YouVersion Logo
Search Icon

2 શમુ. 4

4
ઈશ-બોશેથનું ખૂન
1શાઉલના દીકરા ઈશ-બોશેથે સાંભળ્યું કે આબ્નેર હેબ્રોનમાં મરણ પામ્યો છે, ત્યારે તેનાં ગાત્રો શિથિલ થઈ ગયા અને સર્વ ઇઝરાયલીઓ મુશ્કેલીમાં મુકાયા. 2શાઉલના દીકરા પાસે બે માણસ હતા, તેઓ સરદારની ટુકડીમાંના સૈનિકો હતા. એકનું નામ બાનાહ, બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીનપુત્રોમાંના રિમ્મોન બેરોથીના દીકરા હતા તેથી બેરોથ પણ બિન્યામીનનો એક ભાગ ગણાતું હતું, 3બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા અને આજ સુધી ત્યાં વસેલા છે.
4શાઉલના દીકરા યોનાથાનને એક દીકરો હતો તે પગે અપંગ હતો. જયારે શાઉલ તથા યોનાથાન વિષેની ખબર યિઝ્રએલથી આવી ત્યારે તે પાંચ વર્ષનો હતો. તેને સાચવનારી તેને લઈને દોડી ગઈ હતી. જયારે તે દોડતી હતી, ત્યારે યોનાથાનનો દીકરો પડી ગયો અને તે અપંગ થઈ ગયો હતો. તેનું નામ મફીબોશેથ હતું. 5તેથી રિમ્મોન બેરોથીના દીકરા રેખાબ તથા બાનાહ બપોરના સમયે ઈશ-બોશેથને ઘરે પહોંચ્યા. ત્યારે તે આરામ કરતો હતો. 6જે સ્ત્રી તેના ઘરના દરવાજામાં ચોકી કરતી હતી તે ઘઉં સાફ કરતાં કરતાં ઊંઘી ગઈ હતી#4:6 ચોકી કરનારી સ્ત્રી થાકી ગઈ હતી માટે તેને ઊંઘ આવી ગયું. રેખાબ અને બાનાહ ધીમેથી તેની પાસે થઈને સરકી ગયા. 7જે આરામગૃહમાં તે પોતાના પલંગ પર સૂતો હતો ત્યાં પહોંચી ગયા. તેઓએ તેના પર હુમલો કર્યો અને તેની હત્યા કરી. પછી તેઓ તેનું માથું કાપી નાખ્યું. તે લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા.
8તેઓ ઈશ-બોશેથનું માથું હેબ્રોનમાં દાઉદ પાસે લાવ્યા. અને રાજાને કહ્યું કે, “જુઓ, આ ઈશ-બોશેથ, શાઉલનો દીકરો તારો શત્રુ, જે તારો જીવ લેવાની તક શોધતો હતો, તેનું માથું છે. આજે ઈશ્વરે મારા માલિક રાજાનું વેર શાઉલ તથા તેના વંશજ વિરુદ્ધ વાળ્યું છે.” 9દાઉદે રિમ્મોન બેરોથીના દીકરા, રેખાબ તથા તેના ભાઈ બાનાહને ઉત્તર આપ્યો; તેણે તેઓને કહ્યું, “જીવંત ઈશ્વરે, મારા જીવને સર્વ વિપત્તિમાંથી બચાવ્યો છે, 10કે જયારે કોઈએ મને કહ્યું, ‘શાઉલ મરણ પામ્યો છે,’ ત્યારે હું વિચારતો હતો કે તે સારા સમાચાર લાવ્યો છે, ત્યારે મેં તેને પકડીને સિકલાગમાં મારી નાખ્યો. તેની ખબરના બદલામાં મેં તેને ઈનામ આપ્યું હતું.
11હવે જયારે ખૂની માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં ઘૂસીને તેના પલંગ પર તેને માર્યો છે. ત્યારે તમારા હાથથી થયેલા તેના ખૂનનો બદલો હું ન લઉં અને પૃથ્વી પરથી તમને નાબૂદ કેમ ના કરું?” 12પછી દાઉદે પોતાના જુવાન પુરુષોને આજ્ઞા કરી. એટલે તેઓએ બન્નેને મારી નાખ્યા અને તેઓના હાથ પગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની પાળે ઊંચે લટકાવ્યા. તેઓએ ઈશ-બોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફ્નાવ્યું.

Currently Selected:

2 શમુ. 4: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in