રૂથ પ્રસ્તાવના
પ્રસ્તાવના
ન્યાયાધીશોના ઉગ્ર અને અંધાધૂંધીભર્યા સમયમાં રૂથની આ વાર્તા રણપ્રદેશમાંના મીઠા વીરડા સમાન લાગે છે! લડાઈ અને મૂર્તિપૂજાના સમયમાં એક ઈશ્વર પર વિશ્વાસ રાખી સાદગીભર્યું જીવન જીવતાં સામાન્ય કુટુંબોના જીવનની સોહામણી છબી આ વાર્તામાં જોવા મળે છે. અવારનવાર આવતા દુકાળો કે વિશિષ્ટ સંજોગોમાં, વચનના દેશના લોકો પાસેના દેશમાં ટૂંકા સમય માટે જઈ રહેતા, અને પરિસ્થિતિ સુધરતાં પાછા વળતા.
રૂથ મોઆબણ ઈઝરાયલી જુવાનને પરણી હતી. એનો પતિ મરી જતાં રૂથ પોતાની ઈઝરાયલી સાસુ પ્રત્યે અસાધારણ વફાદારી બતાવે છે અને ઈઝરાયલના ઈશ્વર પ્રત્યે અનન્ય ભક્તિભાવ દર્શાવે છે. છેવટે પોતાના આગલા પતિના કુટુંબીઓમાંથી જ તેને બીજો પતિ મળી રહે છે અને આ લગ્ન દ્વારા તે ઈઝરાયલના મહાનમાં મહાન રાજાની, એટલે દાવિદની માતામહ બને છે.
આ પુસ્તકમાં નિકટના સગાનું મુક્તિદાતા તરીકેનું સચોટ નિરૂપણ આપેલું છે. નાઓમીનો પતિ અને તેના પુત્રો મૃત્યુ પામ્યા હતા. ઈઝરાયલમાં વારસા માટે તેમનાં નામ ત્યારે જ ચાલુ રહે કે જ્યારે તેમનો કોઈ નિકટનો સગો એ વારસાને છોડાવે કે મુક્ત કરે. નિકટના સગા તરીકે નાઓમીના પતિ અને પુત્રોની વારસાઈ જમીન મુક્તિમૂલ્ય ચૂકવીને બોઆઝ છોડાવે છે. એ જવાબદારી અદા કરવામાં રૂથની સાથે લગ્ન કરવાનું પણ બોઆઝ માટે નિયમ પ્રમાણે બંધનર્ક્તા બને છે. બોઆઝ નિકટના સગા તરીકે એ જવાબદારી ઉપાડે છે અને પૂરી કરે છે. (જુઓ લેવી. 25:23-28; પુનર્નિયમ 25:5-10) નિકટના લોહીના સગા માટે હિબ્રૂ શબ્દ ‘ગોએલ’ આ પુસ્તકમાં તેર વખત આવે છે. નિકટના સગાની જવાબદારી આ પ્રમાણે હતી: (૧) ન્યાય માટે પોતાના સગાના ખૂનીને મારી નાખવો; (૨) સગાના કુટુંબનું નામ ચાલુ રાખવું; (૩) સગાને ગુલામીમાંથી ઉગારવો; (૪) સગાની સંપત્તિનું રક્ષણ કરવું.
‘ન્યાયાધીશો’નું પુસ્તક એ બાબત બતાવે છે કે ઈશ્વરના લોકો ઈશ્વરથી વિમુખ બને છે ત્યારે આફત આવે છે; જયારે ‘રૂથ’નું પુસ્તક બતાવે છે કે, એક પરદેશી પણ ઈઝરાયલના ઈશ્વરને શરણે આવે છે, અને તેમના લોકોની સાથે એકરૂપ બની જાય છે, ત્યારે આશીર્વાદ ઊતરે છે.
રૂપરેખા
રૂથને સાથે લઈને નાઓમી બેથલેહેમ પાછી ફરે છે ૧:૧-૨૨
રૂથ બોઆઝને મળે છે. ૨:૧—૩:૧૮
બોઆઝ રૂથ સાથે લગ્ન કરે છે. ૪:૧-૨૨
Currently Selected:
રૂથ પ્રસ્તાવના: GUJCL-BSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide