YouVersion Logo
Search Icon

ઉત્પ 28

28
ઇસહાક યાકૂબને લાબાન પાસે મોકલે છે
1ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો અને તેને આજ્ઞા આપી, “કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ. 2ઊઠ, પાદ્દાનારામમાં તારી માતાના પિતા બથુએલને ઘરે જા અને ત્યાંથી તારી માતાના ભાઈ એટલે તારા મામા લાબાનની દીકરીઓમાંથી એકની સાથે તું લગ્ન કર.
3સર્વસમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપે, ફળવંત કરે અને વૃદ્ધિ આપે કે જેથી તારા સંતાનો અસંખ્ય થાય. 4ઇબ્રાહિમને આપેલો આશીર્વાદ ઈશ્વર તને તથા તારા પછીના તારાં સંતાનને પણ આપે અને જે દેશ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલો છે જેમાં તું પ્રવાસી છે તેનો વારસો તને મળે.”
5ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીના દીકરા અને યાકૂબ તથા એસાવની માતા રિબકાના ભાઈ લાબાનને ત્યાં ગયો.
એસાવે ઇશ્માએલની દીકરીને લગ્ન કરે છે
6હવે, એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને તેને પાદ્દાનારામમાંથી કન્યા મેળવીને લગ્ન કરવા માટે ત્યાં મોકલ્યો છે. એસાવે એ પણ જોયું કે ઇસહાકે તેને આશીર્વાદ આપતાં આજ્ઞા કરી કે, “કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ,” 7અને યાકૂબ તેના માતાપિતાની આજ્ઞા માનીને પાદ્દાનારામમાં ગયો છે.
8એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની કન્યાઓ પસંદ નથી. 9તેથી તે તેના કાકા ઇશ્માએલના કુટુંબમાં ગયો અને પોતાની પત્નીઓ હોવા ઉપરાંત ત્યાંની સ્ત્રી સાથે લગ્ન કર્યું. તે ઇબ્રાહિમના દીકરા, ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન માહાલાથ હતી.
બેથેલમાં યાકૂબને સ્વપ્ન
10યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. 11તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો.
12તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા. 13તેના ઉપર#28:13 ઉપર યાકૂબની બાજુમાં ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ.
14પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે. 15જો, હું તારી સાથે છું, જ્યાં કંઈ તું જશે ત્યાં હું તને સંભાળીશ. આ દેશમાં હું તને પાછો લાવીશ; હું તને ત્યાગી દઈશ નહિ. જે વચન મેં તને આપ્યું છે તે હું પૂરું કરીશ.”
16યાકૂબ ઊંઘમાંથી જાગી ગયો અને તેણે કહ્યું, “નિશ્ચે ઈશ્વર આ જગ્યાએ છે તે મેં જાણ્યું નહિ.” 17તે ગભરાયો અને બોલ્યો, “આ જગ્યા કેવી ભયાનક છે! આ ઈશ્વરના ઘર સિવાય બીજું કંઈ નથી. આ સ્વર્ગનું દ્વાર છે.”
18યાકૂબ વહેલી સવારે ઊઠ્યો અને જે પથ્થર તેણે તેના માથા નીચે મૂક્યો હતો તે તેણે લીધો. તેણે તેને સ્તંભની જેમ ઊભો કર્યો અને તેના ઉપરના ભાગ પર જૈત તેલ રેડ્યું. 19તેણે તે જગ્યાનું નામ બેથેલ#28:19 બેથેલ ઈશ્વરનું ઘર પાડ્યું, જો કે તે નગરનું મૂળ નામ લૂઝ હતું.
20યાકૂબે પ્રતિજ્ઞા કરી કે, “જો ઈશ્વર મારી સાથે રહેશે અને આ માર્ગ કે જેમાં હું ચાલું છું તેમાં મારું રક્ષણ કરશે, મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર આપશે, 21અને મને મારા પિતાના ઘરે સુરક્ષિત લાવશે, તો તેમને હું મારા પ્રભુ, ઈશ્વર માનીશ; 22અને આ પથ્થર જે મેં સ્તંભની જેમ ઊભો કર્યો છે તે યાદગીરીનું પવિત્ર સ્થાનક થશે અને ઈશ્વર જે કંઈ મને આપશે તેમાંથી હું નિશ્ચે તેમને દશાંશ પાછું આપીશ.”

Currently Selected:

ઉત્પ 28: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in