YouVersion Logo
Search Icon

2 રાજા. 16

16
યહૂદિયાના આહાઝનો રાજ્યકાળ
2 કાળ. 28:1-27
1રમાલ્યાના દીકરા પેકાહના કારકિર્દીને સત્તરમા વર્ષે યહૂદિયાના રાજા યોથામનો દીકરો આહાઝ રાજ કરવા લાગ્યો. 2આહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે વીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યુ. તેના પિતૃ દાઉદે જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે પ્રમાણે તેણે કર્યું નહિ.
3પણ, તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, જે પ્રજાને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમનાં ધિક્કારપાત્ર કાર્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને દહનીયાપર્ણની જેમ અગ્નિમાં થઈને ચલાવ્યો. 4તે ઉચ્ચસ્થાનો, પર્વતો અને દરેક લીલાં વૃક્ષ નીચે યજ્ઞો કરતો અને ધૂપ બાળતો હતો.
5આ સમયે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના દીકરા પેકાહે યરુશાલેમ પર ચઢાઈ કરી.તેઓએ આહાઝને ઘેરી લીધો પણ તેને જીતી શકયા નહિ. 6તે જ સમયે, અરામના રાજા રસીને એલાથને પાછું અરામના કબજામાં લીધું, તેણે એલાથમાંથી યહૂદીઓને કાઢી મૂક્યા. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.
7પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને સંદેશાવાહકો મોકલીને કહાવ્યું, “હું તારો ચાકર તથા તારો દીકરો છું. આવીને મને ઇઝરાયલના રાજા અને અરામના રાજાના હાથમાંથી છોડાવ, તેઓએ મારા પર હુમલો કર્યો છે.” 8પછી આહાઝે યહોવાહના ઘરમાં અને રાજમહેલના ભંડારોમાં જે સોનું તથા ચાંદી મળી આવ્યાં તે લઈને આશ્શૂરના રાજાને ભેટ તરીકે મોકલી આપ્યાં. 9આશ્શૂરના રાજાએ તેનું સાંભળ્યું અને દમસ્કસ પર ચઢાઈ કરીને તે કબજે કર્યું, ત્યાંના લોકોને બંદીવાન કરી પકડીને કીર લઈ ગયો. તેણે અરામના રાજા રસીનને મારી નાખ્યો.
10આહાઝ રાજા આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને મળવા દમસ્કસ ગયો. તેણે દમસ્કસની વેદી જોઈ. પછી તેણે તે વેદીનો ઘાટ, નમૂનો તથા બધી કારીગરીનો ઉતાર કરીને ઉરિયા યાજક પર મોકલ્યા. 11પછી દમસ્કસથી આહાઝે જે રૂપરેખા મોકલી હતી તે પ્રમાણે યાજક ઉરિયાએ વેદી બાંધી. આહાઝ રાજા દમસ્કસથી પાછો ફર્યો ત્યાં સુધીમાં તેણે તે કામ પૂરું કર્યું. 12રાજા દમસ્કસથી આવ્યો, ત્યારે તેણે તે વેદી જોઈ, રાજાએ વેદી પાસે આવીને તે પર અર્પણો ચઢાવ્યાં.
13તેણે વેદી પર પોતાના દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં, પોતાનું પેયાર્પણ રેડ્યું અને પોતાના શાંત્યર્પણનું રક્ત તે વેદી પર છાંટ્યું. 14યહોવાહની આગળ જે પિત્તળની વેદી હતી તેને સભાસ્થાનની આગળથી એટલે યહોવાહના સભાસ્થાનની અને પોતાની વેદીની વચ્ચેથી લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર તરફ મૂકી.
15પછી આહાઝ રાજાએ યાજક ઉરિયાને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના ખાદ્યાર્પણનું, રાજાના દહનીયાર્પણનું અને તેના ખાદ્યાર્પણનું, તેમ જ દેશનાં બધાં લોકોનું દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમના પેયાર્પણો જ ચઢાવવાં. દહનીયાર્પણનું બધું રક્ત તથા યજ્ઞનું બધું રક્ત તેની પર જ છાંટવું. પણ પિત્તળની વેદી યહોવાહની સલાહ પૂછવા ફક્ત મારા માટે જ રહેશે.” 16યાજક ઉરિયાએ આહાઝ રાજાના કહ્યા પ્રમાણે કર્યું.
17આહાઝ રાજાએ જળગાડીઓની તકતીઓ કાપી નાખી, તેમાંથી કૂંડીઓ લઈ લીધી, હોજને પિત્તળના બળદો પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો. 18વિશ્રામવારને માટે જે ઢંકાયેલો રસ્તો સભાસ્થાનની અંદર તેઓએ બાંધેલો હતો તે, રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે, તેણે આશ્શૂરના રાજાને લીધે ફેરવીને યહોવાહના સભાસ્થાન તરફ વાળ્યો.
19આહાઝનાં બાકીનાં કૃત્યો, તેણે જે કર્યું તે બધું, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 20આહાઝ તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે દફ્નાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો હિઝકિયા રાજા બન્યો.

Currently Selected:

2 રાજા. 16: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in