YouVersion Logo
Search Icon

પ્રે.કૃ. 4

4
પિતર અને યોહાન સાન્હેદ્રિન સભા આગળ
1પિતર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં યાજકો, ભક્તિસ્થાનના અગ્રેસર તથા સદૂકીઓ તેઓ પર ધસી આવ્યા; 2કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા. 3તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા. 4તોપણ જેઓએ તેમનું પ્રવચન સાંભળ્યું હતું તેઓમાંના ઘણાંએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનાર માણસોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.
5બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ, 6તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, આલેકસાંદર તથા પ્રમુખ યાજકના સર્વ સગાં યરુશાલેમમાં એકઠા થયા. 7પિતર તથા યોહાનને તેઓની મધ્યમાં ઊભા રાખી, તેઓએ તેઓને પૂછ્યું કે, કયા પરાક્રમથી કે કયા નામથી તમે એ કર્યું છે?
8ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો, 9જે સારું કામ એક અશક્ત માણસના હિતમાં થયું છે તે વિષે જો આજે અમને પૂછવામાં આવે છે, કે તે શાથી સાજો કરાયો છે; 10તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને એ માલૂમ થાય કે, ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.
11જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. 12બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી.
13ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. 14પેલા સાજાં થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહિ.
15પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી કે, આ માણસોને આપણે શું કરીએ? 16કેમ કે તેઓના દ્વારા એક પ્રસિદ્ધ ચમત્કારિક ચિહ્ન થયું છે, જેની યરુશાલેમના સઘળા રહેવાસીઓને ખબર છે; અને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી. 17પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ. 18પછી તેઓએ પિતર તથા યોહાનને બોલાવીને આજ્ઞા આપી કે, વાત કરતાં તેમ જ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.
19પણ પિતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, શું ઈશ્વરના કરતાં તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ ઉચિત છે કે નહિ, એ તમે જ નક્કી કરો. 20કેમ કે અમે તો જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યાં વિના અમારાથી રહેવાય એમ નથી.
21પિતર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધાં; કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ લોકો ઈશ્વરને મહિમા આપતા હતા. 22કેમ કે જે માણસના હકમાં સાજાપણાંનો આ ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે ઉંમરનો હતો.
વિશ્વાસીઓ હિંમત માટે પ્રાર્થના કરે છે
23પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેમને કહી સંભળાવ્યું. 24તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો; 25તમે પવિત્ર આત્માથી તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખે કહ્યું હતું કે, વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે? અને લોકોએ વ્યર્થ કલ્પના કેમ કરી છે? 26પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુદ્ધ દુનિયાના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા.
27કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા; 28જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.
29હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો; 30તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો. 31અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.
સામૂહિક જીવન અને સહિયારી મિલકત
32વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી. 33પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના મરણોત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી.
34તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં, 35વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.
36યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી. 37તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in