માથ્થી પ્રસ્તાવના
પ્રસ્તાવના
‘માથ્થી આલેખિત શુભસંદેશ’ નું આલેખન કરનાર માથ્થી પ્રભુ ઈસુનો શિષ્ય હતો. તેની અટક લેવી હતી. અગાઉ તે જકાત ઉઘરાવનાર હતો. આમ આ શુભસંદેશ એક યહૂદી દ્વારા, એક યહૂદી વિષે અને યહૂદીઓને ઉદ્દેશીને લખાયેલો છે. ઈશ્વરે જૂના કરારમાં પોતાના સંદેશવાહકો દ્વારા અભિષિક્ત રાજાના આગમન વિષે વચનો આપેલાં. લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મસીહ એટલે અભિષિક્ત રાજા અંગેનાં ભવિષ્યવચનો પ્રભુ ઈસુમાં જ પૂર્ણ થાય છે એની પ્રતીતિપૂર્વકની રજૂઆત આ શુભસંદેશમાં છે. પ્રભુ ઈસુ તેમનાં જન્મ, જીવન, મૃત્યુ અને પુનરુત્થાનમાં અભિષિક્ત રાજા છે એ દર્શાવ્યું છે. આમ છતાં આ શુભસંદેશ માત્ર યહૂદી લોકો માટે જ નહિ, પણ સમસ્ત માનવજાત માટે છે. કારણ, પ્રભુ ઈસુ સૌના ઉદ્ધારક રાજા છે.
માથ્થીનું પુસ્તક વ્યવસ્થિત રીતે રચવામાં આવ્યું છે. પ્રભુ ઈસુના જન્મથી એની શરૂઆત થાય છે. એ પછી તેમના બાપ્તિસ્મા અને તેમનાં પરીક્ષણો વિષેનું વર્ણન આપવામાં આવ્યું છે, અને એ પછી ગાલીલમાંના તેમના શુભસંદેશના પ્રચારની, શિક્ષણની અને સાજાં કરવાની ધર્મસેવા વિષે જણાવ્યું છે. એ પછી પ્રભુ ઈસુ ગાલીલથી યરુશાલેમ આવે છે, અને છેલ્લા અઠવાડિયાના બનેલા બનાવોનું વર્ણન નોંધવામાં આવ્યું છે, અને અંતમાં ક્રૂસારોહણ, મૃત્યુ અને પુનરુત્થાનનું વર્ણન આપવામાં આવ્યું છે.
પ્રભુ ઈસુને મહાન ગુરુજી તરીકે દર્શાવ્યા છે, અને ઈશ્વરના નિયમશાસ્ત્રનો ખુલાસો કરવાનો તેઓ હક્ક ધરાવે છે, અને ઈશ્વરના રાજ્ય વિષે તેમને શીખવતા બતાવ્યા છે. એમનું બધું શિક્ષણ પાંચ પ્રકારનાં વિષયજૂથમાં વહેંચાયેલું છે:
(૧) ગિરિપ્રવચન, એમાં આકાશના રાજ્યના નાગરિકનાં ગુણલક્ષણ, એની ફરજો, એના હક્કો અને એનું ભાવિ વગેરે વિષે એમાં રજૂઆત છે.
(૨) બાર શિષ્યોને તેમના સેવાક્ષેત્ર વિષે શિક્ષણ (અધ્યાય ૧૦ મો).
(૩) આકાશના રાજ્ય સંબંધીના ઉદાહરણો (અધ્યાય ૧૩ મો).
(૪) શિષ્યપણા સંબંધીનાં શિક્ષણ (અધ્યાય ૧૮ મો).
(૫) હાલના યુગના અંત વિષેનું શિક્ષણ અને ઈશ્વરના રાજ્યના આગમન વિષેનું શિક્ષણ (અધ્યાય ૨૪-૨૫).
ગિરિપ્રવચન, પ્રભુ શીખવિત પ્રાર્થના, સદ્વર્તનનો સુવર્ણનિયમ એ શુભસંદેશના પ્રચલિત ભાગો છે. આ શુભસંદેશમાં ઈશ્વર ન્યાયી છે અને માણસ તેમની સાથે સુમેળભર્યા સંબંધમાં આવે અને ઈશ્વરના ધારાધોરણની માગણીઓ પરિપૂર્ણ કરે એ વાત પર પણ ભાર મૂકાયો છે.
રૂપરેખા:
વંશાવળી અને પ્રભુ ઈસુનો જન્મ ૧:૧—૨:૨૩
બાપ્તિસ્મા કરનાર યોહાનનું સેવાકાર્ય ૩:૧-૧૨
પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા અને તેમની ક્સોટી ૩:૧૩—૪:૧૧
પ્રભુ ઈસુનું ગાલીલમાંનું સેવાકાર્ય ૪:૧૨—૧૮:૩૫
ગાલીલથી યરુશાલેમમાં ૧૯:૧—૨૦:૩૪
યરુશાલેમમાં અને આસપાસમાં પ્રભુ ઈસુનું છેલ્લું અઠવાડિયું ૨૧:૧—૨૭:૬૬
પ્રભુ ઈસુનું પુનરુત્થાન અને ઘણાંને દર્શન ૨૮:૧-૨૦
Currently Selected:
માથ્થી પ્રસ્તાવના: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide