YouVersion Logo
Search Icon

2 રાજા. 15

15
યહૂદિયાના રાજા ઉઝિયાનો રાજ્યકાળ
2 કાળ. 26:1-23
1ઇઝરાયલના રાજા યરોબામના શાસનકાળના સત્તાવીસમા વર્ષે યહૂદિયાના રાજા અમાસ્યાનો દીકરો અઝાર્યા રાજ કરવા લાગ્યો. 2અઝાર્યા રાજ કરવા લાગ્યો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે બાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું, તેની માતાનું નામ યકોલ્યા હતું, તે યરુશાલેમની હતી. 3તેણે પોતાના પિતા અમાસ્યાએ જેમ કર્યું હતું, તેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
4તોપણ ઉચ્ચસ્થાનો દૂર કરવામાં આવ્યાં નહિ. લોકો હજી ત્યાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા. 5યહોવાહ રાજા પર દુઃખ લાવ્યા, તે તેના મરણના દિવસ સુધી કુષ્ઠ રોગી રહ્યો અને અલગ ઘરમાં રહ્યો. રાજાનો દીકરો યોથામ, ઘરનો ઉપરી થઈને દેશના લોકો પર શાસન કરતો હતો.
6હવે અઝાર્યાનાં બાકીનાં કાર્યો, તેણે જે કર્યું તે સર્વ, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 7અઝાર્યા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેઓએ તેને તેના પિતૃઓની સાથે દાઉદનગરમાં દફ્નાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો યોથામ રાજા બન્યો.
ઇઝરાયલી રાજા ઝખાર્યાનો રાજ્યકાળ
8યહૂદિયાના રાજા અઝાર્યાના આડત્રીસમા વર્ષે યરોબામના દીકરા ઝખાર્યાએ સમરુનમાં ઇઝરાયલ પર છ મહિના સુધી રાજ કર્યું. 9તેણે તેના પિતૃઓની જેમ યહોવાહની દ્રષ્ટિમાં ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યો હતો તે કરવાનું બંધ રાખ્યું નહિ.
10યાબેશના દીકરા શાલ્લૂમે તેની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું, લોકોની આગળ તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી તેની જગ્યાએ તે રાજા બન્યો. 11ઝખાર્યાનાં બાકીના કાર્યો ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 12આ યહોવાહનું વચન જે તેમણે યેહૂને કહ્યું હતું, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇઝરાયલના સિંહાસન પર બેસશે.” અને તે પ્રમાણે થયું.
ઇઝરાયલી રાજા શાલ્લૂમનો રાજ્યકાળ
13યાબેશનો દીકરો શાલ્લૂમ યહૂદિયાના રાજા ઉઝિયા ઓગણચાલીસમા વર્ષે રાજ કરવા લાગ્યો, તેણે સમરુનમાં એક મહિના સુધી રાજ કર્યું. 14ત્યાર બાદ ગાદીનો દીકરો મનાહેમ તિર્સાથી હુમલો કરીને સમરુનમાં આવ્યો. સમરુનમાં તેણે યાબેશના દીકરા શાલ્લૂમ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તેને મારી નાખીને તે તેની જગ્યાએ રાજા બન્યો.
15શાલ્લૂમનાં બાકીનાં કૃત્યો, તેણે જે ષડયંત્ર કર્યું તે ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 16તે સમયે મનાહેમે તિફસા પર અને જેઓ ત્યાં હતા તે બધાં પર અને તિર્સાની આસપાસની સરહદોને ઘેરીને તેના પર હુમલો કર્યો અને તેઓને માર્યા. કેમ કે, તેઓએ તેને માટે નગરનો દરવાજો ઉઘાડ્યો નહિ.તેણે હુમલો કરીને લૂંટ ચલાવી. નગરની સર્વ ગર્ભવતી સ્રીઓને ક્રુરતાપૂર્વક ચીરી નાખી.
ઇઝરાયલી મનાહેમનો રાજ્યકાળ
17યહૂદિયાના રાજા અઝાર્યાના શાસનકાળના ઓગણચાલીસમા વર્ષે ગાદીના દીકરા મનાહેમે ઇઝરાયલ પર રાજ કર્યું, તેણે સમરુનમાં દસ વર્ષ સુધી રાજ કર્યું. 18તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામનાં પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યો. તે બધું તેણે પોતાના જીવન પર્યંત ચાલુ રાખ્યું.
19આશ્શૂરના રાજા પૂલે દેશ પર આક્રમણ કર્યુ. મનાહેમે પોતાના હાથમાં ઇઝરાયલનું રાજ મજબૂત કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત ચાંદી#15:19 લગભગ 34,000 કિલોગ્રામ આપી. 20મનાહેમે આશ્શૂરના રાજા પૂલને ચાંદી આપવા માટે ઇઝરાયલ પાસેથી, એટલે દરેક ધનવાન માણસ પાસેથી પચાસ શેકેલ ચાંદી#15:20 લગભગ 570 ગ્રામ જબરદસ્તીથી પડાવી. તેથી આશ્શૂરનો રાજા ત્યાંથી પાછો ફર્યો અને તે દેશમાં રહ્યો નહિ.
21મનાહેમનાં બાકીનાં કાર્યો, તેણે જે બધું કર્યું તે, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 22મનાહેમ તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેની જગ્યાએ તેનો દીકરો પકાહ્યા રાજા બન્યો.
ઇઝરાયલી પકાહ્યાનો રાજ્યકાળ
23યહૂદિયાના રાજા અઝાર્યાના કારકિર્દીને પચાસમા વર્ષે મનાહેમનો દીકરો પકાહ્યા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો, તેણે બે વર્ષ સુધી રાજ કર્યુ. 24તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામનાં પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યો હતો. એવા કામ છોડ્યા નહિ.
25તેના સરદાર રમાલ્યાના દીકરા પેકાહે પકાહ્યા સામે ષડયંત્ર કર્યું; તેને સમરુનના રાજમહેલના કિલ્લામાં આર્ગોબ અને આર્યેહ સાથે મારી નાખ્યો. તેની સાથે ગિલ્યાદીઓમાંના પચાસ માણસો હતા. પેકાહે તેને મારી નાખીને તેની જગ્યાએ રાજા બન્યો. 26પકાહ્યાનાં બાકીનાં કૃત્યો, તેણે જે બધું કર્યું તે, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંત પુસ્તકમાં લખેલાં નથી શું?
ઇઝરાયલી પેકાહનો રાજ્યકાળ
27યહૂદિયાના રાજા અઝાર્યાના કારકિર્દીને બાવનમાં વર્ષે રમાલ્યાના દીકરા પેકાહે સમરુનમાં ઇઝરાયલ પર રાજ કર્યું, તેણે વીસ વર્ષ સુધી રાજ કર્યું. 28તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યા, એવું બધું કરવાનું તેણે ચાલુ રાખ્યું.
29ઇઝરાયલના રાજા પેકાહના દિવસોમાં આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલેસેરથી ચઢી આવ્યો. તેણે ઇયોન, આબેલ-બેથ-માઅખાહ, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલ્યાદ, ગાલીલ તથા નફતાલીના આખા પ્રદેશનો કબજો કરી લીધો. ત્યાંના લોકોને તે પકડીને આશ્શૂર લઈ ગયો. 30એલાના દીકરા હોશિયાએ રમાલ્યાના દીકરા પેકાહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ઉઝિયાના દીકરા યોથામના વીસમા વર્ષે તેની જગ્યાએ તે રાજા બન્યો. 31પેકાહનાં બાકીના કૃત્યો, તેણે જે કર્યું તે બધું, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
યહૂદિયાના યોથામનો રાજ્યકાળ
2 કાળ. 27:1-9
32ઇઝરાયલના રાજા રમાલ્યાના દીકરા પેકાહના કારકિર્દીને બીજા વર્ષે યહૂદિયાના રાજા ઉઝિયાનો દીકરો યોથામ રાજ કરવા લાગ્યો. 33તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યરુશા હતું; તે સાદોકની દીકરી હતી.
34યોથામે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. પોતાના પિતા ઉઝિયાએ કર્યું હતું તે પ્રમાણે કર્યું. 35પણ ઉચ્ચસ્થાનો હજી દૂર કરવામાં આવ્યાં ન હતાં. લોકો હજી ત્યાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા. યહોવાહના સભાસ્થાનનો ઉપરનો દરવાજો યોથામે બાંધ્યો હતો. 36યોથામનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
37તે દિવસોમાં યહોવાહે અરામના રાજા રસીનને તથા રમાલ્યાના દીકરા પેકાહને યહૂદિયા પર ચઢાઈ કરવા મોકલવા માંડયા. 38પછી યોથામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃ દાઉદના નગરમાં તેના પિતૃઓની સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો આહાઝ તેની જગ્યાએ રાજા બન્યો.

Currently Selected:

2 રાજા. 15: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in