે તે પહાડોમાં નાશી જાય. જેઓ યરૂશાલેમમાં હોય તેઓએ જલ્દી છોડી જવું. જો તમે યરૂશાલેમ નજીકના પ્રદેશમાં હો તો શહેરની અંદર જશો નહિ. 22પ્રબોધકોએ જ્યારે દેવ તેના લોકોને શિક્ષા કરશે તે આ સમયની બાબતમાં ઘણું બધું લખ્યું છે. તે આ સમય છે. જ્યારે આ બધું પરિપૂર્ણ થાય. 23તે વખતે જેઓ ગર્ભવતી હશે અથવા જેને નાનાં દુધ પીતા બાશકો છે તે તેમના માટે દુ:દાયક છે! શા માટે? કારણ કે આ ભૂમિ પર વધારે વિપત્તિનો સમય આવશે. દેવ આ લોકો પર ગુસ્સે થશે. 24કેટલાએક લોકો સૈનિકો દ્ધારા મૃત્યુ પામશે. બીજા લોકોને કેદી તરીકે રાખશે અને બધાજ દેશોમાં લઈ જવાશે. ફક્ત યરૂશાલેમ તેઓનો સમય પૂરો નહિ થાય ત્યાં સુધી બિન યબૂદિઓથી પગ તળે ખૂંદી નંખાશે.
ડરશો નહિ
(માથ. 14:29-31; માર્ક 13:24-27)
25“સૂર્ય, ચંદ્ર અને તારાઓ સાથે આશ્ચર્યજનક ઘટનાઓ બનશે. પૃથ્વી પરના લોકો ફસાયાની લાગણી અનુભવશે. સમુદ્ધોમાં ગર્જના તોફાન સજાર્શે. અને લોકો તેનું કારણ સમજી શકશે નહિ. 26લોકો પૃથ્વી પર શું થશે તેની અતિશય ચિંતાઓથી ભયભીત થઈ જશે. પૃથ્વી પર જે કંઈ થશે તેનાથી આકાશમાં જે બધું છે તે પણ બદલાઇ જશે. 27પછી લોકો માણસના દીકરાને પરાક્રમ સાથે અને મહા મહિમાસહિત વાદળાંમાં આવતો જોશે. 28જ્યારે આ ઘટનાઓ બનવા લાગે ત્યારે ઊચે નજર કરો અને ખુશ થાઓ! ચિંતા ના કરો. કારણ કે તમે જાણો છો કે તમારો ઉદ્ધાર થવાનો સમય પાસે આવ્યો છે!”
મારી વાતો જતી રહેવાની નથી
(માથ. 24:32-35; માર્ક 13:28-31)
29પછી ઈસુએ આ વાર્તા કહી કે, “બધા વૃક્ષો તરફ જુઓ. અંજીરનું વૃક્ષ એક સરસ ઉદાહરણ છે. 30જ્યારે તે ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. 31તે જ રીતે આ બધી બાબતો વિષે મેં તમને કહ્યું છે. જ્યારે તમે આ બધી બાબતો બનતી જોશો, ત્યારે તમે જાણી શકશો કે દેવનું રાજ્ય ઘણું જલદી આવી રહ્યું છે.
32“હું તમને સત્ય કહું છું. આ બધી વસ્તુઓ બનશે ત્યારે આ સમયના લોકો ત્યાં સુધી જીવતા હશે! 33આખી પૃથ્વી અને આકાશ નાશ પામશે, પણ મેં જે શબ્દો કહ્યા છે તેનો નાશ કદાપિ થશે નહિ!
પ્રત્યેક ક્ષણે તૈયાર રહો
34“સાવધાન રહો! તમારો સમય ખાવા પીવામાં બગાડો નહિ અથવા દુન્યવી વસ્તુઓની ચિંતા ના કરો. જો તમે એમ કરશો તો તમે સાચો વિચાર કરી શકશો નહિ. અને પછી જો એકાએક અંત આવી પહોંચશે ત્યારે તમે તૈયાર નહિ હોય. 35પૃથ્વી પરના તમામ લોકો માટે તે આશ્ચર્યજનક રીતે આવશે. 36તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”
37દિવસ દરમ્યાન, ઈસુ લોકોને મંદિરમાં બોધ આપતો, રાત્રે તે શહેરની બહાર જતોં અને આખી રાત જૈતૂનના પહાડ પર રહેતો. 38સવારે બધા લોકો વહેલા ઊઠતા અને ઈસુને ધ્યાનથી સાંભળવા મંદિરમાં જતા.
Currently Selected:
લૂક 21: GERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International