YouVersion Logo
Search Icon

ગલ. 2

2
પાઉલ અને બીજા પ્રેરીતો
1ચૌદ વર્ષ પછી હું બાર્નાબાસની સાથે ફરી પાછો યરુશાલેમ ગયો અને તિતસને પણ સાથે લઈ ગયો. 2પ્રકટીકરણ દ્વારા મળેલી ઈશ્વરની આજ્ઞાથી હું ત્યાં ગયો અને જે સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું છું, તે જેઓ પ્રતિષ્ઠિત હતા તેઓને ગુપ્ત રીતે કહી સંભળાવી, રખેને હું વ્યર્થ દોડતો હોઉં અથવા દોડ્યો હોઉં.
3પણ તિતસ જે મારી સાથે હતો, તે ગ્રીક હોવા છતાં પણ સુન્નત કરાવવાની તેને ફરજ પાડવામાં આવી નહિ. 4આપણા સમુદાયમાં જોડાયેલાં દંભી ભાઈઓને લીધે એમ થયું કે ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે, તેની જાસૂસી કરવા સારુ તેઓ ગુપ્ત રીતે અંદર આવ્યા હતા, એ માટે કે તેઓ આપણને પાછા ગુલામીમાં લાવે. 5તેઓને અમે એક ઘડીભર પણ આધીન થયા નહિ, કે જેથી સુવાર્તાનું સત્ય તમારામાં ચાલુ રહે.
6અને જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા તેઓ ગમે તેવા હતા તેનાથી મને કંઈ ફરક પડતો નથી; ઈશ્વર માણસોની રીતે કોઈનો પક્ષપાત કરતા નથી હા, જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા, તેઓએ મારી સુવાર્તામાં કંઈ પણ વધારો કર્યો નહિ; 7પણ તેથી વિરુદ્ધ, જયારે તેઓએ જોયું કે, જેમ પિતરને સુન્નતીઓમાં યહૂદીઓમાં સુવાર્તાની સેવા સોંપાયેલી છે, તેમ મને બેસુન્નતીઓમાં બિનયહૂદીઓમાં એ સેવા સોંપાયેલી છે, 8કેમ કે જેમણે સુન્નતીઓનો યહૂદીઓનો પ્રેરિત થવા સારુ પિતરને પ્રેરણા કરી, તેમણે બેસુન્નતીઓનો બિનયહૂદીઓનો પ્રેરિત થવા સારુ મને પણ પ્રેરણા કરી.
9અને મને પ્રાપ્ત થયેલો અનુગ્રહ જયારે તેઓએ જાણ્યો, ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન, જેઓ આધારસ્તંભ જેવા ગણાતા હતા, તેઓએ મારો તથા બાર્નાબાસનો પ્રેરિત તરીકે સ્વીકાર કર્યો, કે જેથી અમે બિનયહૂદીઓની પાસે જઈએ અને તેઓ સુન્નતીઓની યહૂદીઓની પાસે જાય. 10તેઓએ એટલું જ ઇચ્છ્યું કે અમે ગરીબોને મદદ કરીએ અને તે જ કરવાને હું આતુર હતો.
અંત્યોખમાં પિતરને પાઉલનો ઠપકો
11પણ જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં સામે ચાલીને તેનો વિરોધ કર્યો, કેમ કે તે દોષિત હતો; 12કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો.
13બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, એટલે સુધી કે બાર્નાબાસ પણ તેઓના ઢોંગથી દંગ થઈને પાછો પડ્યો. 14પણ જયારે મેં જોયું કે તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકતાથી ચાલતા નથી, ત્યારે મેં બધાની આગળ કેફાને કહ્યું કે, જો તું યહૂદી હોવા છતાં યહૂદીઓની રીતે નહિ, પણ બિનયહૂદીઓની રીતે વર્તે છે, તો બિનયહૂદીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવા તું કેમ ફરજ પાડે છે?
યહૂદીઓ તેમ જ બિનયહૂદીઓનો ઉદ્ધાર માત્ર વિશ્વાસથી જ
15આપણે જેઓ જન્મથી યહૂદી છીએ અને પાપી બિનયહૂદીઓ નથી તેઓ 16જાણીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ, પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. અમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો કે જેથી અમે નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયમશાસ્ત્રની કરણીઓથી કોઈ પણ મનુષ્ય ન્યાયી ઠરશે નહિ.
17પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઇચ્છા રાખીને, જો આપણે પોતે પાપી માલૂમ પડીએ, તો શું ખ્રિસ્ત પાપના સેવક છે? કદી નહિ. 18કેમ કે જેને મેં પાડી નાખ્યું, તેને હું ફરીથી બાંધુ, તો હું પોતાને અપરાધી ઠરાવું છું. 19કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને, નિયમશાસ્ત્ર દ્વારા નિયમશાસ્ત્ર પ્રત્યે મૃત્યુ પામ્યો છું.
20હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તોપણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે મનુષ્યદેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. 21હું ઈશ્વરની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો ન્યાયીપણું નિયમશાસ્ત્રથી મળતું હોય તો ખ્રિસ્તનાં મરણનો કોઈ અર્થ નથી.

Currently Selected:

ગલ. 2: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in