YouVersion Logo
Search Icon

નિર્ગ. 1

1
મિસરમાં ઇઝરાયલ પ્રજા પર જુલમ
1ઇઝરાયલના જે પુત્રો પોતાના કુટુંબકબીલા સહિત તેઓના પિતા યાકૂબ સાથે મિસર દેશમાં આવ્યા તેઓનાં નામ આ છે: 2રુબેન, શિમયોન, લેવી અને યહૂદા, 3ઇસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન, 4દાન, નફતાલી, ગાદ અને આશેર. 5યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર જણા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો.
6કેટલાક સમય બાદ યૂસફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં સર્વ માણસો મૃત્યુ પામ્યાં. 7પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો.
8પછી મિસરમાં એક નવો રાજા સત્તા પર આવ્યો, તેને યૂસફ વિષે કશી જાણકારી ન હતી. 9તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “આ ઇઝરાયલીઓને જુઓ; તેઓ આપણા કરતાં સંખ્યામાં વધારે અને ખૂબ બળવાન છે. 10માટે આપણે તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિ તો તેઓ વધી જશે અને સંજોગોવશાત આપણને કોઈની સાથે લડાઈ થાય તો સંભવ છે કે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જાય, આપણી સામે લડે અને દેશમાંથી જતા રહે.”
11તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં. 12પણ જેમ જેમ તેઓ ઇઝરાયલીઓને પીડા આપતા ગયા તેમ તેમ તેઓ સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા. તેથી મિસરના લોકો ઇઝરાયલના લોકોથી ઘણા ભયભીત થયા.
13મિસરના લોકોએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી. 14તેઓની પાસે જાતજાતની મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો તૈયાર કરવાની તથા ખેતરોમાં ખેડવાથી માંડીને લણણી સુધીની મહેનતનાં કામો કરાવીને તેઓનું જીવન અસહ્ય બનાવી દીઘું. 15મિસરમાં શિફ્રાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તેઓને મિસરના રાજાએ કડક આદેશ આપ્યો, 16“જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માટે ખાટલા પાસે જાઓ ત્યારે જો તેઓને છોકરા જન્મે તો તેઓને મારી નાખવા. પણ જો છોકરી જન્મે તો તમારે તેઓને જીવતી રહેવા દેવી.” 17પરંતુ આ દાયણો ઈશ્વરની બીક રાખનારી અને વિશ્વાસુ હતી, એટલે તેઓએ મિસરના રાજાની આજ્ઞા માની નહિ અને છોકરાઓને જીવતા રહેવા દીધા.
18એ જાણીને મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માટે કર્યું? મારી આજ્ઞા કેમ ઉથાપી? નરબાળકોને કેમ જીવતા રહેવા દીધા?” 19ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હે રાજા, હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નબળી હોતી નથી. તેઓ સશક્ત અને ખડતલ હોય છે; અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ જલદીથી સંતાનોને જન્મ આપી દે છે.”
20તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી. 21આમ ઇઝરાયલ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી. દાયણો ઈશ્વરથી ડરીને ચાલતી હતી એટલે ઈશ્વરે તેઓને સંતાનોનાં કૃપાદાન આપ્યાં. 22પછી ફારુને પોતાના બધા લોકોને ફરમાન કર્યું કે, “નવા જન્મેલા બધા જ હિબ્રૂ છોકરાને નીલ નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓ ભલે જીવતી રહે.”

Currently Selected:

નિર્ગ. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in