YouVersion Logo
Search Icon

2 શમુ. 1

1
શાઉલના મૃત્યુના સમાચાર દાઉદને મળે છે
1શાઉલના મરણ પછી, દાઉદ અમાલેકીઓની કતલ કરીને પાછો આવ્યો. અને સિકલાગ નગરમાં બે દિવસ રહ્યો. 2ત્રીજે દિવસે, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો તેનાં વસ્ત્રો ફાટેલાં હતાં, માથા પર ધૂળ હતી. તે દાઉદ પાસે આવ્યો. તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
3દાઉદે તેને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું ઇઝરાયલની છાવણીમાંથી#1:3 ઇઝરાયલ સેના નાસી આવ્યો છું.” 4દાઉદે તેને પૂછ્યું કે, “કૃપા કરી મને કહે ત્યાં શી બાબતો બની?” તે માણસે ઉત્તર આપ્યો કે, “લોકો લડાઈમાંથી નાસી ગયા છે. ઘણાં લોકો ઘાયલ થયા અને મરણ પામ્યા છે. શાઉલ તથા તેનો દીકરો યોનાથાન પણ મરણ પામ્યા છે.” 5દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, તેં કેવી રીતે જાણ્યું કે શાઉલ તથા તેનો દીકરો યોનાથાન મરણ પામ્યા છે?”
6તે જુવાન માણસે કહ્યું કે, “હું અનાયાસે ગિલ્બોઆ પર્વત ઉપર હતો અને ત્યાં શાઉલ પોતાના ભાલા પર ટેકો રાખીને ઊભો હતો. અને રથો તથા સવારો તેની ખૂબ નજીક આવી ગયેલા હતા. 7શાઉલે આસપાસ નજર કરીને મને જોઈને બોલાવ્યો. મેં ઉત્તર આપ્યો કે, ‘હું આ રહ્યો.’”
8તેણે મને કહ્યું કે, ‘તું કોણ છે?’ મેં તેને ઉત્તર આપ્યો કે, ‘હું એક અમાલેકી છું.’ 9તેણે મને કહ્યું કે, ‘કૃપા કરી મારી પડખે ઊભો રહીને મને પૂરેપૂરો મારી નાખ, કેમ કે મને ભારે પીડા થાય છે અને હજી સુધી મારામાં જીવ છે.’ 10માટે તેની પાસે ઊભા રહીને મેં તેને મારી નાખ્યો, કેમ કે હું જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાનો નથી. તેના માથા પરનો મુગટ તથા તેના હાથ પરના કડાં લઈ લીધાં. તે અહીં તમારી પાસે લાવ્યો છું, મારા માલિક.”
11પછી દાઉદે પોતાનાં વસ્ત્રો ફાડ્યા અને તેની સાથેના સઘળાં માણસોએ પણ તેમ જ કર્યું. 12તેઓએ શોક કર્યો, રડ્યા અને સાંજ સુધી શાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે, ઈશ્વરના લોકો માટે અને ઇઝરાયલનાં માણસોને માટે ઉપવાસ કર્યો. કેમ કે તેઓ તલવારથી હારી ગયા હતા એટલે માર્યા ગયા. 13દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું આ દેશમાં એક પરદેશીનો દીકરો, એટલે અમાલેકી છું.”
14દાઉદે તેને કહ્યું કે, “ઈશ્વરના અભિષિક્તને તારા હાથે મારી નાખતાં તને કેમ બીક લાગી નહિ?” 15દાઉદે જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું કે, “તેને મારી નાખ.” તેથી તે માણસે તેના પર ત્રાટકીને નીચે ફેંકી દીધો. અને તે અમાલેકી મરણ પામ્યો. 16પછી દાઉદે તેને કહ્યું કે, “તેનું લોહી તારે માથે. કેમ કે તેને મુખે જ તેની વિરુદ્ધ સાક્ષી આપી હતી. અને કહ્યું કે, “ઈશ્વરના અભિષિક્તને મેં મારી નાખ્યો છે.”
શાઉલ અને યોનાથાન માટે દાઉદનો વિલાપ
17પછી દાઉદે શાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે વિલાપગીત ગાયું: 18તેણે લોકોને હુકમ કર્યો કે આ ધનુષ્ય ગીત યહૂદાપુત્રોને શીખવવામાં આવે, જે યાશારના#1:18 આ પુસ્તક કદાચ પ્રાચીન યુદ્ધના ગીતોનો સંગ્રહ હતો, જે યહો. 10:13 માં પણ જોવામાં આવે છે. હિબ્રૂ ભાષામાં આ શબ્દનો અર્થ “સીધા” અથવા “ખરા” હોય છે. પુસ્તકમાં લખેલું છે.
19“હે ઇઝરાયલ, તારું ગૌરવ,
તારા પર્વતો પર માર્યું ગયું છે!
યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે!
20ગાથમાં એ કહેશો નહિ,
આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરશો નહિ,
રખેને પલિસ્તીઓની
દીકરીઓ હરખાય,
અને બેસુન્નતીઓની
દીકરીઓ આનંદ કરે.
21ગિલ્બોઆના પર્વતો,
તમારા પર ઝાકળ કે વરસાદ ન હોય,
કે અર્પણોનાં ખેતરોમાં અનાજ ન હોય,
કેમ કે ત્યાં યોદ્ધાઓની ઢાલ ભ્રષ્ટ થઈ છે,
શાઉલની ઢાલ હવે જાણે તેલથી અભિષિક્ત થયેલી હોય નહિ એવું છે.
22જેઓ માર્યા ગયા છે તેઓના લોહી,
બળવાનોનાં શરીરની ચરબીથી
યોનાથાનનું તીર પાછું પડતું ન હતું
શાઉલની તલવાર ઘા કર્યા વગર પાછી પડતી ન હતી.
23શાઉલ અને યોનાથાન જીવન દરમ્યાન એકબીજા પ્રત્યે પ્રેમ કરતા હતા અને કૃપાળુ હતા,
તેઓના મૃત્યુકાળે તેઓ જુદા ન પડ્યા.
તેઓ ગરુડ કરતાં વધારે વેગવાન હતા,
તેઓ સિંહોથી વધારે બળવાન હતા.
24અરે ઇઝરાયલની દીકરીઓ, શાઉલને માટે વિલાપ કરો,
જેણે તમને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાવ્યાં,
જેણે સોનાનાં આભૂષણથી તમારાં વસ્ત્રો શણગાર્યા.
25કેવી રીતે યોદ્ધાઓ યુદ્ધમાં માર્યા ગયા છે!
હે યોનાથાન તું તારા જ પર્વતો પર માર્યો ગયો છે.
26તારે લીધે મને દુઃખ થાય છે, મારા ભાઈ યોનાથાન.
તું મને બહુ વહાલો હતો.
મારા પર તારો પ્રેમ અદ્દભુત હતો,
સ્ત્રીઓના પ્રેમથી વિશેષ અને અદ્દભુત હતો.
27યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે,
અને યુદ્ધના શસ્ત્રોનો કેવો વિનાશ#1:27 માર્યા ગયા થયો છે!”

Currently Selected:

2 શમુ. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in