સંદર્શન 8
8
સાતમી મુદ્રા
1હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે સ્વર્ગમાં આશરે અડધો કલાક મૌન છવાઈ ગયું. 2તે પછી મેં ઈશ્વરની સમક્ષ ઊભા રહેનાર સાત દૂતોને જોયા. તેમને સાત રણશિંગડાં આપવામાં આવ્યાં હતાં.
3સોનાનું ધૂપપાત્ર લઈને એક બીજો દૂત આવ્યો અને વેદી આગળ ઊભો રહ્યો. ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓમાં ઉમેરો કરવા માટે તેને ખૂબ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું હતું. તે ધૂપદ્રવ્ય રાજ્યાસનની સામેની સુવર્ણ વેદી પર ચઢાવવાનું હતું. 4ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા દૂતના હાથમાંના ધૂપપાત્રમાંથી સળગતા ધૂપદ્રવ્યનો ધૂમાડો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ સાથે ઉપર જવા લાગ્યો. 5પછી દૂતે વેદી પરના અંગારા લઈને ધૂપપાત્રમાં મૂક્યા, અને તે પૃથ્વી પર ઠાલવી દીધું. એટલે પ્રચંડ મેઘગર્જના, કડાકાઓ, વીજળીના ચમકારા અને ધરતીકંપ થવા લાગ્યાં.
સાત રણશિંગડાં
6પછી સાત દૂતો સાત રણશિંગડાં વગાડવા માટે તૈયાર થયા.
7પહેલા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, એટલે પૃથ્વી પર રક્તમિશ્રિત કરા અને અગ્નિ વરસ્યા. તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું લીલું ઘાસ બળી ગયું.
8પછી બીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે અગ્નિથી સળગતા એક મોટા પર્વત જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. તેથી સમુદ્રનો ત્રીજો ભાગ રક્તમાં ફેરવાઈ ગયો, 9સમુદ્રના ત્રીજા ભાગનાં પ્રાણીઓ મરી ગયાં અને ત્રીજા ભાગનાં વહાણોનો નાશ થયો.
10પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે મશાલની પેઠે સળગતો એક મોટો તારો આકાશમાંથી ખર્યો, અને ત્રીજા ભાગની નદીઓ અને ઝરણાં પર પડયો. 11તે તારાનું નામ તો “કડવાશ” છે. તેનાથી ત્રીજા ભાગનું પાણી કડવું થઈ ગયું અને તે કડવું પાણી પીવાથી ઘણાં મરી ગયાં.
12પછી ચોથા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર અને ત્રીજા ભાગના તારાઓ પર ઘા થયો. તેથી તેમનું ત્રીજા ભાગનું તેજ જતું રહ્યું. દિવસના ત્રીજા ભાગ દરમિયાન અને રાત્રિના ત્રીજા ભાગ દરમિયાન પ્રકાશ નહોતો.
13પછી મેં જોયું તો ઊંચે આકાશમાં એક ઊડતા ગરુડને મેં મોટે અવાજે બોલતાં સાંભળ્યું: બાકીના ત્રણ દૂતો રણશિંગડાં વગાડે ત્યારે તેના નાદને લીધે પૃથ્વી પર વસનારાઓને અફસોસ! અફસોસ! અફસોસ!
Currently Selected:
સંદર્શન 8: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide