YouVersion Logo
Search Icon

દાનિ. 10

10
તીગ્રિસ નદીકાંઠે દાનિયેલને થયેલું સંદર્શન
1ઇરાનના રાજા કોરેશના શાસનકાળના ત્રીજા વર્ષે દાનિયેલ જેનું નામ બેલ્ટશાસ્સાર હતું તેને સંદેશ પ્રગટ કરવામાં આવ્યો, આ સંદેશો સત્ય હતો. તે એક મહાન યુદ્ધ વિષેનો હતો. દાનિયેલ જ્યારે સંદર્શનમાં હતો ત્યારે તેણે તે સંદેશો સમજી લીધો.
2તે દિવસોમાં, હું દાનિયેલ ત્રણ અઠવાડિયાંનો શોક પાળતો હતો. 3ત્રણ અઠવાડિયાં પૂરાં થતાં સુધી મેં ભોજન કર્યું નહિ, મેં માંસ ખાધું નહિ, મેં દ્રાક્ષારસ પીધો નહિ અને મેં તેલથી પોતાનો અભિષેક કર્યો નહિ.
4પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, હિદેકેલ તીગ્રિસ નદીને કિનારે હતો, 5મેં નજર ઊંચી કરીને જોયું, તો જુઓ એક માણસ શણનાં વસ્ત્ર પહેરીને ઊભો હતો, તેની કમરે ઉફાઝનો શુદ્ધ સોનાનો પટ્ટો બાંધેલો હતો. 6તેનું શરીર પોખરાજના જેવું હતું, તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. તેના હાથ અને પગ પિત્તળના જેવા હતા. તેના શબ્દોનો અવાજ મોટા ટોળાંના અવાજ જેવો હતો.
7મેં દાનિયેલે એકલાએ જ તે સંદર્શન જોયું, મારી સાથેના માણસોએ તે સંદર્શન જોયું નહિ. પણ, તેમના પર મોટો ત્રાસ આવ્યો, તેઓ નાસીને સંતાઈ ગયા. 8હું એકલો રહી ગયો અને આ મહાન સંદર્શન જોયું. મારામાં સામર્થ્ય રહી નહિ; ભયથી મારો દેખાવ ફિક્કો પડી ગયો, હું શક્તિહીન થઈ ગયો. 9ત્યારે મેં તેમના શબ્દો સાંભળ્યા, તેમને સાંભળતાં જ હું ભરનિદ્રામાં જમીન પર ઊંધો પડી ગયો.
10ત્યારે એક હાથે મને સ્પર્શ કર્યો, તેણે મને મારાં ઘૂંટણો તથા મારા હાથની હથેળીઓ પર ટેકવ્યો. 11દૂતે મને કહ્યું, “હે દાનિયેલ, અતિ વહાલા માણસ, જે વાત હું તને કહું તે સમજ. ટટ્ટાર ઊભો રહે, કેમ કે મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.” તેણે મને આ કહ્યું, એટલે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો.
12પછી તેણે મને કહ્યું, “હે દાનિયેલ, બીશ નહિ, કેમ કે, તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ નમ્ર થવામાં લગાડ્યું તે દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી વિનંતીને કારણે હું અહીં આવ્યો છું. 13ઇરાનના રાજ્યના રાજકુમારે મારી સામે ટક્કર લીધી, ઇરાનના રાજા સાથે મને એકવીસ દિવસ સુધી રાખવામાં આવ્યો. પણ મુખ્ય રાજકુમારોમાંનો એક એટલે મિખાએલ, મારી મદદે આવ્યો.
14હું તને તારા લોકો પર ભવિષ્યમાં શું વીતવાનું છે તે સમજાવવા આવ્યો છું. કેમ કે, સંદર્શન આવનાર દિવસોને લગતું છે.” 15જ્યારે તે મને આ શબ્દોનો ઉપયોગ કરીને વાતો કરવા લાગ્યો, ત્યારે હું નીચું જોઈને મૂંગો રહ્યો.
16જેનું સ્વરૂપ માણસ જેવું લાગતું હતું. તેણે મારા હોઠને સ્પર્શ કર્યો, મેં મારું મુખ ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને કહ્યું, “હે મારા પ્રભુ, સંદર્શનને કારણે મને ખૂબ વેદના થઈ છે. મારામાં સામર્થ્ય રહી નથી. 17હું તો તારો દાસ છું. હું શી રીતે મારા પ્રભુ સાથે વાત કરું? કેમ કે મારામાં સામર્થ્ય નથી અને મારામાં દમ પણ રહ્યો નથી.”
18માણસના સ્વરૂપના જેવો દેખાવે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને શક્તિ આપી. 19તેણે કહ્યું, “હે અતિ વહાલા માણસ, બીશ નહિ, તને શાંતિ થાઓ. બળવાન થા; બળવાન થા!” જ્યારે તેણે મારી સાથે વાત કરી, ત્યારે હું બળવાન થયો. અને મેં કહ્યું, “મારા પ્રભુ બોલો, કેમ કે તમે મને બળ આપ્યું છે.”
20તેણે કહ્યું, “તું જાણે છે હું શા માટે તારી પાસે આવ્યો છું? હવે હું ઇરાનના રાજકુમાર સાથે યુદ્ધ કરવા પાછો જઈશ. જ્યારે હું જઈશ, ત્યારે ગ્રીસનો રાજકુમાર આવશે. 21પણ સત્યના પુસ્તકમાં શું લખેલું છે એ હું તને કહીશ. અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવામાં તારા સરદાર મિખાએલ સિવાય કોઈ મને મદદ કરતો નથી.

Currently Selected:

દાનિ. 10: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in