YouVersion Logo
Search Icon

1 રાજા. 15

15
યહૂદિયાના અબીયામનો રાજ્યકાળ
2 કાળ. 13:1-14:1
1ઇઝરાયલના રાજા નબાટના દીકરા યરોબામના અઢારમા વર્ષે અબિયામ યહૂદિયાનો રાજા બન્યો. 2તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ્ય કર્યુ. અબીશાલોમની પુત્રી માકા તેની માતા હતી. 3તેના પિતાએ તેના સમયમાં અને તેની પહેલાં જે જે પાપો કર્યાં હતાં, તે સર્વ પાપ તેણે કર્યા. તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ ન હતું.
4તેમ છતાં દાઉદની ખાતર તેના ઈશ્વર યહોવાહે યરુશાલેમમાં તેના કુટુંબનો દીવો સળગતો રાખ્યો. એટલે તેના પછી યરુશાલેમને સ્થાપિત રાખવા માટે તેણે તેને પુત્ર આપ્યો. 5તેણે ફક્ત ઉરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાહની દ્રષ્ટિમાં જે યોગ્ય હતું તે જ કર્યું અને જીવનપર્યત ઈશ્વરે તેને જે જે આજ્ઞાઓ આપી તેમાંથી આડોઅવળો ગયો ન હતો. 6રહાબામના પુત્ર અને યરોબામના પુત્ર વચ્ચે અહિયાના જીવનના દિવસો દરમિયાન સતત વિગ્રહ ચાલુ રહ્યો.
7અબિયામનાં બાકીનાં કાર્યો, તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાના પુસ્તકમાં લખેલા નથી શું? અબિયામ અને યરોબામ વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો. 8પછી અબિયામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આસા રાજા બન્યો.
યહૂદિયાના આસાનો રાજ્યકાળ
2 કાળ. 15:16-16:6
9ઇઝરાયલના રાજા યરોબામના રાજયકાળના વીસમા વર્ષે આસા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. 10તેણે યરુશાલેમમાં એકતાળીસ વર્ષ રાજ કર્યું, તેની દાદીનું નામ માકા હતું અને તે અબીશાલોમની પુત્રી હતી. 11જેમ તેના પિતા દાઉદે કર્યું તેમ આસાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
12તેણે સજાતીય સંબંધો રાખનારાઓને દેશમાંથી કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી. 13તેણે તેની દાદી માકાને પણ રાજમાતાના પદ પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા દેવીની પૂજા માટે એક ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદ્રોનની ખીણમાં બાળી મૂકી.
14પણ ઉચ્ચસ્થાનોને દૂર કરવામાં આવ્યા નહિ, તેમ છતાં આસાનું હૃદય તેના જીવનના સર્વ દિવસો સુધી યહોવાહ પ્રત્યે સંપૂર્ણ હતું. 15તેના પિતાએ તેમ જ તેણે પોતે અર્પણ કરેલી વસ્તુઓ એટલે સોનું, ચાંદી અને પાત્રો તે યહોવાહના ભક્તિસ્થાનમાં લાવ્યો.
16ઇઝરાયલના રાજા બાશા અને આસા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત લડાઇ ચાલ્યા કરી. 17ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી અને રામા નગરને બાંધ્યું. જેથી યહૂદિયાના રાજા આસાના દેશમાં તે કોઈને પણ અંદર કે બહાર આવવા કે જવા ના દે.
18પછી આસાએ યહોવાહનું ભક્તિસ્થાનમાં તથા રાજમહેલના ભંડારોમાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કસમાં રહેતા અરામના રાજા હેઝ્યોનના પુત્ર, ટાબ્રિમ્મોનના પુત્ર બેન-હદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. તેઓએ રાજાને કહ્યું કે, 19“તારા પિતા અને મારા પિતા વચ્ચે શાંતિકરાર હતો તેમ મારી અને તારી વચ્ચે પણ શાંતિકરાર થાય. જો હું તને સોનાચાંદીની ભેટ મોકલું છું. તું ઇઝરાયલના રાજા બાશા સાથેનો શાંતિકરાર તોડી નાખ. કે જેથી તે મારી પાસેથી એટલે મારા દેશમાંથી જતો રહે.”
20બેનહદાદે આસા રાજાનું કહેવું માન્યું અને તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે ચઢાઈ કરવા મોકલ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માઅખાહ, આખું કિન્નેરેથ અને આખા નફતાલી પ્રદેશ પર હુમલો કર્યો. 21એમ થયું કે બાશાએ આ સાંભળ્યું ત્યારે તેણે રામા નગરનું બાંધકામ પડતું મૂકયું અને પાછો તિર્સા ચાલ્યો ગયો. 22પછી આસા રાજાએ આખા યહૂદિયામાં જાહેરાત કરી. કોઈને છૂટ આપવામાં આવી નહિ. જે પથ્થરો અને લાકડાં વડે રામા નગરને બાશાએ બાંધ્યું હતું. તે પથ્થર તથા લાકડાં તેઓ ઉઠાવી લાવ્યા. પછી આસા રાજાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પા બાંધવા માટે કર્યો.
23આસાનાં બાકીનાં સર્વ કાર્યો, તેનાં સર્વ પરાક્રમો અને તેણે જે સર્વ કર્યું તે, તેમ જ તેણે બંધાવેલાં નગરો તે બધી બાબતો વિષે યહૂદિયાના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? વૃદ્ધાવસ્થામાં તેને પગમાં રોગ લાગુ પડયો. 24પછી આસા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. અને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો.
ઇઝરાયલના નાદાબનો રાજ્યકાળ
25યહૂદિયાના રાજા આસાના બીજે વર્ષે યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયલ પર બે વર્ષ સુધી રાજ કર્યું. 26તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. તે પોતાના પિતાને માર્ગે ચાલ્યો અને તેનાં પોતાનાં પાપ વડે ઇઝરાયલને પણ પાપ કરાવ્યું.
27અહિયાનો પુત્ર બાશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બંડ કર્યું. બાશાએ તેને પલિસ્તીઓના નગર ગિબ્બથોન પાસે માર્યો કેમ કે નાદાબ તથા સર્વ ઇઝરાયલે ગિબ્બથોનને ઘેરી લીધું હતું. 28યહૂદિયાના રાજા આસાના ત્રીજા વર્ષે બાશાએ નાદાબને મારી નાખ્યો અને તેની જગ્યાએ પોતે રાજા બન્યો.
29જેવો તે રાજા બન્યો કે તરત જ તેણે યરોબામના કુટુંબનાં સર્વને મારી નાખ્યાં. તેણે યરોબામના કુટુંબનાં કોઈનેય જીવતાં છોડ્યા નહિ; આ રીતે યહોવાહ જે વાત તેના સેવક શીલોના અહિયા દ્વારા બોલ્યા હતા તે રીતે તેણે તેઓનો નાશ કર્યો. 30કારણ કે યરોબામે પાપ કર્યું અને ઇઝરાયલીઓને પણ પાપ કરવા પ્રેર્યા હતા. આમ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને રોષ ચઢાવ્યો હોવાથી આ બન્યું.
31નાદાબનાં બાકીનાં કાર્યો અને તેણે જે સર્વ કર્યુ તે બધું ઇઝરાયલના રાજાના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું? 32યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયલના રાજા બાશા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલ્યા કર્યો.
ઇઝરાયલના બાશાનો રાજ્યકાળ
33યહૂદિયાના રાજા આસાના શાસનકાળનો ત્રીજા વર્ષે અહિયાનો પુત્ર બાશા તિર્સામાં સર્વ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ચોવીસ વર્ષ રાજ કર્યું. 34તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે જ કર્યું. તે યરોબામના માર્ગમાં ચાલ્યો અને તેના પાપ વડે ઇઝરાયલીઓને પણ પાપના માર્ગે દોર્યા.

Currently Selected:

1 રાજા. 15: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in