YouVersion Logo
Search Icon

ગલ. 1

1
ગલાતીઓની મંડળીને પાઉલનો પત્ર
1હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું. 2હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતિયાની તમામ મંડળીઓને વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ.
3ઈશ્વરપિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો, 4જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. 5ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન.
એક જ સુવાર્તા
6મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે, જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યાં, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો. 7એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે.
8પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 9જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 10તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.
પાઉલ કેવી રીતે પ્રેરિત બન્યો
11પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી. 12કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું.
13હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું જે જીવન હતું તે વિષે તો તમે સાંભળ્યું છે, કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો. 14અને મારા પિતૃઓના ધર્મ વિષે હું બહુ ઝનૂની બનીને, મારા જાતિ ભાઈઓમાંના ઘણાં સાથીઓ કરતાં યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો.
15પણ ઈશ્વર જેમણે મને મારા જન્મનાં દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો, તેમને જયારે એ પસંદ પડ્યું 16કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ, 17કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશાલેમ ગયો નહિ પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો.
18ત્યાર પછી ત્રણ વરસ બાદ કેફા પિતર ને મળવાને હું યરુશાલેમ ગયો, અને તેની સાથે પંદર દિવસ રહ્યો; 19પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો. 20જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી.
21પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો. 22અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી. 23તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે. 24મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.

Currently Selected:

ગલ. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in