YouVersion Logo
Search Icon

યશા. 2

2
સાર્વકાલિક શાંતિ
1આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે.
2છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત
બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે;
અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે.
3ઘણા લોકો જઈને કહેશે,
“ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ,
જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું.”
કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે
4તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે;
તેઓ પોતાની તલવારોને ટીપીને હળના ફળાં અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે;
પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.
5હે યાકૂબના વંશજો, આવો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ.
ગર્વિષ્ટોનો નાશ થશે
6કેમ કે તમે તમારા લોકોને, એટલે યાકૂબના સંતાનોને તજી દીધા છે,
કારણ કે તેઓ પૂર્વ તરફના દેશોના રિવાજોથી ભરપૂર અને પલિસ્તીઓની જેમ શકુન જોનારા થયા છે
અને તેઓ વિદેશીઓનાં સંતાનો સાથે હાથ મિલાવે છે.
7તેઓની ભૂમિ સોનાચાંદીથી ભરપૂર છે, તેઓના ખજાનાનો કોઈ પાર નથી;
તેઓનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેઓના રથોનો કોઈ પાર નથી.
8વળી તેઓનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે;
તેઓ પોતાને હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને પૂજે છે.
9તે લોકો ઘૂંટણે પડશે અને દરેક વ્યક્તિને નીચા નમાવવામાં આવશે. તેથી તેમનો સ્વીકાર કરશો નહિ.
10યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા,
ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ.
11માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે,
અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે.
12કેમ કે તે સૈન્યોના યહોવાહનો દિવસ આવશે
તે દરેક વિરુદ્ધ જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે અને દરેક જે અભિમાની છે, તે સર્વને નમાવવામાં આવશે.
13લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં દેવદાર વૃક્ષો પર
અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર;
14અને સર્વ મોટા પર્વતો પર અને સર્વ ઊંચા ટેકરાઓ પર;
15અને સર્વ ઊંચા મિનારા પર અને દરેક કિલ્લાના કોટ પર;
16અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે.
17તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે;
એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.
18મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે.
19યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા,
માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે.
20તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને,
છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.
21જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા,
લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે.
22માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે;
તે શી ગણતરીમાં છે?

Currently Selected:

યશા. 2: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in