YouVersion Logo
Search Icon

1 શમુ. 24

24
દાઉદ શાઉલનો સંહાર ન કરતાં બચાવે છે
1જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, “દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે.” 2પછી શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસોને લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં વનચર બકરાંઓના ખડકો પર ગયો.
3તે માર્ગે ઘેટાંના વાડા પાસે આવ્યો, ત્યાં ગુફા હતી. શાઉલ હાજત માટે તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી દૂરના ભાગમાં બેઠેલા હતા. 4દાઉદના માણસોએ તેને કહ્યું, “જે દિવસ વિશે ઈશ્વરે બોલ્યા હતા અને તેમણે તને કહ્યું કે, ‘હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, તને જેમ સારું લાગે તેમ તું તેમને કરજે. તે દિવસ આવ્યો છે.’” ત્યારે દાઉદે ઊઠીને ગુપ્ત રીતે આગળ આવીને શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી. 5પછીથી દાઉદ હૃદયમાં દુઃખી થયો કેમ કે તેણે શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી હતી. 6તેણે પોતાના માણસોને કહ્યું, “મારા હાથ તેના પર ઉગામીને મારા માલિક એટલે ઈશ્વરના અભિષિક્ત વિરુદ્ધ હું આવું કામ કરું, એવું ઈશ્વર ન થવા દો, કેમ કે તે ઈશ્વરનો અભિષિક્ત છે.” 7તેથી દાઉદે પોતાના માણસોને ઠપકો આપ્યો, તેમને શાઉલ પર હુમલો કરવા દીધો નહિ. પછી શાઉલ, ગુફામાંથી નીકળીને તે પોતાને માર્ગે ગયો.
8ત્યાર પછી, દાઉદ પણ ગુફામાંથી બહાર નીકળ્યો, પછી શાઉલને બોલાવ્યો: “હે મારા માલિક રાજા.” જયારે શાઉલે પોતાની પાછળ જોયું, ત્યારે દાઉદે પોતાનું મુખ જમીન તરફ રાખીને સાષ્ટાંગ દડ્વંત પ્રણામ કર્યા અને તેને માન આપ્યું. 9દાઉદે શાઉલને કહ્યું, “તમે શા માટે આ માણસોનું સાંભળો છો! તેઓ એવું કહે છે, ‘જો, દાઉદ તને નુકશાન કરવાનું શોધે છે?’”
10આજે તમારી નજરે તમે જોયું છે કે આપણે ગુફામાં હતા ત્યારે કેવી રીતે ઈશ્વરે તમને મારા હાથમાં સોંપ્યાં હતા. કેટલાકે તમને મારી નાખવાને મને કહ્યું, પણ મેં તમને જીવતદાન દીધું. મેં કહ્યું કે, ‘હું મારો હાથ મારા માલિકની વિરુદ્ધ નહિ નાખું; કેમ કે તે ઈશ્વરના અભિષિક્ત છે.’ 11મારા પિતા, જો, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર છે. મેં તમારા ઝભ્ભાની કોર કાપી લીધી પણ તમને મારી નાખ્યા નહિ, તે ઉપરથી સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે રાજદ્રોહ નથી, મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, જો કે તમે મારો જીવ લેવા માટે મારી પાછળ લાગ્યા છો.
12ઈશ્વર મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો અને ઈશ્વર મારું વેર તમારા પર વાળો, પણ મારો હાથ તમારી સામે નહિ જ પડે. 13પ્રાચીન લોકોની કહેવત છે, ‘દુષ્ટતા તો દુષ્ટોમાંથી જ નીકળે છે.’ પણ મારો હાથ તમારી સામે નહિ પડે.
14ઇઝરાયલના રાજા કોને શોધવા નીકળ્યા છે? તમે કોની પાછળ પડ્યા છો? એક મૂએલા કૂતરા પાછળ! એક ચાંચડ પાછળ! 15ઈશ્વર ન્યાયાધીશ થઈને મારી અને તમારી વચ્ચે ન્યાય આપે. તે જોઈને મારા પક્ષની હિમાયત કરે અને મને તમારા હાથથી છોડાવે.”
16દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો, ત્યારે શાઉલે કહ્યું, “મારા દીકરા દાઉદ, શું એ તારો અવાજ છે?” પછી શાઉલ પોક મૂકીને રડ્યો.
17તેણે દાઉદને કહ્યું, “મારા કરતાં તું વધારે ન્યાયી છે. કેમ કે તેં મને સારો બદલો આપ્યો છે, પણ મેં તારા પ્રત્યે ખરાબ વર્તન રાખ્યું છે. 18તેં આજે જાહેર કર્યું છે કે તે મારા માટે ભલું કર્યું છે, કેમ કે જયારે ઈશ્વરે મને તારા હાથમાં સોંપ્યો હતો ત્યારે તેં મને મારી નાખ્યો નહિ.
19માટે જો કોઈ માણસને તેનો શત્રુ મળે છે, ત્યારે તે તેને સહી સલામત જવા દે છે શું? આજે તેં જે મારી પ્રત્યે સારું કર્યું છે તેનો બદલો ઈશ્વર તને આપો. 20હવે, હું જાણું છું કે તું નક્કી રાજા થશે અને ઇઝરાયલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે.
21માટે હવે મારી આગળ ઈશ્વરના સોગન ખા, તું મારી પછીના વંશજોનો નાશ નહિ કરે અને તું મારું નામ મારા પિતાના ઘરમાંથી નષ્ટ નહિ કરે.” 22દાઉદે શાઉલ આગળ સમ ખાધા. પછી શાઉલ ઘરે ગયો, પણ દાઉદ તથા તેના માણસો ઉપર કિલ્લામાં ગયા.

Currently Selected:

1 શમુ. 24: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in