YouVersion Logo
Search Icon

પ્રે.કૃ. 3

3
લંગડો માણસ સાજો કરાયો
1પ્રાર્થનાની વેળાએ, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન ભક્તિસ્થાનમાં જતા હતા. 2જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે. 3તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી.
4ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકીટસે જોઈને કહ્યું કે, અમારી તરફ જો. 5તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું. 6પણ પિતરે કહ્યું કે, સોનુંચાંદી તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે ચાલતો થા.
7પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી. 8તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો.
9સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો; 10લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે; અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા.
મંદિરમાં પિતરનો સંદેશો
11તે સાજો કરાયેલો માણસ પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. 12તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયલી માણસો, આ જોઈ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીઘારીને જોઈ રહ્યા છો?
13ઇબ્રાહિમનાં, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેમને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તેની આગળ તમે તેમનો નકાર કર્યો હતો. 14તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો, અને અમારે સારુ એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને, 15તમે જીવનનાં અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ. 16આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસે શક્તિમાન કર્યો; હા, તમો સર્વની આગળ ઈસુ પરના વિશ્વાસે તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
17હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું. 18પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, ‘તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે’, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.
19માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે; 20અને ખ્રિસ્ત જેમને તમારે સારુ ઠરાવવામાં આવ્યા છે, તેમને એટલે ઈસુને, તેઓ મોકલે.
21ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાનાં સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. 22મૂસાએ તો કહ્યું હતું કે, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું. 23જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે’.
24વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલાં પ્રબોધકો બોલ્યા છે, તે સર્વએ પણ આ દિવસો વિષે કહ્યું છે. 25તમે પ્રબોધકોના સંતાન છો, અને ‘ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો. 26ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી, તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in