1 શમુ. 25
25
શમુએલનું મરણ
1હવે શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલ એક સાથે એકત્ર થઈને તેને સારુ શોક કર્યો, તેઓએ તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાન#25:1 મોઆન અરણ્યના અરણ્યમાં ગયો.
દાઉદ અને અબિગાઇલ
2માઓનમાં એક માણસ હતો, તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ ઘણો શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં તથા એક હજાર બકરાં હતાં. તે પોતાનાં ઘેટાં કાર્મેલમાં કાતરતો હતો. 3તે માણસનું નામ નાબાલ હતું અને તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા દેખાવમાં સુંદર હતી. પણ તે માણસ કઠોર તથા પોતાના વ્યવહારમાં ખરાબ હતો. તે કાલેબના કુળનો વંશજ હતો.
4દાઉદે અરણ્યમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાં કાતરે છે. 5તેથી દાઉદે દસ જુવાન પુરુષોને મોકલ્યા. દાઉદે તે જુવાન પુરુષોને કહ્યું કે, “તમે કાર્મેલ જઈને નાબાલને મારી સલામ કહેજો. 6તમે તેને કહેજો કે તારું, તારા ઘરનાઓનું અને તારા સર્વસ્વનું ભલું થાઓ.
7મેં સાંભળ્યું છે કે તારી પાસે કાતરનારાઓ છે. તારાં ઘેટાંને સાચવનારાઓ તો અમારી સાથે હતા અને અમે તેઓને કશી ઈજા કરી નથી, તેમ જ જેટલો સમય તેઓ કાર્મેલમાં હતા તે દરમિયાન તેઓનું કંઈ પણ ખોવાયું નથી. 8તારા જુવાનોને પૂછ અને તેઓ તને કહેશે. હવે મારા જુવાન પુરુષો તારી દ્રષ્ટિમાં કૃપા પામે, કેમ કે અમે ઉત્સવના દિવસે આવ્યા છીએ. કૃપા કરી જે તારા હાથમાં હોય તે તારા દાસોને તથા તારા દીકરા દાઉદને આપ.’”
9જયારે દાઉદના જુવાન પુરુષો ત્યાં પહોંચ્યા, તેઓએ સર્વ બાબતો દાઉદને નામે નાબાલને કહી અને પછી શાંત રહ્યા. 10નાબાલે દાઉદના ચાકરોને ઉત્તર આપ્યો, “દાઉદ કોણ છે? અને યિશાઈનો દીકરો કોણ છે? આ દિવસોમાં પોતાના માલિકો પાસેથી નાસી જનારાં ઘણાં ચાકરો છે. 11શું હું મારી રોટલી, પાણી તથા માંસ જે મેં મારાં ઘેટાંને કાતરનારાઓને સારું કાપેલું માંસ જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું?”
12તેથી દાઉદના જુવાન પુરુષોએ પાછા આવીને સર્વ બાબતો તેને કહી. 13દાઉદે પોતાના માણસોને કહ્યું, “તમે સર્વ પોતપોતાની કમરે તલવાર બાંધો.” તેથી દરેક માણસે પોતપોતાની કમરે તલવાર બાંધી. દાઉદે પણ પોતાની તલવાર કમરે બાંધી. આશરે ચારસો માણસો દાઉદની સાથે ગયા અને બસો સામાન પાસે રહ્યા.
14પણ જુવાનોમાંના એક જણે નાબાલની પત્ની અબિગાઈલને કહ્યું, “દાઉદે અમારા માલિકને સલામ કહેવા સારુ અરણ્યમાંથી સંદેશવાહકોને મોકલ્યા હતા અને તેણે તેઓનું અપમાન કર્યું. 15છતાં તે માણસો અમારી સાથે ઘણી સારી રીતે વર્ત્યા હતા. જ્યાં સુધી અમે તેઓની સાથે ખેતરમાં ગયા હતા ત્યાં સુધી અમને કંઈ પણ ઈજા કરવામાં આવી ન હતી. અને અમારું કશું પણ ખોવાયું નહોતું.
16પણ ઘેટાં સાચવવા માટે જેટલો વખત અમે તેઓની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમ જ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા. 17તો હવે તારે શું કરવું તે જાણ તથા વિચાર કર. અમારા માલિકની વિરુદ્ધ તથા તેના આખા કુટુંબને પાયમાલ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. કેમ કે તે ખરેખર એવા હલકા પ્રકારનો છે કે તેની સાથે કોઈ વાત કરી શકે નહિ.”
18પછી અબિગાઈલ ઉતાવળથી બસો રોટલી, દ્રાક્ષારસની બે મશકો, રાંધીને તૈયાર કરેલ પાંચ ઘેટાંનું માંસ, પાંચ માપ#25:18 લગભગ 20 કિલોગ્રામ પોંક, દ્રાક્ષાની સો લૂમ તથા અંજીરનાં બસો ચકતાં ગધેડાં પર મૂક્યાં. 19તેણે પોતાના જુવાનોને પુરુષોને કહ્યું, “તમે મારી આગળ જાઓ, હું તમારી પાછળ આવું છું.” આ વિષે તેણે પોતાના પતિ નાબાલને કશું જણાવ્યું નહિ.
20તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતની ઓથે જઈ રહી હતી, ત્યારે દાઉદ તથા તેના માણસો તેની સામે આવતા હતા અને તે તેઓને મળી.
21દાઉદે કહ્યું હતું, “આ માણસની અરણ્યમાંની મિલકત મેં એવી રીતે સંભાળી કે તેનું કશું પણ ચોરાયું કે ખોવાયું નહોતું, પણ મારી એ બધી સેવાની કદર થઈ નથી. તેણે મારા પર ઉપકારને બદલે અપકાર કર્યો છે. 22જે સર્વ તેનું છે તેમાંથી સવારનું અજવાળું થતાં સુધીમાં એકાદ પુરુષને પણ જો હું જીવતો રહેવા દઉં, તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું અને એના કરતાં વધારે દુઃખ પમાડો.”
23જયારે અબિગાઈલે દાઉદને જોયો, ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી અને તેના મુખ આગળ સાષ્ટાંગ દંડવત કરીને જમીન સુધી નમીને પ્રમાણ કર્યા. 24તેણે તેના પગે પડીને કહ્યું, “હે મારા માલિક, આ અપરાધ મારે શિરે, હા, મારા શિરે ગણાય. કૃપા કરીને આપની સેવિકાને તમારી સાથે વાત કરવા દો. મારી વાત સાંભળો.
25મારા માલિકે આ નકામા માણસ નાબાલને ગણકારવો નહિ, કેમ કે જેવું તેનું નામ છે#25:25 દુષ્ટ, તેવો જ તે છે. તેનું નામ નાબાલ#25:25 મૂર્ખ છે અને તેનામાં નાદાની છે. પણ મારા માલિકના માણસો જેઓને તેં મોકલ્યા હતા તેઓને તમારી સેવિકાએ એટલે કે મેં જોયા નહોતા. 26માટે હવે, હે મારા માલિક, હું જીવતા ઈશ્વરના તથા તમારા સમ ખાઈને કહું છું, ઈશ્વર તમને ખૂનના દોષથી, તમારે હાથે તમારું વેર લેવાથી પાછા રાખ્યા છે. તમારા શત્રુઓ, મારા માલિકનું અહિત તાકનારાઓ નાબાલ જેવા થાઓ.
27અને હવે આ ભેંટ જે તમારી સેવિકા મારા માલિકને સારુ લાવી છે, તે જે જુવાનો મારા માલિકને અનુસરનારા છે તેઓને આપવામાં આવે. 28કૃપા કરી તમારી સેવિકાનો અપરાધ માફ કરો, કેમ કે ચોક્કસ ઈશ્વર મારા માલિકના ઘરને મજબૂત બનાવશે, કેમ કે મારા માલિક ઈશ્વરની લડાઈ લડે છે; અને જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમારામાં દુરાચાર માલૂમ પડશે નહિ.
29અને જો કે આપની પાછળ પડવાને તથા જીવ લેવાને ઘણાં માણસો ઊભા થશે, તો પણ મારા માલિકનો જીવ પ્રભુ તમારા ઈશ્વરની પાસેના જીવનના ભંડારમાં બાંધી રખાશે; અને તે તમારા શત્રુનું જીવન ગોફણમાંથી વીંઝાયેલા પથ્થરની માફક ફેંકી દેશે.
30અને જે સર્વ હિતવચનો ઈશ્વર તમારા વિષે બોલ્યા છે તે પ્રમાણે જયારે તેમણે મારા માલિકને કર્યું હશે અને આપને ઇઝરાયલ ઉપર આગેવાન ઠરાવ્યાં હશે, ત્યારે એમ થશે કે, 31મારા માલિક, આ વાતથી આપને દુઃખ કે ખેદ થવો ના જોઈએ, તમે વગર કારણે રક્તપાત કર્યો નથી કે વેર રાખ્યું નથી. અને જયારે ઈશ્વર આપનું એટલે કે મારા માલિકનું ભલું કરે, ત્યારે આપની સેવિકાને લક્ષમાં રાખજો.”
32દાઉદે અબિગાઈલને કહ્યું, “ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની પ્રશંસા હો, કે જેમણે તને આજ મને મળવાને મોકલી. 33અને તારી બુદ્ધિની તથા તારી હું પ્રશંસા કરું છું. કારણ કે તેં મને આજે ખૂનના દોષથી અને મારે પોતાને હાથે મારું પોતાનું વેર વાળવાથી અટકાવ્યો છે.
34ઇઝરાયલના જીવંત ઈશ્વર, જેમણે તને નુકસાન કરવાથી મને પાછો રાખ્યો છે, તેમના સોગનપૂર્વક હું કહું છું કે જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવારનું અજવાળું થતાં પહેલા નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ. સંહાર કરાઈ ગયો હોત” 35પછી જે તે તેને માટે લાવી હતી તે દાઉદે તેના હાથમાંથી લીધું; દાઉદે તેને કહ્યું, “શાંતિથી તારા ઘરે જા; જો, મેં તારી વિનંતી સાંભળી છે તારે ખાતર તે બધું હું સ્વીકારું છું.”
36અબિગાઈલ નાબાલ પાસે પાછી આવી; ત્યારે તેણે પોતાને ઘરે રાજ ભોજનની મહેફિલ રાખી હતી; તે વખતે નાબાલ ખુશમિજાજમાં હતો. તેણે ખૂબ નશો કર્યો હતો. તેથી સવાર પડતાં સુધી અબિગાઈલે તેને કશું કહ્યું નહિ.
37સવારે નાબાલનો કેફ ઊતર્યા પછી, તેની પત્નીએ એ બધી વાતો તેને કહી; તે સાંભળીને તેના હોશકોશ ઊડી ગયા. તે પથ્થર જેવો જડ થઈ ગયો. 38આશરે દશ દિવસ પછી ઈશ્વરે નાબાલને એવો માર્યો કે તે મૃત્યુ પામ્યો.
39અને દાઉદે જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, “ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે.” પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું. 40દાઉદના સેવકો કાર્મેલમાં અબિગાઈલ પાસે આવ્યા, તેઓએ તેને કહ્યું, “દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને તેડવા અમને મોકલ્યા છે.”
41તેણે ઊઠીને ભૂમિ સુધી નમીને નમન કર્યું અને કહ્યું, “જુઓ તમારી સેવિકા મારા માલિકના સેવકોનાં પગ ધોનારી દાસી જેવી છે.” 42અબિગાઈલે ઝટપટ ગધેડા પર સવારી કરી. પછી તેણે જવા માંડ્યું. તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; તે દાઉદના સંદેશ વાહકોની સાથે ગઈ અને દાઉદની પત્ની થઈ.
43દાઉદે યિઝ્રએલી અહિનોઆમની સાથે પણ લગ્ન કર્યા; તે બન્ને તેની પત્નીઓ થઈ. 44હવે શાઉલે પોતાની દીકરી મિખાલને એટલે દાઉદની પત્નીને, લાઈશનો દીકરો પાલ્ટી, જે ગાલ્લીમનો હતો તેને આપી.
Currently Selected:
1 શમુ. 25: IRVGuj
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.