હિબ્રૂઓને પત્ર 12
12
ઈશ્વરપિતા તરફથી અનુશાસન
1વાદળાંની જેમ આ સાક્ષીઓની મોટી ભીડથી આપણે ઘેરાઈ ગયા છીએ. તેથી માર્ગમાંની પ્રત્યેક અવરોધરૂપ બાબતથી અને આપણને વળગી રહેનાર પાપથી આપણે મુક્ત થઈએ અને આપણે માટે ઠરાવેલી સ્પર્ધામાં ખંતપૂર્વક દોડીએ. 2જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.
3પાપીઓનો મોટો વિરોધ સહન કરનાર ઈસુનો વિચાર કરો, જેથી તમે નિર્ગત અને નિરાશ ન થાઓ. 4કારણ, પાપ સામેના યુદ્ધમાં હજી તમારે લોહી રેડવા સુધી લડવું પડયું નથી. 5પોતાના પુત્રો તરીકે ઈશ્વર તમને જે ઉત્તેજનદાયક વચનો કહે છે તે શું તમે ભૂલી ગયા છો!
6“મારા પુત્ર, પ્રભુની શિક્ષાનો
તું તિરસ્કાર ન કર, અને
તે તને ઠપકો આપે ત્યારે
નિરાશ ન થા. કારણ,
પ્રભુ જેના પર પ્રેમ કરે છે
તે દરેકને તે કેળવે છે.
અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે
તેને તે શિક્ષા કરે છે.”
7તમારે જે સહન કરવું પડે છે તેને પિતા તરફથી થયેલી શિક્ષા તરીકે સ્વીકારો. કારણ, ઈશ્વર તમને પોતાના પુત્રો ગણીને વર્તાવ કરે છે. કોઈ એવો પુત્ર હોય કે જેને તેના પિતાએ કદી શિક્ષા ન કરી હોય? 8ઈશ્વરના બીજા પુત્રોની સાથે સાથે તમને શિક્ષા ન થઈ હોય તો તેનો અર્થ એ થયો કે તમે સાચા પુત્રો નથી, પરંતુ વ્યભિચારથી જન્મેલા પુત્રો છો. 9વળી, આપણા દૈહિક પિતા આપણને શિક્ષા કરતા અને આપણે તેમને માન આપતા હતા. તો પછી આપણા આત્મિક પિતાને વિશેષ આધીન થઈને આપણે ન જીવીએ? 10આપણા દૈહિક પિતાઓ આપણને થોડા સમય માટે તેમને યોગ્ય લાગે તેમ શિક્ષા કરતા. પરંતુ ઈશ્વર આપણા ભલાને માટે તેમ કરે છે, એ માટે કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ. 11કોઈપણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી નથી, બલ્કે દુ:ખદાયક લાગે છે. પણ પાછળથી એવી શિક્ષા દ્વારા કેળવાયેલાઓનાં જીવન ઈશ્વરપરાયણતા અને શાંતિમાં પરિણમે છે.
સલાહસૂચનો
12માટે તમારા ઢીલા પડી ગયેલા હાથોને ઊંચા કરો, અને તમારા લથડતા ધૂંટણોને મજબૂત બનાવો. 13તમારા લંઘાતા પગ ઊતરી ન જાય પણ સાજા થાય માટે સીધે માર્ગે ચાલ્યા કરો.
14બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો યત્ન કરો. વળી, પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો. 15કદાચ કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ થાય માટે સાવધ રહો. કડવો છોડ ઊગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પહોંચાડે છે. તમારામાંનો કોઈ તેના જેવો ન થાય માટે સાવધ રહો. 16કોઈ વ્યભિચારી કે એસાવ જેવો દુષ્ટ ન નીકળે. એક ભોજન માટે એસાવે જયેષ્ઠ ભાઈ તરીકેના પોતાના હક્કો વેચી દીધા. 17તમે જાણો છો તેમ પાછળથી તે પોતાના પિતા પાસેથી આશિષ મેળવવાની ઝંખના રાખતો હતો, પરંતુ તેનો સ્વીકાર થયો નહિ, કારણ, રડી રડીને પ્રયત્ન કરવા છતાં તેણે જે કર્યું હતું તે બદલવા માટે કોઈ માર્ગ રહ્યો ન હતો.
18ઇઝરાયલી લોકોની માફક તમે સ્પર્શી શકાય એવા સિનાઈ પર્વત આગળ આવીને ઊભા નથી. ત્યાં તો અગ્નિની જ્વાળાઓ ભડભડતી હતી, 19ઘોર અંધકાર છવાયો હતો અને તોફાન જામ્યું હતું, રણશિંગડાનો નાદ ગાજતો હતો, એક એવો અવાજ સંભળાતો હતો કે જે સાંભળીને લોકો વધુ એકપણ શબ્દ ન સાંભળવા વિનંતી કરવા લાગ્યા. 20કારણ, “કોઈ પશુ પણ આ પર્વતને અડકે તો તેને પથ્થરથી મારી નાખવું.” એવી આજ્ઞા તેમનાથી સહન થઈ શકી નહિ. 21એ દૃશ્ય એટલું ભયાનક હતું કે મોશેએ કહ્યું, “હું ભયથી થરથરું છું.”
22એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો. 23જેમનાં નામ સ્વર્ગમાં લખાયાં છે તેવા ઈશ્વરના પ્રથમ પુત્રોના આનંદમય સમુદાયમાં તમે આવ્યા છો. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર પાસે તથા સંપૂર્ણ કરવામાં આવેલા નેકજનોના આત્માઓ પાસે આવ્યા છો. 24તમે નવા કરારના વ્યવસ્થાપક ઈસુ પાસે તથા છંટાયેલ રક્ત, જે હાબેલના રક્ત કરતાં વિશેષ સારી બાબતો વિષે બોલે છે તેની પાસે આવ્યા છો.
25તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?
26તે સમયે તો અવાજથી આખી પૃથ્વી હાલી ઊઠી હતી, પણ હવે ઈશ્વરે વચન આપ્યું છે: “હજી એકવાર હું એકલી પૃથ્વીને જ નહિ, પણ આકાશને પણ હલાવીશ.” 27‘હજી એકવાર’ એ શબ્દો સ્પષ્ટ દર્શાવે છે કે સર્જેલી વસ્તુઓને હલાવી દેવામાં આવશે અને તેમનો નાશ કરવામાં આવશે કે જેથી ચલાયમાન ન થાય એવી વસ્તુઓ કાયમ રહે.
28તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ. 29કારણ, આપણા ઈશ્વર તો ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.
Currently Selected:
હિબ્રૂઓને પત્ર 12: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide