YouVersion Logo
Search Icon

યોહાન 15

15
ઈસુ એક દ્રાક્ષાવેલો છે
1ઈસુએ કહ્યું, “હું ખરો દ્રાક્ષાવેલો છું; મારો પિતા માળી છે. 2તે ફળ નહિ ઉગાડતી મારી પ્રત્યેક ડાળીઓ કાપી નાખે છે. અને જે ફળ ઉગાડે છે તેવી ડાળીઓને વધારે ફળ આવે તે માટે શુદ્ધ કરે છે. 3મેં તમને જે વચનો કહ્યાં છે તેનાથી તમે હવે શુદ્ધ થઈ ગયા છો. 4તમે મારામાં છો અને હું તમારામાં રહીશ. કોઈ ડાળી એકલી ફળ આપી શકે નહિ. તે દ્રાક્ષાવેલામાં હોવી જોઈએ. તમારું મારી સાથે તેવું જ છે. તમે એકલા ફળ આપી શકો નહિ. તમારે મારામાં રહેવું જોઈએ.
5“હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો. જો કોઈ વ્યક્તિ મારામાં સતત રહે છે. તો હું તે વ્યક્તિમાં રહું છું પછી તે વ્યક્તિ વધારે ફળ આપે છે. પણ મારા વિના તે વ્યક્તિ કઈ જ કરી શક્તી નથી. 6જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે. 7મારામાં રહો, અને મારાં વચનમાં રહો. જો તમે તેને અનુસરવાનું ચાલુ રાખશો તો તમે તમારી જરૂરી કોઈ પણ વસ્તુ માગી શકશો. અને તે તમને આપવામાં આવશે. 8તમારે વધારે ફળ આપવાં જોઈએ અને બતાવવું જોઈએ કે તમે મારા શિષ્યો છો. આનાથી મારા પિતાને મહિમા પ્રાપ્ત થાય છે.
9“જે રીતે પિતાએ મને પ્રેમ કર્યો તેમ હું તમને પ્રેમ કરું છું. હવે મારા પ્રેમમાં રહો. 10મેં મારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે અને હું તેના પ્રેમમાં રહ્યો છું તે જ રીતે જો તમે મારી આજ્ઞાનું પાલન કરો છો તો તમે મારા પ્રેમમાં રહેશો. 11મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય. 12મારી તમને આ આજ્ઞા છે કે મેં તમને પ્રેમ કર્યો છે તેવો પ્રેમ તમે એકબીજાને કરો. 13પોતાના મિત્રને માટે જીવ આપીને જ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ પ્રેમ બતાવી શકે છે. 14હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો. 15હવેથી હું તમને સેવકો કહીશ નહિ કારણ કે સેવક કદી જાણતો નથી કે તેનો માલિક શું કરે છે પણ હવે હું તમને મિત્રો કહું છું કારણ કે મેં મારા પિતા પાસે સાંભળેલું બધું જ તમને કહ્યું છે.
16“તમે મને પસંદ કર્યો નથી; મેં તમને પસંદ કર્યા છે. અને મેં તમને ત્યાં જઈને ફળ આપવાનું કામ સોંપ્યું છે. હું ઈચ્છું છું કે આ ફળ તમારા જીવનમાં ચાલુ રહે. પછી તમે મારા નામે જે કંઈ માગશો તે પિતા તમને આપશે. 17આ મારી આજ્ઞા છે: તમે એકબીજાને પ્રેમ કરો.
ઈસુ તેના શિષ્યોને ચેતવણી આપે છે
18“જો જગત તમને ધિક્કારે છે તો, યાદ કરજો કે જગતે મને પ્રથમ ધિક્કાર્યો છે. 19જો તમે જગતના હોત તો જગત તમારા પર પોતાના લોકોની જેમ પ્રેમ રાખત, પણ મે તમને જગતની બહારથી પસંદ કર્યા છે. તેથી તમે જગતના નથી. તેથી જગત તમને ધિક્કારે છે.
20“મેં તમને કહેલો પાઠ યાદ કરો: સેવક તેના માલિકથી મોટો નથી. જો લોકોએ મારું ખોટું કર્યુ હશે તો પછી તેઓ તમારું પણ ખોટું કરશે. અને જો લોકો મારા વચનનું પાલન કરશે તો પછી તેઓ તમારી આજ્ઞાનું પણ પાલન કરશે. 21લોકો મારા કારણે આ બધું તમારી સાથે કરશે. તેઓ જેણે મને મોકલ્યો છે તેને ઓળખતા નથી. 22જો મેં જગતના લોકોને આવીને કહ્યું ના હોત, તો પછી તેઓ પાપના દોષિત થાત નહિ. પણ હવે મેં તેમને કહ્યું છે. તેથી તેઓનાં પાપ માટે હવે તેઓની પાસે બહાનું નથી.
23“જે વ્યક્તિ મને ધિક્કારે છે તે મારા પિતાને પણ ધિક્કારે છે. 24તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે. 25પણ આ બન્યું તેથી તેઓના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું પુરવાર થશે; ‘તેઓએ મારો વિનાકારણે દ્વેષ રાખ્યો છે.’
26“હું પિતા પાસેથી તમારા માટે સંબોધક મોકલીશ. તે સંબોધક સત્યનો આત્મા છે જે પિતા પાસેથી આવે છે. જ્યારે તે આવે છે, ત્યારે તે મારા વિષે કહેશે. 27અને તમે પણ લોકોને મારા વિષે કહેશો, કારણ કે તમે શરુંઆતથી જ મારી સાથે રહ્યા છો.”

Currently Selected:

યોહાન 15: GERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in