YouVersion Logo
Search Icon

2 રાજા. 1

1
એલિયા અને અહાઝયાહ રાજા
1આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની સામે બળવો કર્યો. 2અહાઝયાહ સમરુનમાં તેના ઉપરના ઓરડાની બારીમાંથી નીચે પડી જવાથી તે બીમાર પડ્યો હતો. તેથી તેણે સંદેશાવાહકોને મોકલીને કહેવડાવ્યું કે, “જઈને એક્રોનના દેવ બઆલ-ઝબૂબ ને પૂછો કે, શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?”
3પણ ઈશ્વરના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશાવાહકોને મળવા સામે જા અને તેમને કહે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબની સલાહ લેવા જાઓ છો? 4ઈશ્વર એવું કહે છે કે, “જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.” પછી એલિયા ચાલ્યો ગયો.
5જયારે સંદેશાવાહકો અહાઝયાહ પાસે પાછા આવ્યા ત્યારે તેણે તેઓને પૂછ્યું, “શા માટે તમે પાછા આવ્યા?” 6તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, ‘જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે, “યહોવાહ એવું કહે છે કે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બઆલ-ઝબૂબને સલાહ પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ, પણ તું નિશ્ચે મરણ પામશે.’”
7અહાઝયાહએ તેના સંદેશાવાહકોને પૂછ્યું, “જે માણસ તમને મળવા આવ્યો અને જેણે તમને આ વચનો કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?” 8તેઓએ કહ્યું, “તે માણસનાં શરીરે વાળ હતા અને તેની કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજાએ કહ્યું, “તે તો નિશ્ચે તિશ્બી એલિયા છે.”
9પછી રાજાએ સરદારને પચાસ સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. તે સરદાર ત્યાં પહોંચ્યો ત્યારે તેણે એલિયાને પર્વતના શિખરે બેઠેલો જોયો. સરદારે તેને કહ્યું કે, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહ્યું છે કે, તું નીચે ઊતર.’ 10એલિયાએ કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” તેથી આકાશમાંથી અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.
11અહાઝયાહએ ફરીથી બીજા સરદારને પચાસ સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. આ સરદારે પણ એલિયા પાસે જઈને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહાવ્યું છે કે, ‘જલ્દીથી નીચે ઊતર.’ 12એલિયાએ તેઓને કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” ફરીથી આકાશમાંથી ઈશ્વરના અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના બધા સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.
13ફરીથી રાજાએ ત્રીજા પચાસ સૈનિકોને સરદાર સાથે તેની પાસે મોકલ્યો. ત્રીજા સરદારે ઉપર જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેને વિનંતી કરીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારું જીવન તથા આ મારા પચાસ સૈનિકોનાં જીવન તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ. 14ખરેખર, આકાશમાંથી અગ્નિએ ઊતરીને પહેલા બે સરદારોને તેઓના સૈનિકો સાથે ભસ્મ કર્યા, પણ હવે મારું જીવન તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.”
15તેથી ઈશ્વરના દૂતે એલિયાને કહ્યું, “તેની સાથે નીચે જા. તેનાથી બીશ નહિ.” માટે એલિયા ઊઠીને તેની સાથે રાજા પાસે ગયો. 16પછી એલિયાએ અહાઝયાહને કહ્યું, “ઈશ્વર એવું કહે છે કે, ‘તેં એક્રોનના દેવ બઆલ-ઝબૂબને પૂછવા સંદેશાવાહકો મોકલ્યા છે શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે જેને તું સલાહ પૂછી શકે છે? તેથી હવે, તું જે પલંગ પર સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.’”
17તેથી જેમ એલિયાએ ઈશ્વરના વચન પ્રમાણે કહ્યું હતું તેમ અહાઝયાહ રાજા મરણ પામ્યો. તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામને બીજે વર્ષે યોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો ન હતો. 18અહાઝયાહના બાકીનાં કૃત્યો વિષે ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?

Currently Selected:

2 રાજા. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in