YouVersion Logo
Search Icon

2 શમુ. 17

17
હુશાય આબ્શાલોમને અવળી સલાહ આપે છે
1પછી અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “હવે મને પસંદ કરેલા બાર હજાર માણસો આપ. અને હું આજે રાત્રે જઈને દાઉદનો પીછો કરીશ. 2જયારે તે થાકેલો અને નિર્બળ હશે ત્યારે હું તેની પાસે જઈને તેને ગભરાવી નાખીશ. ત્યારે જે માણસો તેની સાથે છે તે બધા ભાગી જશે અને હું ફક્ત રાજા પર જ હુમલો કરીશ. 3હું સર્વ લોકોને તારી પાસે પાછા લાવીશ જેઓને તું શોધે છે તેઓ નાશ પામશે અને સર્વ લોકો તારી સાથે શાંતિમાં રહેશે.” 4અહિથોફેલે જે કહ્યું તે આબ્શાલોમને તથા ઇઝરાયલના સર્વ આગેવાનોને પસંદ પડ્યું.
5પછી આબ્શાલોમે કહ્યું, “હવે હુશાય આર્કીને પણ બોલાવો અને તે શું કહે છે તેને આપણે સાંભળીએ.” 6જયારે હુશાય આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે આબ્શાલોમે તેને ખુલાસો કર્યો કે અહિથોફેલે આ પ્રમાણે કહ્યું છે અને હુશાયને પૂછ્યું, “શું અહિથોફેલના કહ્યા પ્રમાણે અમારે કરવું? જો ના હોય તો, શું કરવું તેની તું સલાહ આપ.” 7તેથી હુશાયે આબ્શાલોમને કહ્યું, “આ સમયે અહિથોફેલે જે સલાહ આપી છે તે સારી નથી.”
8વળી હુશાયે કહ્યું, “તને ખબર છે કે તારા પિતા અને તેના માણસો બહુ હિંમતવાન યોદ્ધાઓ છે, જેમ પોતાના બચ્ચાં છીનવાઈ જવાથી રીંછણ ક્રોધિત હોય છે તેવા તે લોકો છે. તારો પિતા લડવૈયા પુરુષ છે; તે આજે રાત્રે સૈનિકોની સાથે રહેશે નહિ. 9હમણાં તે કોઈ ખાડામાં કે કોઈ બીજી જગ્યાએ સંતાયેલા હશે. શરૂઆતના હુમલામાં તમારામાંના કેટલાક માણસો માર્યા જશે. તે વિષે જે કોઈ સાંભળશે તેઓ કહેશે કે, ‘આબ્શાલોમની પાછળ ચાલનાર સૈનિકોની કતલ થઈ રહી છે.’ 10એટલે બહાદુર સૈનિકો, જેઓ સિંહ જેવા શૂરવીર સમાન છે, તેઓ પણ ગભરાશે કારણ કે આખું ઇઝરાયલ જાણે છે કે તારો પિતા શૂરવીર યોદ્ધો છે અને જે માણસો તેની સાથે છે તે ઘણાં બળવાન છે.
11તેથી મારી સલાહ છે કે દાનથી બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓને તું એકઠા કર, તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે અને તું પોતે લડાઈમાં જા. 12પછી જયાં કઈ તે મળશે ત્યાં અમે આવીશું અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ અમે તેના ઉપર તૂટી પડીશું. અને તેને કે તેની સાથેના પણ માણસને જીવતા જવા દઈશું નહિ.
13વળી જો તે કોઈ નગરમાં ભરાઈને બેઠા હશે, તો સર્વ ઇઝરાયલીઓ નગર આગળ દોરડાં લાવશે અને અમે તે નગરને ખેંચીને નદીમાં નાખીશું કે ત્યાં નાનો પથ્થર પણ જોવા નહિ મળે.” 14પછી આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, “હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વધારે સારી છે.” આબ્શાલોમ આફતમાં મુકાય તે માટે ઈશ્વરે અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નક્કી કર્યું હતું.
દાઉદ ચેતવણી પામે છે, ને નાસી છૂટે છે
15હુશાયે સાદોક તથા અબ્યાથાર યાજકોને કહ્યું, “અહિથોફેલે આબ્શાલોમને અને ઇઝરાયલના આગેવાનોને આ પ્રમાણેની સલાહ આપી હતી, પણ મેં કંઈક બીજી સલાહ આપી હતી. 16તો હવે, જલ્દી જાઓ, દાઉદને ખબર આપીને તેને કહો કે, ‘આજે રાત્રે રાન તરફના આરા પાસે છાવણી નાખશો નહિ, પણ નદી ઓળંગી જાઓ નહિ તો રાજા અને તેના સર્વ લોકો માર્યા જશે.’”
17હવે યોનાથાન અને અહિમાઆસ એન-રોગેલ પાસે ઊભા હતા, એક દાસી તેઓને સમાચાર આપતી. તેઓ જઈને દાઉદ રાજાને કહેતાં, કેમ કે નગરમાં આવતાં તેઓ કોઈનાં જોવામાં આવે નહિ. 18પરંતુ એક જુવાન માણસે તેઓને જોઈને આબ્શાલોમને ખબર આપી તેથી યોનાથાન તથા અહિમાઆસ જલ્દીથી ચાલ્યા ગયા અને બાહુરીમમાં એક માણસને ઘરે આવ્યા, ત્યાં તેના આંગણામાં એક કૂવો હતો તેમાં તેઓ ઊતર્યા.
19તે માણસની પત્નીએ કૂવા પર એક ચાદર પાથરી અને તેના પર અનાજને સૂકવવા પાથરી દીધું, જેથી કોઈને કશી ખબર ન પડે કે યોનાથાન તથા અહિમાઆસ કૂવામાં છે. 20આબ્શાલોમના માણસોએ તે સ્ત્રી પાસે ઘરમાં આવીને પૂછ્યું, “અહિમાઆસ તથા યોનાથાન કયાં છે?” તે સ્ત્રીએ તેઓને કહ્યું, “તેઓ તો નદી ઓળંગીને ચાલ્યા ગયા છે.” તે માણસોએ આજુબાજુ જોયું, પણ તેઓ મળ્યા નહિ, તેથી તેઓ યરુશાલેમ પાછા ફર્યા. 21તેમના ગયા પછી યોનાથાન તથા અહિમાઆસ કૂવામાંથી નીકળી બહાર આવ્યા. તેઓએ દાઉદ રાજા પાસે જઈને ખબર આપીને કહ્યું, “જલ્દી ઊઠીને પાણીની પાર ચાલ્યા જાઓ, કેમ કે અહિથોફેલે તમારા વિષે આવી સલાહ આપી છે.” 22પછી દાઉદ અને તેની સાથેના માણસો ઊઠ્યા અને યર્દન નદી પાર કરવા લાગ્યા. સૂર્યોદય થતાં પહેલાં તેઓમાંના સર્વ નદીમાંથી પ્રયાણ કરીને સામે પાર ચાલ્યા ગયા.
23જયારે અહિથોફેલે જોયું કે તેની સલાહ અનુસાર કરવામાં આવ્યું નથી ત્યારે તે ત્યાંથી પોતાના ગધેડાને લઈને ચાલ્યો ગયો. તેના નગરમાં તે પોતાના ઘરે ગયો પોતાના ઘરનાને માટે વ્યવસ્થા કરીને આત્મહત્યા કરીને મરણ પામ્યો આ પ્રમાણે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો.
24પછી દાઉદ માહનાઇમ આવ્યો. આબ્શાલોમે તથા તેની સાથેના ઇઝરાયલના સર્વ માણસોએ યર્દન પાર કરી. 25ત્યારે આબ્શાલોમે યોઆબની જગ્યાએ અમાસાને સૈન્યનો સેનાપતિ નીમ્યો. અમાસા, યોઆબની માતા, સરુયાની બહેન, જે નાહાશની દીકરી અબિગાઈલ સાથે સૂઈ જનાર યિથ્રા ઇઝરાયલીનો#17:25 ઇશ્માએલી દીકરો હતો. 26પછી આબ્શાલોમ અને ઇઝરાયલીઓએ ગિલ્યાદના દેશમાં છાવણી નાખી.
27જયારે દાઉદ માહનાઇમ આવ્યો ત્યારે એમ બન્યું કે, તે આમ્મોનીઓના રાબ્બાના નાહાશનો દીકરો શોબી, લો-દબારના આમ્મીએલનો દીકરો માખીર તથા રોગલીમનો બાર્ઝિલ્લાય ગિલ્યાદી, 28તેઓ સાદડીઓ, ધાબળા, વાટકા, ઘડા, ઘઉં, જવનો લોટ, શેકેલું અનાજ, કઠોળ, મસૂર, 29મધ, માખણ, ઘેટાં અને પનીર લાવ્યા. કે જેથી દાઉદ અને તેના લોકો જે તેની સાથે હતા તેઓ ખાઈ શકે. આ માણસોએ કહ્યું “આ લોકો અરણ્યમાં ભૂખ્યા, તરસ્યાં અને થાકી ગયા છે.”

Currently Selected:

2 શમુ. 17: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in