યશા. 1
1
1યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ અને હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.
પ્રજાને પ્રભુનો ઠપકો
2હે આકાશો અને પૃથ્વી સાંભળો; કારણ કે યહોવાહ બોલ્યા છે:
“મેં બાળકોને ઉછેરીને મોટાં કર્યાં પણ તેઓએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.
3બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકની ગભાણને ઓળખે છે,
પણ ઇઝરાયલ જાણતો નથી, ઇઝરાયલ સમજતો નથી.”
4ઓહ! પ્રજાઓ, પાપીઓ, અપરાધોથી લદાયેલા લોકો,
હે ખોટું કરનારનાં સંતાનો, હે સ્વછંદી સંતાનો!
તેઓએ યહોવાહનો ત્યાગ કર્યો છે, ઇઝરાયલના પવિત્રને ધિક્કાર્યા છે.
તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે.
5શું હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે બળવો કર્યા કરો છો?
આખું માથું રોગિષ્ઠ, આખું હૃદય કમજોર છે.
6પગના તળિયાથી તે માથા સુધી કોઈ અંગ સાજું નથી;
ફક્ત ઘા અને સોળ તથા પાકેલા જખમ છે;
તેમને દબાવીને પરુ કાઢવામાં આવ્યું નથી, ઘા સાફ કર્યા નથી, નથી પાટા બાંધ્યા કે નથી તેમને તેલથી નરમ કરવામાં આવ્યા.
7તમારો દેશ ઉજ્જડ થઈ ગયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે;
તમારી હાજરીમાં તમારાં ખેતરોને પારકાઓએ ખેદાનમેદાન કરી નાખ્યાં છે -
તેથી તમારી ભૂમિ ઉજ્જડ થઈ ગઈ છે.
8સિયોનની દીકરી દ્રાક્ષવાડીના માંડવા જેવી,
કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.
9જો સૈન્યોના યહોવાહે આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત,
તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.
10હે સદોમના રાજકર્તાઓ, તમે યહોવાહની વાત સાંભળો;
હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ પ્રત્યે કાન દો:
11યહોવાહ કહે છે, “મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?”
“હું ઘેટાના દહનીયાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું;
અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી.
12જયારે તમે મારી સંમુખ આવો છો,
ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે?
13તમારા વ્યર્થ અર્પણો લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે;
ચંદ્રદર્શન તથા વિશ્રામવારની સભાઓ! હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી.
14તમારા ચંદ્રદર્શનને અને તમારાં પર્વોને મારો આત્મા ધિક્કારે છે;
તેઓ મને બોજારૂપ છે; હું તે સહન કરીને થાકી ગયો છું.
15તેથી જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો, ત્યારે હું મારી નજર ફેરવી લઈશ.
જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, તો પણ હું સાંભળનાર નથી;
કેમ કે તમારા હાથ રક્તથી ભરેલા છે.
16સ્નાન કરો અને શુદ્ધ થાઓ;
મારી આંખ આગળથી તમારાં દુષ્ટ કાર્યો દૂર કરો;
ભૂંડું કરવું બંધ કરો;
17સારું કરતા શીખો;
ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો,
અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”
18યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ”
“તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે;
જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે.
19જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો;
20પણ જો તમે ઇનકાર કરશો અને બળવા કરશો, તો તમે તલવારથી માર્યા જશો,”
કેમ કે આ યહોવાહના મુખનું વચન છે.
અધર્મનગરી
21વિશ્વાસુ નગર કેમ વ્યભિચારી થઈ ગયું છે!
તે ઇનસાફથી, ન્યાયપણાથી ભરપૂર હતું,
પણ હવે તે ખૂનીઓથી ભરપૂર છે.
22તારી ચાંદી ભેળસેળવાળી થઈ ગઈ છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થયેલો છે.
23તારા રાજકર્તાઓ બળવાખોર અને ચોરોના સાથીઓ થયા છે;
તેઓમાંના દરેક લાંચના લાલચુ છે અને નજરાણાં પાછળ દોડે છે;
તેઓ અનાથનું રક્ષણ કરતા નથી, અને વિધવાઓની ન્યાયી અરજ તેઓ સાંભળતા નથી.
24તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના સામર્થ્યવાન પ્રભુ, એવું કહે છે:
“તેઓને અફસોસ! હું મારા શત્રુઓ પર વેર વાળીશ અને મારા દુશ્મનોને હું બદલો વાળી આપીશ;
25તારા પર હું મારો હાથ ઉગામીશ,
તારામાંથી ભેળસેળ અને સર્વ અશુદ્ધિઓ દૂર કરીશ.
26આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ;
ત્યાર પછી તારું નામ ન્યાયી અને વિશ્વાસુ નગર કહેવાશે.”
27સિયોન ઇનસાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.
28પણ બળવાખોરો તથા પાપીઓનો વિનાશ થશે અને યહોવાહથી વિમુખ થનાર નાશ પામશે.
29“કેમ કે જે એલોન વૃક્ષોને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો
અને જે બગીચાને તમે પસંદ કર્યા હતા તેઓથી તમે લજ્જિત થશો.
30જે એલોન વૃક્ષનાં પાંદડાં ખરી પડે છે,
અને જે બગીચામાં પાણી નથી, તેના જેવા તમે થશો.
31વળી જે બળવાન છે તે શણના કચરા જેવો અને તેનું કામ ચિનગારી જેવું થશે;
તેઓ બન્ને સાથે બળશે અને તેને હોલવનાર કોઈ મળશે નહિ.”
Currently Selected:
યશા. 1: IRVGuj
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.