YouVersion Logo
Search Icon

લૂક 12

12
ફરોશીઓ જેવા ના બનો
1ઘણા હજારો લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ઈસુ લોકોને બોલ્યો તે પહેલા તેના શિષ્યોને તેણે કહ્યું, “ફરોશીઓના ખમીરથી સાવધ રહો. હું સમજું છું કે તેઓ ઢોંગી છે. 2જે કંઈ છુપાવી રાખેલું છે તે બતાવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ કરાશે. 3તમે જે કંઈ અંધારામાં કહો છો તે અજવાળામાં કહેવાશે, અને ગુપ્ત ઓરડામાં તમે જે કંઈ કાનમાં કહ્યું હશે તે ઘરના ધાબા પરથી પોકારાશે.”
ફક્ત ઈસુથી ડરો
(માથ. 10:28-31)
4પછી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને કહું છું, મારા મિત્રો, લોકોથી ડરો નહિ, લોકો શરીરને મારી શકે છે, પણ તે પછી તેઓ તમને ઇજા કરતાં વધારે કઈ કરી શકશે નહિ. 5હું તમને એકથી ડરવાનું બતાવીશ. તમારે તેનાથી ડરવું જોઈએ જેનામાં તમને મારી નાખવાનો અને પછી તમને નરકમાં નાખવાનો અધિકાર છો. હા, તે એક છે જેનાથી તાર ડરવું જોઈએ.
6“જ્યારે પક્ષીઓ વેચાય છે, પાંચ નાના પક્ષીઓની કિંમત માત્ર બે પૈસા છે. પણ દેવ તેમાંના કોઈને ભૂલી શકતો નથી. 7હા, દેવને એ પણ ખબર છે કે તમારા માથાંના વાળ કેટલા છે. ડરશો નહિ. તમે ઘણા પક્ષીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.
ઈસુથી શરમાશો નહિ
(માથ. 10:32-33; 12:32; 10:19-20)
8“હું તમને કહું છું, જો કોઈ વ્યક્તિ બીજા લોકો આગળ ઊભો રહે અને કહે કે તેને મારામાં વિશ્વાસ છે. પછી હું કહીશ કે તે વ્યક્તિ માકી છે. હું આ દેવના દૂતોની આગળ કહીશ. 9પણ જો કોઈ વ્યક્તિ લોકો આગળ ઊભો રહીને જાહેર કરે કે તેને મારામાં વિશ્વાસ નથી પછી હું કહીશ કે તે વ્યક્તિ મારી નથી. હું આ દેવના દૂતોની આગળ કહીશ.
10“કોઈ વ્યક્તિ માણસના દીકરાની વિરૂદ્ધ કંઈક કહે છે, તો તેને માફી આપી શકાય છે. પણ કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ કંઈ વાત કહેશે તો તેને માફ કરી શકાશે નહિ.
11“જ્યારે લોકો તમને સભાસ્થાનોમાં અધિપતિઓ અને અધિકારીઓની આગળ લઈ જાય ત્યારે શું કહેવું તેની ચિંતા ન કરો અને તમારો બચાવ કેવી રીતે કરવો તેની પણ ચિંતા ન કરો. 12તે વખતે પવિત્ર આત્મા તમારે શું કહેવું જોઈએ તે શીખવશે.”
ઈસુની સ્વાર્થપણા સામે ચેતવણી
13ટોળામાંના એક માણસે ઈસુને કહ્યું, “ગુરુંજી, હમણા જ અમારા પિતાનું મૃત્યુ થયું છે. મારા ભાઈને કહે કે અમારા પિતાની માલિકીની વસ્તુઓનો ભાગ મને આપે.”
14પણ ઈસુએ તેઓને કહ્યું, “કોણે કહ્યું કે હું તમારો ન્યાયાધીશ થઈશ કે તમારા પિતાની વસ્તુઓ તમારા બંને વચ્ચે વહેંચવાનો નિર્ણય કરીશ?” 15પછી ઈસુએ તેઓને કહ્યું, “સાવધાન રહો અને બધાજ પ્રકારના સ્વાર્થીપણા સામે જાગ્રત રહો. વ્યક્તિ તેની માલિકીની ઘણી વસ્તુઓમાંથી જીવન પ્રાપ્ત કરી શકતો નથી.”
16પછી ઈસુએ આ વાર્તાનો ઉપયોગ કર્યો: “એક ધનવાન માણસ હતો જેની પાસે કેટલીક જમીન હતી. તેની જમીનમાં ઘણી સારી ઉપજ થઈ. 17તે ધનવાન માણસે તેની જાતે મનમાં વિચાર કર્યો, ‘મારે શું કરવું? મારી પાસે ઉપજ ભરી મૂકવાની જગ્યા નથી.’
18“પછી પૈસાદાર માણસે કહ્યું, ‘હું જાણું છું કે હું શું કરીશ.’ હું મારી વખારોને પાડી નાંખીને વધારે મોટી વખારો બાંધીશ! હું ત્યાં મારા બધાજ ઘઉં અને સારી વસ્તુઓ એક સાથે નવી વખારમાં મૂકીશ. 19પછી હું મારી જાતને કહીશ, ‘મારી પાસે ઘણી સારી વસ્તુઓનો સંગ્રહ છે, મેં ઘણાં વરસ માટે પૂરતું બચાવ્યું છે આરામ લે, ખા, પી અને જીવનમાં આનંદ કર!’
20“પરંતુ દેવે તે માણસને કહ્યું, ‘અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?’
21“જે વ્યક્તિ તેની જાત માટે જ ફક્ત વસ્તુઓ બચાવે છે તેનું આમ જ થશે. દેવ સમક્ષ તે વ્યક્તિ ધનવાન નથી.”
દેવના રાજ્યને પ્રથમ સ્થાન આપવું
(માથ. 6:25-34, 19-21)
22ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જે ખોરાક જોઈએ તેની ચિંતા કરશો નહિ, તમારા શરીર માટે જરૂરી કપડાંની તમે ચિંતા કરશો નહિ. 23જીવન ખોરાક કરતા વધારે મહત્વનું છે અને શરીર કપડાં કરતા વધારે મહત્વનું છે. 24પક્ષીઓ તરફ જુઓ, તેઓ વાવતા નથી કે લણતાં નથી. પક્ષીઓ વખારમાં કે ઘરમાં અનાજ બચાવતા નથી. પરંતુ દેવ તેમની સંભાળ રાખે છે. અને તમે તો પક્ષીઓ કરતાં ઘણા મૂલ્યવાન છો. 25તમારામાંથી કોઈ પણ તેના અંગે ચિંતાઓ કરીને તમારા જીવનમાં થોડા સમયનો પણ વધારો કરી શકતો નથી. 26જો તમે નાની બાબત પણ કરી શકતા નથી તો પછી બીજી બાબતોની ચિંતા શા માટે કરો છો?
27“જંગલી ફૂલોને જુઓ, તેઓ કેવી રીતે ઊગે છે. તેઓ તેમની જાત માટે નથી કપડાં બનાવતા કે નથી કંઈ કામ કરતાં. પણ હું તમને કહું છું કે મહાન ધનવાન રાજા સુલેમાન પણ સુંદર રીતે શણગારાએલાં ફૂલોમાંના એક જેવો પણ પહેરેલો ન હતો. 28એ પ્રમાણે દેવ ખેતરના ઘાસને સુંદર વસ્ત્રો પહેરાવે છે તેમ ઘાસ આજે જીવે છે. પણ આવતીકાલે તેને બાળી નાખવા આગમાં નંખાય છે. તેથી તું જાણ કે દેવ તને વધારે સારું પહેરાવશે. તેથી આવો અલ્પવિશ્વાસ ન રાખો.
29“તેથી હંમેશા તમે શું ખાશો અને શું પીશો તેના વિષે વિચાર ન કરો. તેના વિષે ચિંતા ન કરો. 30જગતના બધા લોકો તે વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે. તમારો પિતા જાણે છે કે તમારે તે વસ્તુઓની જરૂર છે. 31જે વસ્તુઓ તમને જોઈએ છે તે દેવનું રાજ્ય છે. પછી આ બધી જરૂરી વસ્તુઓ તમને આપવામાં આવશે.
પૈસામાં વિશ્વાસ ન રાખો
32“ઓ નાની ટોળી, તમે ડરશો નહિ, તમારા પિતા તમને રાજ્ય આપવા ઈચ્છે છે. 33તમારી પાસે જે વસ્તુઓ છે તે વેચી દો અને જેઓને જરૂર છે તેઓને તે પૈસા આપી દો. આ જગતની સંપત્તિ સદા રહેતી નથી. તેથી જે સંપત્તિ સતત રહે તે મેળવો. તમારી જાત માટે આકાશમાં ખજાનો પ્રાપ્ત કરો. તે ખજાનો સદા રહેશે. આકાશમાંના ખજાનાને ચોરો ચોરી શકતા નથી, અને કીડા તેનો નાશ કરી શકતા નથી. 34જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારુંચિત્ત રહેશે.
હંમેશા તૈયાર રહો
(માથ. 24:42-44)
35“તૈયાર થાઓ, પૂર્ણ પોષાક પહેરો, તમારા દીવા સળગતા રાખો. 36લગ્ન સમારંભમાંથી ઘેર પાછા આવતા ધણીની રાહ જોતાં સેવકો જેવા થાઓ. ધણી આવે છે અને ટકોરા મારે છે. દાસો ધણી માંટે બારણું ઉઘાડે છે. 37એ દાસોને ધન્ય છે કારણ કે જ્યારે તેઓનો ધણી ઘરે આવે છે અને તે જુએ છે કે તેના દાસો તૈયાર છે અને તેની વાટ જુએ છે. હું તમને સત્ય કહું છું, ધણી તેની જાતે કામ માટે કપડાં પહેરશે અને દાસોને મેજ પાસે બેસવા કહેશે. પછી ધણી તેમની સેવા કરશે. 38પેલા દાસોને મધરાત પછી મોડેથી તેઓના ધણીની આવવાની રાહ જોવી પડે. તેઓનો ધણી જ્યારે આવે છે, ત્યારે તેઓને રાહ જોતા જોઈને તે આનંદ પામે છે.
39“આ યાદ રાખો, ઘરનો ધણી જો જાણતો હોત કે ક્યા સમયે ચોર આવશે તો પછી ધણી ચોરને તેના ઘરમાં ઘૂસવા દેત નહિ. 40તેથી તમે પણ તૈયાર રહો! માણસનો દિકરો તમે ધાર્યુ નહિ હોય તેવા સમયે આવશે.”
વિશ્વાસપાત્ર સેવક કોણ?
(માથ. 24:45-51)
41પિતરે કહ્યું, “પ્રભુ, તેં આ વાર્તા અમારા માટે કહી કે બધા લોકો માટે?”
42પ્રભુએ કહ્યું, “શાણો અને વિશ્વાસપાત્ર સેવક કોણ છે? ધણી એક દાસ પર વિશ્વાસ રાખે છે જે બીજા દાસોને સમયસર તેમનું ખાવાનું આપશે. એ દાસ કોણ છે જેના પર ધણી તે કામ કરવાનો વિશ્વાસ રાખે છે? 43જ્યારે ધણી આવે છે અને પોતે દાસને સોંપેલું કામ કરતાં જુએ છે, ત્યારે તે દાસ ઘણો સુખી થશે. 44હું તમને સત્ય કહું છું, ધણી તે દાસને પોતાની સર્વ માલમિલકતની સંભાળ રાખવા પસંદ કરે છે.
45“પણ જો દાસ દુષ્ટ હોય અને વિચારે કે તેનો ધણી જલદીથી પાછો આવશે નહિ, તો પછી શું બને? પેલો દાસ બીજા દાસો અને દાસીઓને મારવાનું શરૂ કરશે. તે ખાશે, પીશે અને છાકટો બનશે. 46પછી પેલા દાસનો ધણી આવશે ત્યારે પેલો દાસ તૈયાર હશે નહિ. દાસે ધારણા નહિ કરી હોય કે ધણી આવશે તેવા સમયે તે આવશે પછી ધણી પેલા દાસને શિક્ષા કરશે. ધણી તેને બીજા લોકો જે તેની આજ્ઞા પાળતા નથી તેમની સાથે દૂર કાઢી મૂકશે.
47“પેલા દાસે જાણ્યું, તેનો ધણી તેની પાસે શું કરાવવા માંગતો હતો પણ તે દાસે તેની જાતને તૈયાર કરી નહિ અથવા તેના ધણીની ઈચ્છા પ્રમાણે જે કરવાનું હતું તે માટે પ્રયત્ન પણ કર્યો નહિ, તેથી તે દાસને ઘણી બધી શિક્ષા થશે! 48પણ તે દાસોનું શું કે જેઓ તેમના ધણી શું ઈચ્છે છે તે જાણતા નથી? તે દાસ શિક્ષા થાય તેવાં જ કામ કરે છે. પણ જે દાસો તેમને શું કરવાનું છે તે જાણે છે તેના કરતા તેને ઓછી શિક્ષા થશે. જે વ્યક્તિને વધારે આપવામાં આવ્યું હશે તે વધારે હોવા માટે પણ જવાબદાર થશે. જે વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવશે ત્યારે તેની પાસેથી વધારે માંગણી કરવામાં આવશે.”
ઈસુ વિષે લોકોનો અસ્વીકાર
(માથ. 10:34-36)
49ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, “હું પૃથ્વી પર આગ વરસાવવા આવ્યો છું. જો આગ પ્રસરી જ ગઇ હોય તો હું બીજું શું ઈચ્છું! 50મારે જુદા જ પ્રકારના બાપ્તિસ્મા સાથે બાપ્તિસ્મા પામવું જોઈએ અને તે પૂરું થતાં સુધી હું ઘણી ચિંતામાં છું. 51શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું! 52કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે.
53પિતા અને પુત્રમાં ભાગલા પડશે:
દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે.
પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે.
મા અને પુત્રીમાં ભાગલા પડશે:
પુત્રી તેની માની વિરોધી થશે.
મા તેની પુત્રીની વિરોધી
થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે:
વહુ તેની સાસુની વિરોધી થશે.
સાસુ તેની વહુની વિરોધી થશે.”
સમયને પારખો
(માથ. 16:2-3)
54પછી ઈસુએ લોકોને કહ્યું, “જ્યારે તમે પશ્ચિમમાં મોટાં વાદળા ઘેરાતાં જુઓ છો ત્યારે તમે કહો છો કે, ‘વર્ષાનું ઝાપટું આવશે;’ અને વરસાદ પડશે. અને ખરેખર વરસાદ પડે છે. 55જ્યારે તમને લાગે છે કે દક્ષિણમાંથી પવન ફૂંકાય છે ત્યારે તમે કહો છો કે, ‘તે દિવસે ખૂબ ગરમી પડશે,’ અને તમે સાચા છો. 56ઓ ઢોંગીઓ! તમે હવામાન સમજી શકો છો તો હમણાં જે બની રહ્યું છે તે તમે શા માટે સમજતા નથી?
તમારી સમસ્યા ઉકેલો
(માથ. 5:25-26)
57“શું સાચું છે તેનો તમે તમારી જાતે કેમ નિર્ણય કરતા નથી? 58જ્યારે તારા વિરોધી સાથે ફરિયાદ નોંધાવવા માટે ન્યાયાલયમાં જતો હોય તો રસ્તામાં જ તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર. જો તું તેનો ઉકેલ નહિ લાવે તો તે તને ન્યાયાધીશ આગળ ઘસડી જશે. રખે ન્યાયાધીશ તને અધિકારીને સોંપે. અને તે તને બંદીખાનામાં નાખે. 59હું તને કહું છું તું પ્રત્યેક દમડી જે તારે ચુકવવાની છે તે નહિ આપે ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળશે નહિ.”

Currently Selected:

લૂક 12: GERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in