લૂક 2
2
ઈસુનો જન્મ
માથ. 1:18-25
1તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે. 2કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી. 3બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા.
4યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો.
6તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા. 7અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને વસ્ત્રમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.
ભરવાડો અને દૂતો
8તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા. 9પ્રભુનો એક સ્વર્ગદૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણાં ભયભીત થયા.
10સ્વર્ગદૂતે તેઓને કહ્યું કે ‘બીશો નહીં; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે; 11કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે. 12તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને વસ્ત્રમાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.’”
13પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે, 14‘સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.’”
15જયારે સ્વર્ગદૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, ‘ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.’” 16તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને, તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા.
17તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી. 18જે વાતો ઘેટાંપાળકોએ કહી, તેથી સઘળા સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા, 19પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી. 20ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.
ઈસુનું નામકરણ
21આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં સ્વર્ગદૂતે આપ્યું હતું.
ભક્તિસ્થાનમાં ઈસુનું સમર્પણ
22મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા, 23ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, પ્રથમ જન્મેલો દરેક બાળક પ્રભુને સારુ પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની સમક્ષ રજૂ કરવાને, 24તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં કહ્યાં પ્રમાણે એક જોડ હોલાને અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન કરવા સારુ, તેને યરુશાલેમમાં લાવ્યાં.
25ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો. 26પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, ‘પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.’”
27તે આત્માની પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા. 28ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, 29‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો; 30કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે, 31જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે; 32તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”
33તેમના બાળક સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા. 34શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે, ‘જો, આ બાળક ઇઝરાયલમાંનાં ઘણાંનાં પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે. 35હા, તારા પોતાના જીવને તલવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.’”
36આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી. 37તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી. 38તેણે તે જ ઘડીએ ત્યાં આવીને ઈશ્વરની સ્તુતિ કરી, અને જેઓ યરુશાલેમના ઉદ્ધારની રાહ જોતાં હતા તે સઘળાને તે બાળક સંબંધી વાત કરી.
નાસરેથ પાછા ફરવું
39તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી ગાલીલમાં પોતાના શહેર નાસરેથમાં પાછા ગયા.
40ત્યાં તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.
બાર વર્ષની ઉંમરે ઈસુ ભક્તિસ્થાનમાં
41તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતા હતાં. 42જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયા. 43પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ. 44પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા.
45ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછા ગયા. 46ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા. 47જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા.
48તેમને જોઈને તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા; અને તેમની માએ તેમને કહ્યું કે, ‘દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!’ 49ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?’” 50જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.
51ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.
52ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.
Currently Selected:
લૂક 2: IRVGuj
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.