YouVersion Logo
Search Icon

1 રાજા. 16

16
1હવે બાશા વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પાસે યહોવાહનું વચન આવ્યું, 2“મેં તને ધૂળમાંથી ઉઠાવીને ઊંચો કર્યો અને મારા ઇઝરાયલી લોકો પર અધિકારી તરીકે નીમ્યો. તો પણ તું યરોબામને પગલે ચાલ્યો અને મારા લોકો ઇઝરાયલીઓ પાસે પાપ કરાવીને તેમણે મને રોષ ચઢાવ્યો છે.
3જો, હું બાશા અને તારા કુટુંબને નષ્ટ કરી નાખીશ અને હું તારા કુટુંબને નબાટના પુત્ર યરોબામના કુટુંબના જેવું છિન્નભિન્ન કરી નાખીશ. 4બાશાના કુટુંબનાં જે માણસો નગરમાં મૃત્યુ પામશે તેઓને કૂતરાં ખાઈ જશે અને જેઓ ખેતરમાં મૃત્યુ પામશે તેઓને પક્ષીઓ ખાઈ જશે.”
5બાશાનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેનું પરાક્રમ તે બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? 6બાશા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તિર્સામાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેના પુત્ર એલાએ તેની જગ્યાએ રાજ કર્યું.
7બાશા અને તેના કુટુંબની વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક દ્વારા યહોવાહનું વચન આવ્યું. ત્યાર બાદ બાશાએ અને તેના કુટુંબે યહોવાહની દ્રષ્ટિમાં જે સઘળો દુરાચાર કર્યો અને યરોબામના કુટુંબના જેવા થઈને પોતાના હાથોના કામથી તેમને રોષ ચઢાવ્યો તેને લીધે તે યરોબામના કુટુંબની જેમ તેઓનો પણ નાશ કરશે.
ઇઝરાયલના એલાનો રાજ્યકાળ
8યહૂદિયાના રાજા આસાના છવ્વીસમા વર્ષે બાશાનો પુત્ર એલા તિર્સામાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો; તેણે બે વર્ષ રાજ કર્યુ. 9તેના એક ચાકર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. હવે એલા તિર્સામાં હતો. તિર્સામાં તેના મહેલનો એક કારભારી આર્સાના ઘરે મદ્યપાન કરીને ચકચૂર થયો હતો. 10ઝિમ્રી ત્યાં ગયો અને એલાને ત્યાં મારી નાખ્યો. યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે તે તેની જગ્યાએ રાજા બન્યો.
11જયારે ઝિમ્રી રાજ કરવા લાગ્યો અને તે રાજ્યાસન પર બેઠો ત્યારે એમ થયું કે તેણે બાશાના કુટુંબના સર્વ લોકોને મારી નાખ્યા. તેણે તેના કુટુંબમાંથી, કે તેના મિત્રોનાં કુટુંબોમાંથી એકેય નર બાળકને જીવિત રહેવા દીધો નહિ. 12આમ, જે પ્રમાણે યહોવાહ પોતાનું વચન પ્રબોધક યેહૂની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે ઝિમ્રીએ બાશાના કુટુંબોના સર્વ લોકોનો નાશ કર્યો. 13કેમ કે બાશાએ અને તેના પુત્ર એલાએ જે સર્વ પાપો કર્યાં હતાં અને તે વડે ઇઝરાયલીઓને પાપમાં દોરી ગયા હતા તેને લીધે અને તેઓની મૂર્તિઓને લીધે યહોવાહને રોષ ચઢાવ્યો હતો.
14એલાનાં બાકીનાં સર્વ કાર્યો અને તેણે જે સર્વ કર્યું તે બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું?
ઇઝરાયલના ઝિમ્રીનો રાજ્યકાળ
15યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે ઝિમ્રીએ તિર્સામાં ફક્ત સાત દિવસ રાજ કર્યુ. હવે તે વખતે ઇઝરાયલી સૈન્યએ પલિસ્તીઓના ગિબ્બથોનના શહેર તરફ છાવણી નાખી. 16જ્યારે સેનાને ખબર પડી કે “ઝિમ્રીએ રાજા વિરુદ્ધ બંડ કરી તેનું ખૂન કર્યુ છે.” ત્યારે તે દિવસે છાવણીમાં તેઓએ સેનાપતિ ઓમ્રીને ઇઝરાયલ પર નવા રાજા તરીકે જાહેર કર્યો. 17ઓમ્રીએ અને આખી ઇઝરાયલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાને ઘેરો ઘાલ્યો.
18જયારે ઝિમ્રીને ખબર પડી કે નગરને જીતી લેવામાં આવ્યું છે ત્યારે તેણે રાજમહેલના કિલ્લામાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે પોતે પણ બળીને મૃત્યુ પામ્યો. 19યરોબામના માર્ગમાં તથા ઇઝરાયલની પાસે તેણે જે પાપ કરાવ્યું હતું તેમાં ચાલવાથી અને યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કરીને તેણે જે જે પાપો કર્યા તેને લીધે આ બન્યું હતું. 20ઝિમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે કરેલો રાજદ્રોહ તે સર્વ વિષે ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું?
ઇઝરાયલના ઓમ્રીનો રાજ્યકાળ
21ત્યાર બાદ ઇઝરાયલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને અનુસરતો હતો અને તેને રાજા બનાવવા માગતો હતો અને બીજો ઓમ્રીને અનુસરતો હતો. 22પણ જે લોકો ઓમ્રીને અનુસરતા હતા, તેઓ ગિનાથના દીકરા તિબ્નીને અનુસરનારા લોકો કરતાં વધુ બળવાન હતા. તેથી તિબ્નીને મારી નાખવામાં આવ્યો અને ઓમ્રી રાજા થયો.
23યહૂદિયાના રાજા આસાના એકત્રીસમા વર્ષે ઓમ્રી ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું. તેમાંથી તેણે છ વર્ષ તિર્સામાં રાજ કર્યું. 24તેણે શેમેર પાસેથી સમરુન પર્વત બે તાલંત ચાંદી આપીને ખરીદી લીધો. તેના પર તેણે નગર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરુન પાડયું.
25ઓમ્રીએ યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વિશેષ દુરાચારો કર્યા. 26તે નબાટના પુત્ર યરોબામને માર્ગે ચાલ્યો, તેના પાપ વડે ઇઝરાયલ પાસે પણ પાપ કરાવ્યાં તથા તેઓની મૂર્તિઓને લીધે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને કોપાયમાન કર્યાં.
27ઓમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેણે જે પરાક્રમો બતાવ્યાં તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું? 28પછી ઓમ્રી તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને સમરુનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાબ રાજા બન્યો.
ઇઝરાયલના આહાબનો રાજ્યકાળ
29યહૂદિયાના રાજા આસાના આડત્રીસમા વર્ષે ઓમ્રીનો પુત્ર આહાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે સમરુનમાં બાવીસ વર્ષ સુધી રાજ કર્યું. 30ઓમ્રીના પુત્ર આહાબે યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વધારે દુરાચારો કર્યા.
31એમ થયું કે, નબાટના પુત્ર યરોબામના માર્ગે ચાલવું તેને માટે એક નજીવી બાબત હોય તેમ તેણે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે લગ્ન કર્યા. તેણે બઆલ દેવની પૂજા કરીને તેને દંડવત પ્રણામ કર્યા. 32તેણે સમરુનમાં બાલ દેવનું જે ભક્તિસ્થાન બાંધ્યું હતું તેમાં તેણે બઆલને માટે વેદી બનાવી. 33આહાબે અશેરાની પણ એક મૂર્તિ બનાવડાવી અને તેણે બીજા ઇઝરાયલી રાજાઓ કરતાં પણ વિશેષ દુષ્ટતા કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાહને રોષ ચઢાવ્યો.
34તેના સમય દરમિયાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું. તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબિરામ મૃત્યુ પામ્યો અને જ્યારે તેના દરવાજાઓ બેસાડ્યા. ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગુબ મૃત્યુ પામ્યો. યહોવાહ જે વચન નૂનના પુત્ર યહોશુઆની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે થયું.#16:34 જુઓ યહોશૂ 6:26

Currently Selected:

1 રાજા. 16: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in