YouVersion Logo
Search Icon

રૂથ 2

2
બોઆઝના ખેતરમાં રૂથ
1નાઓમીના પતિનો એક શ્રીમંત અને વગદાર સગો હતો. તે એલીમેલેખનો કુટુંબી હતો. તેનું નામ બોઆઝ હતું. 2રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.”#લેવી. 19:9-10; પુન. 24:19. 3તેથી રૂથ ખેતરમાં ગઈ અને લણનારા માણસોની પાછળ ફરીને કણસલાં વીણવા લાગી. પ્રભુકૃપાએ તે જે ખેતરમાં ગઈ તે તો એલીમેલેખના સગા બોઆઝનું જ હતું.
4થોડીવાર પછી બોઆઝ પોતે બેથલેહેમથી આવ્યો. લણનારાઓને શુભેચ્છા પાઠવતાં તેણે કહ્યું, “પ્રભુ તમારી સાથે રહો.” તેમણે પણ જવાબ વાળ્યો, “પ્રભુ તમને આશિષ આપો.” 5લણનારાઓ પર દેખરેખ રાખનારને બોઆઝે પૂછયું, “પેલી યુવતી કોણ છે?” 6તેણે જવાબ આપ્યો, “એ તો નાઓમી સાથે મોઆબ દેશથી આવેલી પરદેશી યુવતી છે. 7તેણે મને કહ્યું, ‘મહેરબાની કરીને મને લણનારાઓની પાછળ પાછળ ફરીને કણસલાં એકઠાં કરવા દો.’ એમ વહેલી સવારથી અત્યાર સુધી તેણે કામ કર્યું છે અને હજી હમણાં જ તે છાપરી તળે આરામ લેવા થોભી છે.”
8ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “સાંભળ બહેન, કણસલાં વીણવા આ ખેતર સિવાય બીજે ક્યાંય જઈશ નહિ. અહીં જ રહેજે અને અહીં લણનારી સ્ત્રીઓ સાથે કામ કરજે. 9ખેતરના કયા ભાગમાં કાપણી થાય છે તેનું ધ્યાન રાખજે અને તેમની પાછળ પાછળ કામ કરજે. મારા મજૂરો તને કંઈ કનડગત કરે નહિ એવી મેં તેમને આજ્ઞા કરી છે. તને તરસ લાગે ત્યારે કામ કરનાર માણસોએ ભરેલાં માટલાંમાંથી પીજે.” 10રૂથે ભૂમિ સુધી નમીને પ્રણામ કરતાં કહ્યું, “હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારી કેટલી બધી કાળજી લો છો!”
11બોઆઝે જવાબ આપ્યો, “તારા પતિના મરણ પછી તું તારી સાસુ સાથે કેવી સારી રીતે વર્તી છે તે મેં સાંભળ્યું છે. તું તારાં માબાપ તથા તારી જન્મભૂમિ છોડીને અજાણ્યા લોકોમાં વસવા આવી છે તે બધું હું બરાબર જાણું છું. 12તારા એ કાર્ય માટે પ્રભુ તને આશિષ આપો. જેમની પાંખોની છાયા તળે તું આશ્રય લેવા આવી છે તે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તને તેનો ભરીપૂરીને બદલો આપો.” 13રૂથે જવાબ આપ્યો, “સાહેબ, મારા પર રહેમનજર રાખજો.#2:13 ‘રાખજો’: અથવા ‘તમે મારા...... રાખો છો.’. હું તો તમારા એક નોકર જેવી પણ નથી તો ય તમે મારી સાથે માયાળુપણે બોલ્યા છો તેથી મને હૈયાધારણ મળી છે.” 14બપોરે જમતી વેળાએ બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવ, ને આ શાકમાં રોટલી બોળીને ખા.” તેથી લણનારાઓની સાથે રૂથ પણ જમવા બેઠી. બોઆઝે તેને પોંક આપ્યો. તેણે તે ધરાઈને ખાધા પછી પણ થોડોક પોંક વધ્યો.
15તે કણસલાં વીણવા ઊઠી એટલે બોઆઝે કામ કરનારા મજૂરોને આજ્ઞા આપી, “એને પૂળાઓમાંથી પણ વીણવા દેજો. તેને કંઈ રોકટોક કરશો નહિ. 16વળી, પૂળાઓમાંથી થોડાંક કણસલાં ખેંચી કાઢીને પણ તેને માટે જમીન પર રહેવા દેજો. એને વીણવા દેજો, ને ધમકાવશો નહિ.” 17એમ રૂથે સાંજ સુધી કણસલાં વીણ્યાં. પછી પોતે વીણેલાં કણસલાં ઝૂડયાં તો તેમાંથી દસેક કિલો દાણા નીકળ્યા. 18તે લઈને તે ગામમાં ગઈ અને પોતાની સાસુને વીણેલા દાણા બતાવ્યા. વળી, તૃપ્ત થયા પછી વધેલો પોંક પણ તેણે નાઓમીને આપ્યો. 19નાઓમીએ તેને પૂછયું, “આજે તું કોના ખેતરમાં વીણવા ગઈ હતી? તારા પ્રત્યે રહેમનજર રાખનાર માણસ પર ઈશ્વરનો આશીર્વાદ ઊતરો.” રૂથે કહ્યું, “મેં બોઆઝ નામે એક માણસના ખેતરમાં કામ કર્યું હતું.” 20નાઓમીએ તેને કહ્યું, “પ્રભુ બોઆઝને આશિષ આપો. પ્રભુ તો જીવતાં અને મરેલાં સાથેનાં પોતાનાં વચન પાળે છે.” વળી, તેણે કહ્યું, “આ માણસ આપણો નિકટનો સગો#2:20 નિકટનો સગો: હિબ્રૂ. ‘ગોએલ’ - (આ પુસ્તકની પ્રસ્તાવનામાં આ અંગેની નોંધ જુઓ). છે. આપણી સંભાળ લેવાની જવાબદારી જેમને શિર છે તેમાંનો તે એક છે.”#લેવી. 25:25. 21ત્યારે રૂથે કહ્યું, “વળી, કાપણી પૂરી થાય ત્યાં સુધી તેમની કામ કરનારી સ્ત્રીઓ સાથે વીણવાનું કામ ચાલુ રાખવા તેમણે મને કહ્યું છે.” 22નાઓમીએ રૂથને કહ્યું, “હા દીકરી, તું બીજા કોઈના ખેતરમાં જાય અને તને કદાચ કોઈ હેરાન કરે એના કરતાં બોઆઝની કામ કરનારી સ્ત્રીઓ સાથે તું રહે એ સારું છે.” 23એથી રૂથે બોઆઝના મજૂરો સાથે કામ કર્યું. જવની અને પછી ઘઉંની પણ કાપણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના મજૂરોની પાછળ પાછળ કણસલાં વીણવાનું રાખ્યું. રૂથ પોતાની સાસુની સાથે જ રહેતી.

Currently Selected:

રૂથ 2: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in