YouVersion Logo
Search Icon

2 શમુ. 16

16
દાઉદ અને સીબા
1દાઉદ પર્વતના શિખર પર થોડા અંતર સુધી ગયો, ત્યાં મફીબોશેથનો ચાકર સીબા તેને બે ગધેડાં સાથે મળ્યો; જેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એકસો અંજીરોનું ઝૂમખું તથા દ્રાક્ષારસની એક કુંડી લાદેલી હતી. 2રાજાએ સીબાને પૂછ્યું કે, “આ બધી વસ્તુઓ તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું કે, રાજાના કુટુંબનાં લોકોને સવારી કરવા સારુ ગધેડાં, તારા માણસોને ખાવા રોટલી, દ્રાક્ષ અને અંજીર તથા અરણ્યમાં જેઓ થાકી જાય તેઓને માટે દ્રાક્ષારસ લાવ્યો છું.”
3રાજાએ કહ્યું કે, “તારા માલિકનો દીકરો ક્યાં છે?” સીબાએ રાજાને જવાબ આપ્યો કે, “જો, તે યરુશાલેમમાં રહે છે, કેમ કે તે કહે છે કે, આ ઇઝરાયલનું ઘર છે તે મારા પિતાનું રાજ્ય છે તે મારા માટે સ્થાપિત કરવામાં આવશે. 4પછી રાજાએ સીબાને કહ્યું કે, “જો, જે સઘળું મફીબોશેથનું હતું તે હવે તારું છે.” સીબાએ જવાબ આપ્યો કે, “હે મારા માલિક રાજા હું વિનમ્રતાથી તને નમન કરું છું. કે “તમે મારા પર કૃપાદ્રષ્ટિ દર્શાવો.”
5જયારે દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ગેરાનો દીકરો શિમઈ શાઉલના કુટુંબનો હતો તે ત્યાંથી બહાર આવ્યો. તે શાપ આપવા લાગ્યો. 6તેણે દાઉદ તથા રાજાના સર્વ ચાકરો પર, રાજાને જમણે તથા ડાબે સૈન્ય તથા અંગરક્ષકો હોવા છતાં તેઓ પર પથ્થરો ફેંક્યા.
7શિમઈએ શાપ આપતા કહ્યું, “હે ખૂની તથા બલિયાલના માણસ! દૂર જા, અહીંયાથી જતો રહે, 8શાઉલ, કે જેની જગ્યાએ તેં રાજ કર્યું છે, તેના કુટુંબનાં સઘળાંના લોહીનો બદલો ઈશ્વરે તારી પાસેથી લીધો છે. ઈશ્વરે તારા દીકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. તારી દુષ્ટતામાં તું પોતે સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે.”
9પછી સરુયાના દીકરા અબિશાયે રાજાને કહ્યું કે, “આ મરેલો કૂતરો મારા માલિક રાજાને શા માટે શાપ આપે છે? કૃપા કરી મને જવા દે કે હું તેનું માથું કાપી નાખું.” 10પણ રાજાએ કહ્યું કે, હે સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શો સંબંધ છે? કદાચ તે મને શાપ આપે કેમ કે ઈશ્વરે તેને કહ્યું છે કે ‘દાઉદને શાપ આપ.’ તેથી કોણ કહી શકે કે, ‘તું શા માટે રાજાને શાપ આપે છે?”
11માટે દાઉદે અબિશાયને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું કે, “જુઓ, મારો દીકરો, જે મારાથી જનમ્યો હતો તે મારો જીવ લેવાને શોધે છે. તો હવે આ બિન્યામીની મારો વિનાશ કરવાની ઇચ્છા કરે એમાં શી નવાઈ? તેને એકલો રહેવા દો અને શાપ આપવા દે, કેમ કે ઈશ્વરે તેને તેમ કરવાની આજ્ઞા આપી છે. 12કદાચ ઈશ્વર મારા પર થયેલા દુઃખો પર નજર કરે, જે શાપ તે આજે આપે છે તેનો સારો બદલો ઈશ્વર મને આપે.”
13તેથી દાઉદ તથા તેના માણસો જયારે માર્ગે ચાલતા હતા, ત્યારે શિમઈ તેની સામેના પર્વતની બાજુએ હતો, તે તેઓને શાપ આપતો અને તેના ઉપર પથ્થરો અને ધૂળ નાખતો ગયો. 14પછી રાજા તથા તેની સાથેના સર્વ લોકો થાકી ગયા, અને રાત્રે તેઓએ રોકાઈને આરામ કર્યો.
આબ્શાલોમ યરુશાલેમમાં
15આબ્શાલોમ તથા ઇઝરાયલના સર્વ લોકો જે તેની સાથે હતા તે યરુશાલેમમાં આવ્યા અને અહિથોફેલ તેઓની સાથે હતો. 16જયારે દાઉદનો મિત્ર હુશાય આર્કી આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે હુશાયે અબ્શાલોમને કહ્યું, “રાજા, ઘણું જીવો! રાજા ઘણું જીવો!”
17આબ્શાલોમે હુશાયને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યેની તારી વફાદારી આવી જ છે? તું તેની સાથે શા માટે ન ગયો?” 18હુશાયે આબ્શાલોમને જવાબ આપ્યો, “નહિ! તેને બદલે જેને ઈશ્વરે, આ લોકોએ તથા ઇઝરાયલના સર્વ માણસોએ પસંદ કર્યા, તેનો જ હું થઈશ અને તેની સાથે હું રહીશ.
19વળી, હું કયા માણસની સેવા કરું? શું મારે તેના દીકરાની હજૂરમાં સેવા કરવી ન જોઈએ? જેમ મેં તારા પિતાની હજૂરમાં સેવા કરી હતી, તેમ હું તારી હજૂરમાં સેવા કરીશ.”
20પછી આબ્શાલોમે અહિથોફેલને કહ્યું, “હવે આપણે શું કરવું તે વિષે તું મને તારી સલાહ આપ.” 21અહિથોફેલે આબ્શાલોમને જવાબ આપ્યો, “તારા પિતાની ઉપપત્નીઓને તે મહેલની સંભાળ લેવા માટે મૂકી ગયા હતા, ત્યાં તું જા અને તેઓની આબરૂ લે અને સર્વ ઇઝરાયલીઓને ખબર પડશે કે, તારા પિતા તને ધિક્કારે છે. પછી જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.”
22તેથી તેઓએ મહેલની અગાસી ઉપર તંબુ બાંધ્યાં અને આબ્શાલોમ સર્વ ઇઝરાયલીઓના દેખતા તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે ઊંઘી ગયો. 23હવે તે દિવસોમાં અહિથોફેલ જે સલાહ આપતો, તે કોઈએ ઈશ્વરવાણી સાંભળી હોય તેવી જ ગણાતી હતી. દાઉદ અને આબ્શાલોમ બન્ને અહિથોફેલની સલાહનો આદર કરતા હતા.

Currently Selected:

2 શમુ. 16: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in