YouVersion Logo
Search Icon

ઉત્પ 35

35
યાકૂબ બેથેલમાં પાછા ફર્યો
1ઈશ્વરે યાકૂબને કહ્યું, “હવે તું બેથેલમાં જા અને ત્યાં રહે. જયારે તું તારા ભાઈ એસાવથી ડરીને નાસી ગયો હતો ત્યારે જેમણે તને દર્શન આપ્યું હતું, તે ઈશ્વરને સારુ તું ત્યાં વેદી બાંધ.” 2પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો. 3પછી આપણે બેથેલમાં જઈએ. જે ઈશ્વરે મારી આપત્તિના દિવસે મને સાંભળ્યો હતો અને જ્યાં કંઈ હું ગયો ત્યાં જેઓ મારી સાથે રહ્યા, તેમને સારુ ત્યાં વેદી બાંધવાની છે.”
4તેથી તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે સર્વ યાકૂબને આપ્યાં. યાકૂબે શખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં. 5જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ.
6યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂઝ એટલે બેથેલમાં પહોંચ્યાં. 7તેણે ત્યાં વેદી બાંધી અને તે જગ્યાનું નામ એલ બેથેલ#35:7 બેથેલ નો ઈશ્વર પાડ્યું, કેમ કે જયારે તે તેના ભાઈથી નાસી જતો હતો, ત્યારે ત્યાં ઈશ્વરે તેને દર્શન આપ્યું હતું. 8રિબકાની સંભાળ રાખનારી દાઈ દબોરા મૃત્યુ પામી. તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દફનાવામાં આવી તેથી તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ#35:8 એલોન-બાખૂથ રડતો એલોન રાખવામાં આવ્યું.
9જયારે પાદ્દાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો. 10ઈશ્વરે તેને કહ્યું, “તારું નામ યાકૂબ છે પણ હવેથી તારું નામ યાકૂબ કહેવાશે નહિ. તારું નામ ઇઝરાયલ થશે.” તેમણે તેનું નામ ઇઝરાયલ પાડ્યું.
11ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા અને વૃદ્ધિ પામ. તારા વંશમાં પ્રજાઓ અને પ્રજાઓના સમુદાયો પેદા થશે અને તારાં સંતાનોમાંથી કેટલાંક રાજાઓ થશે. 12મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ અને તારા પછી તારા સંતાનોને પણ હું તે દેશ આપીશ.” 13જે જગ્યાએ ઈશ્વરે તેની સાથે વાત કરી હતી ત્યાંથી તેઓ ચાલ્યા ગયા.
14જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાએ યાકૂબે પથ્થરનું એક સ્મારક એટલે સ્તંભ ઊભો કર્યો. તેણે તેના પર પેયાર્પણ કર્યું તથા તેલ રેડ્યું. 15જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું.
રાહેલ અને ઇસહાકની મૃત્યુ
16તેઓ બેથેલથી આગળ વધ્યા. એફ્રાથ પહોંચવાને હજી થોડું અંતર બાકી રહ્યું હતું ત્યારે રાહેલને પ્રસૂતિપીડા થઈ. તેને સખત દુઃખાવો ઊપડ્યો. 17જયારે તે સખત પીડાતી હતી ત્યારે તેને તેની દાઈએ કહ્યું, “બીશ નહિ, કેમ કે હવે તને બીજો દીકરો જન્મ્યો છે.” 18જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની#35:18 બેનોની દુઃખનો દીકરો પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન#35:18 બિન્યામીન જમણી હાથનો દીકરો પાડ્યું. 19રાહેલ મૃત્યુ પામી. તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી. 20યાકૂબે તેની કબર પર સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ કહેવાય છે. 21ઇઝરાયલ મુસાફરી કરતાં આગળ વધ્યો અને મિગ્દાલ એદેરના બુરજની પેલી બાજુએ મુકામ કર્યો. 22જયારે ઇઝરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટના ઇઝરાયલના સાંભળવામાં આવી.
યાકૂબના બાર દીકરા હતા. 23લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન. 24રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન. 25રાહેલની દાસી બિલ્હાના દીકરા: દાન તથા નફતાલી.
26લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા. 27મામરે, એટલે કિર્યાથ-આર્બા જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમ તથા ઇસહાક રહ્યાં હતા, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.
28ઇસહાકનું આયુષ્ય એકસો એંસી વર્ષનું હતું. 29ઇસહાક ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને તેના પૂર્વજો સાથે મળી ગયો. તેના દીકરા એસાવે તથા યાકૂબે તેને દફનાવ્યો.

Currently Selected:

ઉત્પ 35: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in