YouVersion Logo
Search Icon

પ્રે.કૃ. 23

23
1ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, ‘હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.’” 2ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર (તમાચો) મારવાની આજ્ઞા કરી. 3ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?’ 4પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, ‘શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?’ 5ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ. 6પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’” 7તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ, અને સભામાં પક્ષ પડયા. 8કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે. 9ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને (પવિત્ર) આત્માએ અથવા (પ્રભુના) દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?’ 10તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, ‘જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.’” 11તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, ‘હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.’”
પાઉલને મારી નાખવાનું કાવતરું
12દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’” 13આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા. 14તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ. 15માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’” 16પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી. 17ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’” 18ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’” 19ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’ 20તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે. 21એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે. 22ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.
હાકેમ ફેલીક્સની સમક્ષ
23પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો; 24અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’” 25તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે, 26‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ. 27આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો. 28તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો. 29ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી. 30જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને (જે કહેવું હોય તે) તેઓ તમારી આગળ કહે.’” 31ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા. 32પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા. 33તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો. 34તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે, 35ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;’ પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in