YouVersion Logo
Search Icon

લૂક 4

4
ઈસુનું પ્રલોભન
(માથ. 4:1-11; માર્ક. 1:12-13)
1ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, અને પવિત્ર આત્મા તેમને વેરાન પ્રદેશમાં લઈ ગયો. 2ત્યાં ચાલીસ દિવસ સુધી શેતાને તેમનું પ્રલોભન કર્યું. એ સમય દરમિયાન તેમણે કંઈ ખાધું નહોતું. એ દિવસો પૂરા થયા પછી તેમને ભૂખ લાગી.
3શેતાને તેમને કહ્યું, “જો તું ઈશ્વરપુત્ર હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય.”
4ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘માનવી ફક્ત રોટલી પર જ જીવતો નથી.”
5પછી શેતાને તેમને ઊંચે લઈ જઈને એક ક્ષણમાં દુનિયાનાં બધાં રાજ્યો બતાવ્યાં. 6શેતાને તેમને કહ્યું, “હું તને આ બધી સત્તા અને એનો વૈભવ આપીશ. એ મને સોંપી દેવામાં આવ્યાં છે, અને હું ચાહું તેને તે આપી શકું છું. 7એટલે જો તું પગે પડીને મારી ભક્તિ કરે, તો આ બધું તારું થશે.”
8ઈસુએ તેને જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘પ્રભુ તારા ઈશ્વરની તું ભક્તિ કર અને માત્ર તેમની જ સેવા કર!”
9પછી શેતાન તેમને યરુશાલેમ લઈ ગયો, તેમને મંદિરના સૌથી ઊંચા ભાગ પર ઊભા રાખ્યા, અને કહ્યું, “જો તું ઈશ્વરપુત્ર હોય, તો અહીંથી કૂદીને નીચે પડ. 10કારણ, શાસ્ત્રમાં લખેલું છે,
“ઈશ્વર પોતાના દૂતોને તારી સંભાળ લેવાની આજ્ઞા કરશે.”
11તેમાં એમ પણ લખેલું છે,
“તેઓ તને પોતાના હાથમાં ધરી લેશે;
જેથી તારો પગ પણ પથ્થર સાથે અથડાય નહિ.”
12ઈસુએ જવાબ આપ્યો,
“શાસ્ત્રમાં લખેલું છે,
‘તારે પ્રભુ તારા ઈશ્વરની ક્સોટી કરવી નહિ.”
13ઈસુનું બધી રીતે પ્રલોભન કરી ચૂક્યા પછી શેતાન કેટલીક મુદત સુધી તેમની પાસેથી ગયો.
ગાલીલમાં સેવાકાર્યની શરૂઆત
(માથ. 4:12-17; માર્ક. 1:14-15)
14પછી ઈસુ ગાલીલ પાછા ફર્યા, અને પવિત્ર આત્માનું પરાક્રમ તેમની સાથે હતું. આસપાસના આખા વિસ્તારમાં તેમના વિષેના સમાચાર ફેલાઈ ગયા. 15તે યહૂદીઓનાં ભજનસ્થાનોમાં ઉપદેશ આપતા હતા, અને બધા તેમની પ્રશંસા કરતા હતા.
વતનમાં ઈસુનો નકાર
(માથ. 13:53-58; માર્ક. 6:1-6)
16પછી ઈસુ જ્યાં તેમનો ઉછેર થયો હતો એ નાઝારેથમાં ગયા, અને હંમેશની રીત પ્રમાણે તે વિશ્રામવારે ભજનસ્થાનમાં ગયા અને તે શાસ્ત્ર વાંચવા ઊભા થયા. 17સંદેશવાહક યશાયાનું પુસ્તક તેમને આપવામાં આવ્યું. તેમણે વીંટો ઉઘાડીને જ્યાં આ પ્રમાણે લખેલું છે તે ભાગ ખોલ્યો:
18“પ્રભુનો આત્મા મારા પર છે;
કારણ, ગરીબોને શુભસંદેશનો ઉપદેશ
આપવા તેમણે મારો અભિષેક કર્યો છે.
તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા
અને અંધજનોને દૃષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા,
કચડાયેલાઓને મુક્ત કરવા
19અને જે વર્ષમાં પ્રભુ પોતાના લોકોને બચાવશે તે વર્ષની જાહેરાત કરવા મોકલ્યો છે.”
20ઈસુએ વીંટો વીંટાળી દીધો અને સેવકને પાછો આપી તે બેસી ગયા. ભજનસ્થાનમાંના બધાની નજર તેમના પર મંડાઈ રહી. 21તે તેમને કહેવા લાગ્યા, “આજે આ શાસ્ત્રભાગ તમે તે વંચાતો સાંભળ્યો ત્યારે જ પરિપૂર્ણ થયો છે.”
22એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની માુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “શું તે યોસેફનો પુત્ર નથી?”
23તેમણે કહ્યું, “હું જાણું છું કે તમે મારી આગળ આ કહેવત ટાંકશો: “વૈદ, તું પોતાને સાજો કર.’ તમે મને એમ પણ કહેશો, “કાપરનાહૂમમાં તેં કરેલા જે કાર્યો વિષે અમે સાંભળ્યું છે, તે જ કાર્યો અહીં તારા પોતાના વતનમાં કર.” 24પણ હું તમને સાચે જ કહું છું: સંદેશવાહક પોતાના વતનમાં કદી આવકાર પામતો નથી. 25હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહોતો, અને આખા દેશમાં ભારે દુકાળ હતો ત્યારે ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી. 26છતાં એલિયાને એમાંની કોઈ વિધવાને ત્યાં નહિ, પણ માત્ર સિદોન પ્રદેશના સારફાથની વિધવાને ત્યાં જ મોકલવામાં આવ્યો હતો. 27વળી, સંદેશવાહક એલીશાના સમય દરમિયાન ઇઝરાયલમાં ઘણા કોઢિયા હતા. છતાં સિરિયાના નાઅમાન સિવાય એમાંના કોઈને શુદ્ધ કરવામાં આવ્યો ન હતો.”
28એ સાંભળીને ભજનસ્થાનમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધે ભરાયા. 29તેમણે ઊઠીને ઈસુને નગર બહાર કાઢી મૂક્યા, અને તેમને કરાડ પરથી ફેંકી દેવા, તેમનું નગર જે પહાડ પર બંધાયેલું હતું તેના શિખર પર લઈ ગયા, 30પણ તે ટોળામાં થઈને ચાલ્યા ગયાં.
દુષ્ટાત્મા વળગેલો માણસ
(માર્ક. 1:21-28)
31પછી ઈસુ ગાલીલમાં આવેલા કાપરનાહુમમાં ગયા, અને ત્યાં વિશ્રામવારે તેમણે લોકોને ઉપદેશ આપ્યો. 32તેમનો ઉપદેશ સાંભળીને તેઓ સૌ આશ્ર્વર્યમાં પડી ગયા; કારણ, તેમની વાણી અધિકારયુક્ત હતી. 33ભજનસ્થાનમાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો; તેણે મોટે અવાજે બૂમ પાડી, 34“અરે નાઝારેથના ઈસુ, તમારે અને અમારે શું લાગેવળગે છે? શું તમે અમારો નાશ કરવા અહીં આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું; તમે તો ઈશ્વરના પવિત્ર સંદેશવાહક છો!”
35ઈસુએ દુષ્ટાત્માને આજ્ઞા કરી, “ચૂપ રહે, અને એ માણસમાંથી બહાર નીકળ.” તે બધાના દેખતાં દુષ્ટાત્માએ એ માણસને નીચે ફેંકી દીધો, અને તેને કંઈપણ ઇજા કર્યા વિના તેનામાંથી નીકળી ગયો.
36તેઓ સૌ અચંબો પામી ગયા, અને એકબીજાને કહેવા લાગ્યા, “આ તે કેવા પ્રકારના શબ્દો! અધિકાર અને પરાક્રમથી તે દુષ્ટાત્માઓને હુકમ કરે છે, અને તેઓ બહાર પણ નીકળે છે!” 37અને એ સમગ્ર પ્રદેશમાં ઈસુ અંગેની વાત ફેલાઈ ગઈ.
ઘણા લોકો સાજા થયા
(માથ. 8:14-17; માર્ક. 1:29-34)
38ઈસુ ભજનસ્થાનમાંથી નીકળીને સિમોનને ઘેર આવ્યા. સિમોનની સાસુ સખત તાવથી પીડાતી હતી, અને તેમણે ઈસુને તેના સંબંધી કહ્યું. 39તે જઈને તેની પથારી પાસે ઊભા રહ્યા અને તાવને ધમકાવ્યો એટલે તેનો તાવ ઊતરી ગયો! તે તરત જ ઊભી થઈને તેમની સરભરા કરવા લાગી.
40સૂર્યાસ્ત પછી લોકો વિવિધ પ્રકારના રોગથી પીડાતા પોતાના મિત્રોને ઈસુ પાસે લાવ્યા; ઈસુએ પ્રત્યેકના માથા પર પોતાના હાથ મૂક્યા અને તેમને બધાને સાજા કર્યા. 41“તમે ઈશ્વરપુત્ર છો,” એવી બૂમ પાડતાં પાડતાં અશુદ્ધ આત્માઓ ઘણા લોકોમાંથી નીકળી ગયા.
ઈસુએ તેમને ધમકાવ્યા અને બોલવા દીધા નહિ; કારણ, તેઓ જાણતા હતા કે તે મસીહ છે.
ભજનસ્થાનોમાં ઈસુનું શિક્ષણ
(માર્ક. 1:35-39)
42ઈસુ પરોઢિયે નગર બહાર એક્ંત જગ્યામાં જતા રહ્યા. લોકો ઈસુને શોધવા લાગ્યા, અને તે તેમને મળ્યા એટલે તેમણે તેમને જતા રોકાયા. પણ તેમણે તેમને કહ્યું, 43“મારે બીજાં નગરોમાં પણ ઈશ્વરના રાજના શુભસંદેશનો પ્રચાર કરવાનો છે; કારણ, એટલા માટે જ ઈશ્વરે મને મોકલ્યો છે.”
44તેથી તેમણે યહૂદિયાનાં બીજાં ભજનસ્થાનોમાં પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું.

Currently Selected:

લૂક 4: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in