YouVersion Logo
Search Icon

1 રાજા. 22

22
પ્રબોધક મિખાયાની ચેતવણી, છતાં આહાબનું યુદ્ધ
2 કાળ. 18:2-27
1અરામ તથા ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ના થયું હોય એ ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો. 2પછી ત્રીજે વર્ષે એમ બન્યું કે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના રાજાની પાસે ગયો.
3હવે ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે જાણો છો કે રામોથ ગિલ્યાદ આપણું છે? પણ આપણે છાનામાના બેસી રહ્યા છીએ અને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી.” 4તેથી તેણે યહોશાફાટને કહ્યું, “શું તમે યુદ્ધમાં મારી સાથે રામોથ ગિલ્યાદ પર હુમલો કરવા આવશો?” યહોશાફાટે ઇઝરાયલના રાજાને જવાબ આપ્યો, “તારા જેવો જ હું છું, જેવા તારા લોકો તેવા મારા લોકો અને જેવા તારા ઘોડેસવારો તેવા મારા ઘોડેસવારો છે.”
5યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “આમાં યહોવાહની શી ઇચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ.” 6પછી ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચારસો માણસોને ભેગા કરીને તેમને પૂછ્યું, “શું હું યુદ્ધ કરવા માટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરું કે ના કરું?” તેઓએ કહ્યું, “હુમલો કરો, કેમ કે પ્રભુ તે સ્થળને રાજાના હાથમાં સોંપશે.”
7પણ યહોશાફાટે કહ્યું, “શું આ સિવાય યહોવાહનો કોઈ પ્રબોધક અહીં નથી કે આપણે તેને સલાહ પૂછી જોઈએ?” 8ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “ત્યાં હજી એક પ્રબોધક બાકી છે કે, જેની મારફતે આપણે યહોવાહની સલાહ પૂછી જોઈએ. તે તો ઈમલાહનો દીકરો મિખાયા છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ, પણ ખોટું ભવિષ્ય કહે છે.” પણ યહોશાફાટે કહ્યું, “રાજાએ એવું ન બોલવું જોઈએ.” 9પછી ઇઝરાયલના રાજાએ એક આગેવાનને બોલાવીને આજ્ઞા કરી કે, “ઈમલાહના દીકરા મિખાયાને હમણાં જ લઈ આવ.”
10હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ સમરુનના દરવાજાના આગળ ખુલ્લાં મેદાનમાં રાજ્યપોષાક પહેરીને પોતપોતાના રાજ્યાસન પર બેઠા હતા. સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા. 11કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડના શિંગડાં બનાવીને કહ્યું, “યહોવાહ આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને નસાડી મૂકશે.’ 12અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોથ ગિલ્યાદ પર હુમલો કરીને વિજય પ્રાપ્ત કરો, કેમ કે યહોવાહ તેને રાજાના હાથમાં સોંપશે.”
13જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો, તેણે મિખાયાને કહ્યું, “હવે જો, પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરીને તારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય અને તું પણ એવું જ હિતવચન ઉચ્ચારજે.” 14મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા યહોવાહના સમ કે મને તો યહોવાહ જે કહેશે, તે જ હું બોલીશ.” 15જયારે તે રાજાની પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મિખાયા, શું અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે, ના કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “હુમલો કરો અને વિજય પામો. યહોવાહ તેને રાજાના હાથમાં સોંપશે.”
16પછી રાજાએ તેને કહ્યું, “હું કેટલી વાર તને સોગન આપું કે, તારે મને યહોવાહને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહિ?” 17તેથી મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને યહોવાહે કહ્યું, ‘એમનો કોઈ રક્ષક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિએ પાછા જાય.’”
18તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે, એ મારા વિષે સારું નહિ, પણ માઠું જ બોલશે?” 19પછી મિખાયાએ કહ્યું, “એ માટે તમે યહોવાહની વાત સાંભળો: મેં યહોવાહને તેમના સિંહાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું. 20યહોવાહે કહ્યું, ‘કોણ આહાબને લલચાવે કે જેથી તે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરે અને ત્યાં માર્યો જાય?’ ત્યારે એક જણે આમ કહ્યું અને બીજાએ બીજો જવાબ આપ્યો.
21પછી આત્માએ આગળ આવીને યહોવાહની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને લલચાવીશ.’ યહોવાહે તેને કહ્યું, ‘કેવી રીતે?’ 22આત્માએ જવાબ આપ્યો, ‘હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ યહોવાહે જવાબ આપ્યો, ‘તું તેને લલચાવીશ અને સફળ પણ થઈશ. હવે જા અને એ પ્રમાણે કર.’ 23હવે જો, યહોવાહે આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવાહે તમારું અહિત ઉચ્ચાર્યું છે.”
24પછી કેનાહના દીકરા સિદકિયાએ પાસે આવીને મિખાયાના ગાલ પર તમાચો મારીને કહ્યું, “યહોવાહનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?” 25મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવા માટે અંદરની ઓરડીમાં ભરાઈ જશે, તે દિવસે તે તું જોશે.”
26ઇઝરાયલના રાજાએ કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના આગેવાન આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે લઈ જાઓ. 27તેને કહો, ‘રાજા એમ કહે છે, આ માણસને જેલમાં પૂરો અને હું સહિસલામત પાછો આવું ત્યાં સુધી થોડી રોટલી તથા પાણીથી તેનું પોષણ કરજો.’ 28પછી મિખાયાએ કહ્યું, “જો તું સુરક્ષિત પાછો આવે, તો યહોવાહ મારી મારફતે બોલ્યા નથી એમ સમજવું.” અને વળી તેણે કહ્યું, “હે સર્વ લોકો તમે આ સર્વ સાંભળો.”
આહાબનું મૃત્યુ
2 કાળ. 18:28-34
29પછી ઇઝરાયલના રાજા આહાબે અને યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી. 30ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો પોષાક બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો રાજપોષાક પહેરી રાખ.” તેથી ઇઝરાયલનો રાજા પોતાનો પોષાક બદલીને યુદ્ધમાં ગયો.
31હવે અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, “માત્ર ઇઝરાયલના રાજા સિવાય કોઈપણ નાના કે મોટાની સાથે લડશો નહિ.” 32જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું, “ચોક્કસ આ ઇઝરાયલનો રાજા છે.” તેથી તેઓ તેના પર હુમલો કરવા વળ્યા, તેથી યહોશાફાટે જોરથી બૂમ પાડી. 33અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે આ ઇઝરાયલનો રાજા નથી ત્યારે તેઓએ તેનો પીછો કરવાનું છોડી દીધું.
34પરંતુ એક સૈનિકે તીર છોડ્યું. એ તીર ઇઝરાયલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે થઈને વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. કેમ કે મને કારમો ઘા વાગ્યો છે.”
35તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું અને રાજાને તેના રથમાં અરામીઓ તરફ મોં રહે તે રીતે બેસાડી રાખવામાં આવ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથને તળિયે ગયું અને સાંજ થતાં તે મૃત્યુ પામ્યો. 36પછી દિવસને અંતે સૂર્યાસ્ત થતાં જ રાજાની લશ્કરી છાવણીમાં એક મોટો પોકાર થયો, “દરેક જણ પોતપોતાના નગરમાં અને પોતપોતાના દેશમાં જાઓ!”
37રાજાના મૃતદેહને સમરુનમાં લાવવામાં આવ્યો અને ત્યાં તેને દફનાવવામાં આવ્યો. 38સમરુનના તળાવને કિનારે જ્યાં ગણિકાઓ સ્નાન કરવા આવતી હતી રથ ધોયો અને યહોવાહનો વચન પ્રમાણે કૂતરાંઓએ તેનું લોહી ચાટ્યું.
39આહાબનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું, તથા તેણે બંધાવેલા હાથીદાંતનો મહેલ તેમ જ તેણે જે જે નગરો બાંધ્યા તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું? 40આમ, આહાબ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેના પછી તેનો પુત્ર અહાઝયાહ રાજા બન્યો.
યહૂદિયાના યહોશાફાટનો રાજ્યકાળ
2 કાળ. 20:31-21:1
41ઇઝરાયલના રાજા આહાબના ચોથા વર્ષે આસાનો પુત્ર યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. 42જયારે યહોશાફાટ રાજા બન્યો, ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચ્ચીસ વર્ષ સુધી રાજય કર્યું. તે શિલ્હીની પુત્રી અઝૂબાહનો દીકરો હતો.
43તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેમાંથી ચલિત ન થતાં તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. જોકે, ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહોતાં. લોકો હજી તેમાં યજ્ઞ કરતા અને ધૂપ બાળતા હતા. 44યહોશાફાટે ઇઝરાયલના રાજા સાથે સમાધાન કર્યું.
45યહોશાફાટનાં બાકીનાં કાર્યો, તેણે જે પરાક્રમ બતાવ્યું તે અને કેવી રીતે તેણે યુદ્ધ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું? 46તેણે તેના પિતા આસાના દિવસોમાં બાકી રહેલા સજાતીય સંબંધો રાખનારા લોકોને દેશમાંથી દૂર કર્યા. 47અદોમમાં કોઈ જ રાજા નહોતો, પણ અમલદાર રાજ ચલાવતો હતો.
48યહોશાફાટે તાર્શીશી વહાણ બનાવ્યાં; તેઓ સોના માટે ઓફીર જતાં હતાં, પણ તે ત્યાં પહોંચ્યા નહિ કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે તૂટી ગયાં હતાં. 49આહાબના દીકરા અહાઝયાહએ યહોશાફાટને કહ્યું, “મારા ચાકરોને તારા ચાકરો સાથે વહાણમાં જવા દે.” પણ યહોશાફાટે ના પાડી. 50યહોશાફાટ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.
ઇઝરાયલના અહાઝયાહ રાજ્યકાળ
51યહૂદિયાના રાજા યહોશાફાટના સત્તરમા વર્ષે આહાબનો દીકરો અહાઝયાહ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો અને તેણે ઇઝરાયલ પર બે વર્ષ રાજ કર્યું. 52તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું, તે પોતાના પિતાના, પોતાની માતાના અને નબાટના દીકરા યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેના માર્ગે ચાલ્યો. 53તેણે તેના પિતાએ જે કર્યું હતું તે પ્રમાણે બઆલની પૂજા કરી અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહને કોપાયમાન કર્યા.

Currently Selected:

1 રાજા. 22: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in