YouVersion Logo
Search Icon

હિબ્રૂઓને પત્ર 10

10
1વળી, યહૂદી નિયમશાસ્ત્રમાં થનારી સારી બાબતોનું પ્રતિબિંબ માત્ર છે; તે બાબતોનું અસલી વાસ્તવિક સ્વરૂપ નથી. એનાં એ જ બલિદાનો વર્ષોવર્ષ હંમેશાં અર્પણ કરવામાં આવે છે. તો પછી નિયમશાસ્ત્ર આ બલિદાનો દ્વારા ઈશ્વરની પાસે આવનાર માણસોને કઈ રીતે સંપૂર્ણ બનાવી શકે? 2ઈશ્વરની ભક્તિ કરનાર લોકોને તેમનાં પાપોમાંથી સાચે જ શુદ્ધ કરવામાં આવ્યા હોત, તો તેમનું પાપ તેમને ડંખ્યા કરતું ન હોત, અને બધાં બલિદાનો બંધ થઈ ગયાં હોત. 3અત્યારની વ્યવસ્થા પ્રમાણે તો બલિદાનો લોકોને વર્ષોવર્ષ તેમનાં પાપની યાદ આપે છે. 4કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ.
5આ જ કારણથી, જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવવાના હતા ત્યારે તેમણે ઈશ્વરને કહ્યું,
“તમે બલિદાનો અને અર્પણો ઇચ્છતા નથી, પરંતુ તમે મારે માટે શરીર તૈયાર કર્યું છે. 6વેદી ઉપર પ્રાણીઓનાં શરીરોના સકલ દહનથી કે પાપ દૂર કરવા માટે કરાતાં બલિદાનોથી તમે પ્રસન્‍ન થતા નથી. 7ત્યારે મેં કહ્યું, ‘હે ઈશ્વર, નિયમના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે તેમ, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું.”
8પ્રથમ તેમણે કહ્યું, “વેદી ઉપર પ્રાણીઓનાં શરીરોના સકલ દહનથી કે પાપ દૂર કરવા માટે કરાતાં બલિદાનોથી તમે પ્રસન્‍ન થતા નથી.” આ બધાં બલિદાનો નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણ કરાતાં હતાં, છતાં તેમણે એમ કહ્યું. 9ત્યાર પછી તેમણે કહ્યું, “હે ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું.” તેથી ઈશ્વર બધાં જૂનાં બલિદાનોને રદ કરીને તેની જગ્યાએ ખ્રિસ્તના બલિદાનને સ્થાન આપે છે. 10કારણ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા. તેમણે પોતાના શરીર દ્વારા સર્વકાળને માટે જે અર્પણ કર્યું તેથી આપણ સૌને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા છે.
11દરેક યહૂદી યજ્ઞકાર ઊભો રહીને પોતાની સેવા દરરોજ બજાવે છે અને એકનાં એક બલિદાનો ઘણીવાર આપે છે. પરંતુ આ બલિદાનો કદી પાપ દૂર કરી શકે નહિ. 12પણ ખ્રિસ્ત તો પાપના નિવારણ માટે સર્વકાળને માટે યોગ્ય એવું એક જ બલિદાન આપીને ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા છે. 13ત્યાં હવે તે પોતાના શત્રુઓને ઈશ્વર તેમના પગ મૂકવાનું આસન બનાવે તેની રાહ જુએ છે. 14આમ, જેઓ પાપમાંથી શુદ્ધ થયા છે તેમને તેમણે એક જ બલિદાનથી સર્વકાળને માટે સંપૂર્ણ બનાવ્યા છે.
15પવિત્ર આત્મા પણ તે વાતની સાક્ષી પૂરે છે. પ્રથમ તે કહે છે:
16“પ્રભુ કહે છે: આવનાર દિવસોમાં તેમની સાથે હું આ કરાર કરીશ: હું મારા નિયમો તેમનાં હૃદયોમાં મૂકીશ અને તેમનાં મન ઉપર તે લખીશ.”
17પછી તે કહે છે, “હું તેમનાં પાપ તથા દુષ્કર્મો ફરીથી યાદ કરીશ નહિ.” 18તેથી જો આ બધાંની માફી મળી ગઈ હોય, તો પાપના નિવારણ માટે હવે કોઈ અર્પણની જરૂર નથી.
ઈશ્વરના સાન્‍નિધ્યમાં
19તેથી ભાઈઓ, ઈસુના મૃત્યુ દ્વારા પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. 20તેમણે પડદામાં થઈને એટલે કે, તેમના શરીરમાં થઈને આપણે માટે એક નવો અને જીવંત માર્ગ ખોલ્યો છે. 21આપણને તો ઈશ્વરના ઘરના વહીવટર્ક્તા તરીકે મહાન યજ્ઞકાર મળેલા છે. 22તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ. 23જે આશા આપણે પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી વળગી રહીએ. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે એવો ભરોસો આપણે રાખી શકીએ છીએ. 24આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ દર્શાવીએ તથા સારાં કાર્યો કરીએ. 25કેટલાક કરે છે તેમ આપણે એકત્ર થવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.
26કારણ, આપણને સત્ય પ્રગટ કરવામાં આવ્યું હોવા છતાં આપણે જાણી જોઈને પાપ કર્યા કરીએ, તો તે પાપનું નિવારણ કરવા માટે બીજું કોઈ બલિદાન નથી. 27એને બદલે, આપણે આવનાર ન્યાયશાસનની તથા ઈશ્વરના વિરોધીઓને ભરખી જનાર અગ્નિની બીક રાખીએ. 28જે કોઈ મોશેના નિયમનું ઉલ્લંઘન કરે, અને બે કે ત્રણ સાક્ષીઓ દ્વારા તેનો ગુનો સાબિત થાય, તો તેને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે. 29તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે! 30કારણ, “વેર વાળવું મારું ક્મ છે. હું જરૂર બદલો લઈશ,” અને “પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,” એવું કહેનારને આપણે ઓળખીએ છીએ. 31જીવંત ઈશ્વરના હાથમાં પડવું તે કેવું ભયંકર છે!
32તમારા ભૂતકાળને યાદ કરો. તે દિવસોમાં તમારા પર ઈશ્વરનો પ્રકાશ પ્રકાશ્યો. ત્યાર પછી તમે ઘણી બાબતો સહન કરી, છતાં મુશ્કેલીઓમાં તમે હારી ગયા નહિ. 33ઘણીવાર તમારું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને તમારા પર સિતમો ગુજારવામાં આવ્યા. વળી, કેટલીકવાર જેમના પ્રત્યે આવું વર્તન દાખવવામાં આવતું હતું તેમની પડખે ઊભા રહેવા તમે તૈયાર હતા. 34કેદીઓનાં દુ:ખોમાં તમે ભાગીદાર બન્યા, અને જ્યારે તમારી મિલક્ત લૂંટવામાં આવી, ત્યારે એ ખોટ તમે હસતે મુખે સહન કરી. કારણ, તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને અક્ષય સંપત્તિ સ્વર્ગમાં છે. 35તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે. 36તમે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરી શકો અને તેમણે આપેલાં વચનો પામી શકો તે માટે તમારે ધીરજવાન થવાની જરૂર છે. 37કારણ, જેમ શાસ્ત્ર કહે છે તેમ,
“હવે બહુ જ થોડો સમય બાકી છે, અને
જે આવનાર છે તે જરૂર આવશે;
તે વિલંબ કરશે નહિ.
38મારા ધોરણ પ્રમાણે વર્તનાર વિશ્વાસથી જ જીવશે; પરંતુ તેમાંનો કોઈ પાછો પડે તો, હું તેના ઉપર પ્રસન્‍ન નહીં થાઉં.”
39પણ આપણે પાછા પડીને નાશ પામીએ એવા લોકો નથી. એને બદલે, આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in