YouVersion Logo
Search Icon

યોહાન 5

5
ઈસુનું પૂલ પાસે માણસને સાજા કરવું
1પાછળથી યહૂદિઓના પર્વોમાંના એક પર્વ માટે ઈસુ યરૂશાલેમ કયો. 2યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે. 3ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા. [અને તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા. 4કેમ કે કોઈ કોઈ વેળા પ્રભુનો દૂત તે કૂંડમાં ઊતરતો અને પાણીને હલાવતો હતો. દૂતે આ કર્યા પછી, જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.]#5:4 કેટલીક પૂરાણી ગ્રીક નકલોમાં કલમ 4 ઉમેરેલ છે. 5એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો. 6ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”
7તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”
8પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.” 9પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ.
જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો. 10તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”
11પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.’”
12યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”
13પરંતુ તે માણસ કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.
14પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”
15પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”
16ઈસુ આ કાર્યો વિશ્રામવારે કરતો હતો. માટે યહૂદિઓએ ઈસુનું ખરાબ કરવાનું શરું કર્યું. 17પરંતુ ઈસુએ યહૂદિઓને કહ્યું, “મારા પિતાએ કદી કામ કરવાનું બંધ કર્યુ નથી અને તેથી હું પણ કામ કરું છું.”
18તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, આ રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”
ઈસુ પાસે દેવની સત્તા છે
19પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે. 20પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો. 21પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
22“કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે. 23દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
24“હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે. 25હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે. 26કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે. 27અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.
28“આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે. 29જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.
30“હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.
ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે
31“જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.
33“તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.
36“પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”
41“મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી. 42પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. 43હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો. 44એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 45એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી. 46જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે. 47પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”

Currently Selected:

યોહાન 5: GERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in