YouVersion Logo
Search Icon

ન્યાયાધીશો 16

16
શિમશોન ગાઝામાં
1એક દિવસે શિમશોન પલિસ્તીઓના ગાઝા નગરમાં ગયો. ત્યાં તેને એક વેશ્યાનો ભેટો થઈ ગયો અને તેણે તેની સાથે સમાગમ કર્યો. 2ગાઝાના લોકોને ખબર પડી કે શિમશોન ત્યાં છે, તેથી તેઓ તે જગ્યાને ઘેરી વળ્યા અને આખી રાત તેની રાહ જોતા નગરના દરવાજે બેસી રહ્યા. તેઓ આખી રાત કંઈ કર્યા વિના બેસી રહ્યા. તેમના મનમાં એમ હતું કે, “આપણે સવાર સુધી રાહ જોઈશું અને પછી તેને મારી નાખીશું.” 3પણ શિમશોન માત્ર મધરાત સુધી જ પથારીમાં રહ્યો. પછી તે ઊઠયો અને નગરના દરવાજાને પકડીને તેને તેનાં કમાડ, બારસાખો અને લાકડાનાં દાંડા સહિત આખો ખેંચી કાઢયો. પછી તે તેને પોતાના ખભા પર મૂકીને અને હેબ્રોનની સામેના પર્વતના શિખર પર લઈ ગયો.
શિમશોન અને દલીલા
4તે પછી શિમશોન સોરેક ખીણમાં રહેતી દલીલા નામે એક સ્ત્રીના પ્રેમમાં પડયો. 5પલિસ્તીયાના પાંચ રાજાઓએ દલીલા પાસે જઈને તેને કહ્યું, “તું શિમશોનને પટાવીને પૂછી લે કે તે આટલો બળવાન શાને કારણે છે. જેથી અમે તેને હરાવીને બાંધી દઈએ અને તેને નિ:સહાય બનાવી દઈએ. અમારામાંથી પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે.”
6તેથી દલીલાએ શિમશોનને પૂછયું, “તમને ક્યાંથી બળ પ્રાપ્ત થાય છે તે કૃપા કરી મને કહો. કોઈ તમને બાંધીને લાચાર બનાવી દેવા માગતું હોય તો તે કેવી રીતે તેમ કરી શકે?”
7શિમશોને જવાબ આપ્યો, “સુકાઈ ન હોય તેવી બાણની સાત તાજી પણછોથી કોઈ મને બાંધે તો મારું બળ ચાલ્યું જાય અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”
8તેથી પલિસ્તી રાજાઓએ સુકાઈ ન હોય તેવી બાણની સાત તાજી પણછો દલીલાને લાવી આપી અને તેણે શિમશોનને બાંધી દીધો. 9તેણે કેટલાક માણસોને બીજા એક ઓરડામાં સંતાડી રાખ્યા હતા. તેથી તેણે બૂમ પાડી, “શિમશોન! પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” પણ અગ્નિ અડક્તાની સાથે અળસીરેસાની દોરી તૂટી જાય તેમ તેણે પણછો તોડી નાખી. આમ, તેમને તેના બળનું રહસ્ય શું છે તેની ખબર પડી નહિ.
10દલીલાએ શિમશોનને કહ્યું, “તમે તો મને છેતરો છો અને સાચી વાત કહેતા નથી. તમને કોઈ કેવી રીતે બાંધી શકે તે કૃપા કરી મને કહો.”
11તેણે તેને કહ્યું, “કદી વપરાયાં ન હોય એવા નવાં દોરડાથી તેઓ મને બાંધે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”
12તેથી દલીલાએ નવાં દોરડાં મેળવીને શિમશોનને બાંધ્યો. પછી તેણે બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” માણસો બીજા એક ખંડમાં રાહ જોતા સંતાયા હતા. પણ તેણે સૂતરના દોરાની જેમ એ દોરડાંને પોતાના હાથ પરથી તોડીને ફેંકી દીધાં.
13દલીલાએ શિમશોનને કહ્યું, “તમે હજી મને છેતરી રહ્યા છો અને સાચું કહેતા નથી. તમને કેવી રીતે બાંધી શકાય તે કહો.”
તેણે તેને કહ્યું, “જો તું મારા વાળની સાત લટોને હાથશાળના તાણા વડે ગૂંથે અને તેમને એક ખીલા વડે તાણીને બાંધી દે તો મારું બળ ચાલ્યું જાય અને હું એક સામાન્ય માણસ જેવો બની જઉં.”
14પછી દલીલાએ તેને થાબડીને સુવાડી દીધો અને તેના વાળની સાત લટોને તાણા વડે ગૂંથી લીધી. તેણે તે ખીલા વડે તાણીને બાંધી દીધી અને પછી બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” શિમશોન જાગી ઊઠયો અને તેણે તાણા સહિત હાથશાળ અને ખીલાને ખેંચી કાઢયાં.
15તેથી તેણે તેને કહ્યું, “તમને મારામાં ભરોસો જ નથી તો પછી મારા પર પ્રેમ કરો છે એમ શી રીતે કહેવાય? તમે મને ત્રણ ત્રણ વાર છેતરી છે, અને તમને ક્યાંથી બળ પ્રાપ્ત થાય છે તે મને હજી જણાવ્યું નથી.” 16તેણે તેને દિનપ્રતિદિન હઠેઠથી પૂછયા જ કર્યું. તેનાથી તે એવો હેરાન પરેશાન થઈ ગયો કે, 17છેવટે તેણે તેને સાચું રહસ્ય જણાવી દીધું. તેણે કહ્યું, “મારા માથાના વાળ ક્યારેય કાપવામાં આવ્યા નથી. મારા ગર્ભાધાનથી હું ઈશ્વરને નાઝીરી તરીકે સમર્પિત કરાયેલો છું. જો મારા વાળ કાપી નાખવામાં આવે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”
18દલીલાને ખ્યાલ આવી ગયો કે તેણે તેને સાચી વાત જણાવી દીધી છે. તેથી તેણે પલિસ્તીયાના રાજાઓને સંદેશો મોકલ્યો, “હવે એક વધુ વખત આવી જાઓ. તેણે મને સાચી વાત કહી દીધી છે.” પછી તેઓ પોતાની સાથે પૈસા લઈને આવ્યા. 19દલીલાએ શિમશોનને થાબડીને ખોળામાં સુવાડી દીધો અને પછી એક માણસને બોલાવ્યો, જેણે તેના#16:19 ‘જેણે તેના’: હિબ્રૂ પ્રમાણે ‘તે સ્ત્રીએ તેના.’ વાળની લટો કાપી નાખી. પછી દલીલા તેને હેરાન કરવા લાગી. કારણ, તેનામાંથી તેનું બળ ચાલ્યું ગયું હતું. 20પછી તેણે બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” તે જાગી ઊઠયો, અને તેણે માની લીધું કે, “હું પહેલાની જેમ ઝટકો મારીને છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર નહોતી કે પ્રભુએ હવે તેને તજી દીધો છે. 21પલિસ્તીઓએ તેને પકડયો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને તાંબાની સાંકળોએ બાંધીને ગાઝા લઈ ગયા અને કેદમાં પૂરીને તેને ઘંટીએ દળવા બેસાડયો. 22છતાં તેના મૂંડી નાખેલા વાળ ફરી ઊગવા લાગ્યા.
શિમશોનનું અવસાન
23પલિસ્તી રાજાઓ તેમના દેવ દાગોનને બલિદાન ચડાવવા અને ઉત્સવ મનાવવા એકત્ર થયા. તેમણે આવું ગીત ગાયું: “આપણા દેવે આપણને આપણા શત્રુ શિમશોન પર વિજય પમાડયો છે!” 24-25તેઓ ખૂબ આનંદમાં આવી ગયા હતા અને તેમણે કહ્યું, “શિમશોનને બોલાવો કે આપણે તેનો તમાશો જોઈએ!” તેઓ તેને જેલમાંથી બહાર કાઢી લાવ્યા અને તેની પાસે તમાશો કરાવ્યો, અને તેને બે થાંભલા વચ્ચે ઊભો રાખ્યો. તેને જોઈને લોકો તેમના દેવનાં ગુણગાન ગાવા લાગ્યા, “આપણા દેશને ખેદાનમેદાન કરી મૂકનાર અને આપણા ઘણા લોકોને મારી નાખનાર આપણા શત્રુ પર આપણા દેવે આપણને વિજય પમાડયો છે!” 26પોતાને હાથ પકડીને દોરી જનાર છોકરાને શિમશોને કહ્યું, “આ મકાનનો જેના પર આધાર છે એ થાંભલાઓને મને અડકવા દે. મારે તેમનો ટેકો લેવો છે.” 27મકાન તો સ્ત્રીપુરુષોથી ચિક્કાર હતું. પેલા પાંચેય પલિસ્તી રાજાઓ ત્યાં જ હતા. મકાનના ધાબા પરથી આશરે ત્રણેક હજાર સ્ત્રીપુરુષો શિમશોનનો તમાશો જોઈ રહ્યા હતા.
28પછી શિમશોને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, મને સંભારો. હે ઈશ્વર, મને આટલી એક વાર બળ આપો કે મારી બે આંખો ફોડી નાખવાના બદલામાં હું પલિસ્તીઓ પર એક સામટું વેર વાળું.” 29તેથી શિમશોને તે મકાનના ટેકારૂપ વચ્ચેનાં બે થાંભલાઓ પકડયા. પ્રત્યેક થાંભલા પર એકએક હાથ મૂકીને તેણે ધક્કો લગાવ્યો, 30અને પૂરા બળથી ધક્કો લગાવ્યો અને પાંચ રાજાઓ તથા અન્ય સર્વ પર મકાન તૂટી પડયું. શિમશોને પોતાના જીવન દરમિયાન મારી નાખેલા માણસો કરતાં તેના મૃત્યુ સમયે તેણે વધારે માણસો મારી નાખ્યા.
31તેના ભાઈઓ અને તેના અન્ય કુટુંબીજનો આવીને તેનો મૃતદેહ લઈ ગયા. તેમણે તેને સોરા અને એશ્તાઓલ વચ્ચે આવેલી તેના પિતા માનોઆહની કબરમાં લઈ જઈને દફનાવ્યો. તે વીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in