માથ. 18
18
સૌથી મોટું કોણ?
માર્ક 9:33-37; લૂક 9:46-48
1તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” 2ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને 3તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો.
4 માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે. 5વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.
નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવવા વિષે
માર્ક 9:42-48; લૂક 17:1-2
6 પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે. 7માનવજગતને અફસોસ છે! કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે. પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે! 8માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
9 જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
ખોવાયેલાં ઘેટાંનું દ્રષ્ટાંત
લૂક 15:3-7
10 સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે. 11(કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે.)
12 તમે શું ધારો છો? જો કોઈ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી? 13જો તે તેને મળે તો હું તમને નિશ્ચે કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વધારે ખુશ થાય છે. 14એમ આ નાનાંઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા નથી.
ભાઈના આત્મિક જીવનની કાળજી
15 વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. 16પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય.
17 જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવો ગણ.
એક ચિત્તના થઈને માગો
18 હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે. 19વળી હું તમને સાચે જ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે. 20કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.”
માફ ન કરનાર ચકારનુ દ્રષ્ટાંત
21ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?” 22ઈસુએ તેને કહ્યું કે, “સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું.
23 એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો. 24તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એક દેવાદારને તેમની પાસે લાવ્યા જેણે જીવનભર કમાય તો પણ ના ભરી શકે તેટલું દેવું હતું. 25પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના માલિકે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી.
26 એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.’ 27ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું.
28 પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો જેને, ત્રણ મહિનાના પગાર જેટલું દેવું હતું, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, ‘તારું દેવું ચૂકવ.’ 29ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.’”
30 તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. 31ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણાં દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું.
32 ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. 33મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’”
34 તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. 35એ પ્રમાણે જો તમે પોતપોતાનાં ભાઈઓના અપરાધ તમારાં હૃદયપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.”
Currently Selected:
માથ. 18: IRVGuj
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.