YouVersion Logo
Search Icon

નિર્ગ. 2

2
મૂસાનો જન્મ
1એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું. 2તેઓના સંસારમાં એક દીકરાનો જન્મ થયો. તે ખૂબ સુંદર હતો. તેની માએ તે દીકરાને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.
3પરંતુ તેનાથી વધારે સમય સુધી તેને સંતાડી રાખવાનું શક્ય ન હતું, તેથી તેણે ગોમતૃણની એક પેટી બનાવી, તેને ચીકણી માટી અને ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડ્યો. પછી પેટીને તે નીલ નદી કિનારે બરુઓના છોડ વચ્ચે મૂકી આવી. 4પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માટે થોડેક દૂર તે છોકરાની બહેનને ઊભી રાખી.
5એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર બરુઓની વચ્ચે પડેલી પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી. 6કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ. તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે.
7પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, “હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?” 8ફારુનની દીકરીએ તેને કહ્યું, “હા, જઈને બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી.
9ફારુનની દીકરીએ તેને કહ્યું, “આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ.” તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું. 10પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ ‘મૂસા#2:10 મૂસા બાહર કાઢેલો’ એટલે પાણીમાંથી બહાર કાઢેલો રાખ્યું.”
મૂસા મિદ્યાનમાં નાસી જાય છે
11સમય વીતતાં મૂસા મોટો થયો. એક દિવસ તે પોતાના સાથી હિબ્રૂ લોકો પાસે ગયો, ત્યાં તેણે જોયું કે પોતાના માણસો પર સખત કામ કરાવવા માટે બળજબરી થાય છે. વળી તેના જોવામાં આવ્યું કે એક મિસરી એક હિબ્રૂને મારતો હતો. 12મૂસાએ આમતેમ નજર કરી તો તેને ખાતરી થઈ કે પોતાને કોઈ જોતું નથી, એટલે તેણે મિસરીને મારી નાખ્યો અને તેના શબને રેતીમાં દફનાવી દીધું.
13બીજે દિવસે તે ફરીથી બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને અંદરોઅંદર લડતા જોયા. જેનો વાંક હતો તે માણસને તેણે કહ્યું, “તું શા માટે તારા પોતાના જ હિબ્રૂ ભાઈને મારે છે?” 14એટલે તેણે મૂસાને કહ્યું, “તને અમારા પર ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તેં ગઈકાલે પેલા મિસરીની હત્યા કરી તેમ તું મારી હત્યા કરવા માગે છે?” તે સાંભળીને મૂસા ડરી ગયો, કારણ કે તેણે જાણ્યું કે તેણે કરેલી હત્યાની બધાંને ખબર પડી ગઈ છે.
15આ વાતની જાણ ફારુનને થઈ, તેણે મૂસાને પકડીને મારી નાખવાનો હુકમ કર્યો. પણ મૂસા મિસરમાંથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એક વખત તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો.
16ત્યારે મિદ્યાનના યાજકની સાત દીકરીઓ ત્યાં આવી. અને પોતાના પિતાનાં ઘેટાંબકરાંને પાણી પીવડાવવા માટે કૂવામાંથી પાણી ખેંચીને હોજ ભરવા લાગી. 17પણ ત્યાં કેટલાક ભરવાડો આવ્યા, તેઓ આ યુવતીઓને નસાડવા લાગ્યા, પણ મૂસા તેઓની મદદે આવ્યો અને તેઓને ભરવાડોથી છોડાવીને તેઓનાં ઘેટાંબકરાંને પાણી પાયું.
18પછી આ દીકરીઓ તેઓના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તેણે પૂછ્યું, “આજે તમે ટોળાંને પાણી પાવાનું કામ આટલું બધું વહેલું કેવી રીતે પૂરું કર્યું?” 19તેઓએ જવાબ આપ્યો, “એક મિસરીએ ભરવાડોથી અમારું રક્ષણ કરીને અમારે માટે તેણે પાણી પણ કાઢી આપ્યું અને ઘેટાંબકરાંને પાયું.” 20પછી રેઉએલે પોતાની દીકરીઓને પૂછ્યું, “બેટા, એ મિસરી કયાં છે? તમે તેને ત્યાં જ રહેવા દઈને કેમ આવ્યાં? જાઓ, જમવા માટે તેને આપણા ઘરે બોલાવી લાવો.”
21નિમંત્રણ મળવાથી મૂસા આવ્યો. અને તેઓના ઘરે રહેવા સંમત થયો. રેઉએલે પોતાની દીકરીઓમાંની એક સિપ્પોરાહનાં લગ્ન મૂસા સાથે કર્યાં. 22તેઓના કુટુંબમાં એક દીકરો જનમ્યો. મૂસાએ તેનું નામ ગેર્શોમ એટલે વિદેશી પાડ્યું. કેમ કે તે વખતે મૂસા વિદેશમાં મુસાફર હતો.
23કેટલાંક વર્ષો વીતી ગયા પછી મિસરનો રાજા મૃત્યુ પામ્યો. ઇઝરાયલીઓ ગુલામીમાં પિડાતા હતા. તેઓ આક્રંદ કરીને મદદ માટે પ્રભુને પોકાર કરતા હતા. તેઓનો વિલાપ અને પ્રાર્થના ઈશ્વરે સાંભળી. 24આ રુદન અને આર્તનાદ સાંભળીને ઈશ્વરને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું સ્મરણ થયું. 25ઈશ્વરે ઇઝરાયલીઓ પર કરુણાભરી દ્રષ્ટિ કરી. અને તેઓના ઉદ્ધારનો સમય આવી પહોંચ્યો હોવાથી તેઓની મુલાકાત લીધી.

Currently Selected:

નિર્ગ. 2: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in