YouVersion Logo
Search Icon

યોહ. 20

20
ખાલી કબર
માથ. 28:1-8; માર્ક 16:1-8; લૂક 24:1-12
1હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 2ત્યારે તે દોડીને સિમોન પિતર તથા બીજો શિષ્ય, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેમની પાસે આવીને તેઓને કહે છે કે, ‘તેઓએ પ્રભુને કબરમાંથી ઉઠાવી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યાં છે તે અમે જાણતા નથી.’”
3તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા. 4તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો. 5તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ.
6પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં; 7અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.
8પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો. 9કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા. 10ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.
મગ્દાલાની મરિયમને ઈસુ દેખાયા
માથ. 28:9-10; માર્ક 16:9-11
11જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી; 12અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા. 13તેઓ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તે તેમને કહે છે, ‘તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું.’”
14એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ. 15ઈસુ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તું કોને શોધે છે?’ તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, ‘ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.’”
16ઈસુ તેને કહે છે કે, ‘મરિયમ;’ અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, ‘રાબ્બોની!’ એટલે ‘ગુરુજી.’” 17ઈસુ તેને કહે છે કે, ‘હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, ‘જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.’” 18મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, ‘મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે.
પોતાના શિષ્યોને ઈસુનું દર્શન
માથ. 28:16-20; માર્ક 16:14-18; લૂક 24:36-49
19તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ થાઓ.’” 20એમ કહીને તેમણે પોતાના હાથ તથા ફૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.
21ઈસુએ ફરી તેઓને કહ્યું કે, ‘તમને શાંતિ હો;’ જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને પણ મોકલું છું. 22પછી ઈસુએ તેઓ પર શ્વાસ ફૂંકીને કહ્યું કે, ‘તમે પવિત્ર આત્મા પામો. 23જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓના પાપ માફ કરવામાં આવે છે; અને જેઓનાં પાપ તમે રાખો છો, તેઓના પાપ રહે છે.’”
ઈસુ અને થોમા
24જયારે ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક, જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે ન હતો. 25તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, ‘અમે પ્રભુને જોયા છે.’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.’”
26આઠ દિવસ પછી ફરી તેમના શિષ્યો અંદર હતા; અને થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણાં બંધ હોવા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ હો.’” 27પછી તેઓ થોમાને કહે છે કે, ‘તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.’”
28થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, ‘મારા પ્રભુ અને મારા ઈશ્વર!’ 29ઈસુએ તેને કહ્યું કે, ‘તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો છે, જેઓએ મને જોયો નથી અને છતાં પણ વિશ્વાસ કર્યો છે તેઓ આશીર્વાદિત છે.’”
આ પુસ્તકનો હેતુ
30ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. 31પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.

Currently Selected:

યોહ. 20: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in