YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 43

43
યોસેફના ભાઈઓનું ઇજિપ્તમાં પુનરાગમન
1પણ કનાન દેશમાં દુકાળ વધુ કારમો બનતો ગયો. 2ઇજિપ્તમાંથી લાવેલું બધું જ અનાજ ખાતાં ખલાસ થઈ ગયું ત્યારે યાકોબે પોતાના પુત્રોને કહ્યું, “જાઓ, જઈને આપણે માટે થોડું અનાજ ખરીદી લાવો.” 3યહૂદાએ કહ્યું, “એ માણસે અમને સખત ચેતવણી આપી હતી કે, ‘તમારો ભાઈ તમારી સાથે ન હોય તો તમે મને મળવા પામશો નહિ.’ 4જો તમે અમારા ભાઈને અમારી સાથે મોકલવા તૈયાર હો તો અમે જઈને તમારે માટે અનાજ ખરીદી લાવીશું. 5જો તમે તેને ન મોકલો તો અમે જવાના નથી. કારણ, એ માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે ન હોય તો તમે મને મળવા પામશો નહિ.” 6ઇઝરાયેલે કહ્યું, “તમારે બીજો ભાઈ છે એવું એ માણસને કહીને તમે મને સંકટમાં કેમ મૂક્યો?”
7તેમણે જવાબ આપ્યો, “એ માણસે અમને આપણા કુટુંબ સંબંધી વિગતવાર પૂછપરછ કરી: ‘શું તમારા પિતા હજી જીવે છે? તમારે કોઈ ભાઈ છે?’ અને અમારે એના પ્રશ્ર્નોના જવાબ આપવા પડયા. અમને શી ખબર કે તે અમારી સાથે અમારા ભાઈને લઈ જવાનું કહેશે?” 8વળી, યહૂદાએ પોતાના પિતા ઇઝરાયલને કહ્યું, “છોકરાને મારી સાથે મોકલો તો અમે ઉપડીએ. જેથી આપણે સૌ એટલે તમે, અમારાં છોકરાં અને અમે જીવતાં રહીએ, અને મરી જઈએ નહિ. 9હું તેનો જામીન થાઉં છું, જો હું તેને તમારી પાસે સહીસલામત પાછો ન લાવું તો તમારી સમક્ષ આખા જીવનભર તેનો દોષ મારે શિર રહો. 10જો અમે રોકાયા ન હોત તો અત્યાર સુધીમાં તો અમે ત્યાં બે વાર જઈને પાછા આવ્યા હોત.”
11તેમના પિતા ઇઝરાયલે તેમને કહ્યું, “જો એમ જ હોય તો આમ કરો, તમે એ માણસને માટે તમારી ગૂણોમાં દેશની ઉત્તમ પેદાશ એટલે થોડો ગુગળ, થોડું મધ, સુગંધી દ્રવ્યો, બોળ, પિસ્તાં અને બદામ લઈ જાઓ. 12તમારી સાથે બમણાં નાણાં લઈ જાઓ. કારણ, તમારી ગૂણોના મોંમાં મળેલાં નાણાં તમારે પાછાં લઈ જવા પડશે. કદાચ કંઈક ભૂલથાપ થઈ હશે. 13તમારા ભાઈને સાથે લો, તૈયાર થાઓ, ને એ માણસ પાસે પાછા જાઓ. 14સર્વસમર્થ ઈશ્વર તમને એ માણસની દૃષ્ટિમાં દયા પમાડો, જેથી તે તમને, બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. પછી ભલે મારે મારાં બાળકો ગુમાવવાં પડે.” 15તેથી એ માણસોએ બક્ષિસો અને બમણાં નાણાં લીધાં અને સાથે બિન્યામીનને પણ લીધો. તેઓ તૈયાર થઈને ઇજિપ્તમાં ગયા, અને ત્યાં યોસેફ સમક્ષ હાજર થયા.
16યોસેફે તેમની સાથે બિન્યામીનને જોયો ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘરમાં લઈ જા, અને એક પ્રાણી કાપીને ભોજન તૈયાર કર, કારણ, બપોરે આ માણસો મારી સાથે જમશે.” 17કારભારીએ યોસેફને કહ્યા પ્રમાણે કર્યું, અને એ માણસોને યોસેફને ઘેર લાવ્યો. 18તેમને તેના ઘેર લાવવામાં આવ્યા ત્યારે એ માણસો ગભરાયા અને વિચારવા લાગ્યા, “પહેલીવાર આપણી ગૂણોમાં પાછાં મળેલાં નાણાંને લીધે જ આપણને અહીં લાવવામાં આવ્યા છે. તેઓ લાગ જોઈને આપણી પર ઓચિંતો હુમલો કરશે, આપણને ગુલામ બનાવી દેશે અને આપણાં ગધેડાં લઈ લેશે.” 19તેથી ઘરને બારણે આવી પહોંચ્યા ત્યારે તેમણે યોસેફના ઘરના કારભારીને કહ્યું, 20“સાહેબ, અમે અગાઉ અહીં અનાજ ખરીદવા આવ્યા હતા, 21જ્યારે અમે અમારા ઉતારાએ પહોંચ્યા અને અમારી ગૂણો ઉઘાડી તો પ્રત્યેક માણસનાં નાણાં તેની ગૂણનાં મોંમાં હતાં! એ બધાં નાણાં અમારાં જ હતાં અને તેનું વજન પણ બરાબર થયું. અમે તે નાણાં અમારી સાથે પાછાં લાવ્યાં છીએ. 22અનાજ ખરીદવા માટે અમે વધારાના પૈસા પણ લાવ્યા છીએ. અમારી ગૂણોમાં કોણે અમારાં નાણાં પાછાં મૂક્યાં તેની અમને ખબર નથી.” 23કારભારીએ કહ્યું, “ચિંતા કરશો નહિ કે ગભરાશો નહિ. તમારા અને તમારા પિતાના ઈશ્વરે એ નાણાં તમારે માટે તમારી ગૂણોમાં મૂકાવ્યાં હશે. તમારા પહેલીવારના પૈસા મને મળી ચૂક્યા છે.” 24પછી તે તેમની પાસે શિમયોનને લાવ્યો. તેમના પગ ધોવા માટે તેણે તેમને પાણી આપ્યું અને ગધેડાને ચારો નીર્યો. 25બપોરે યોસેફના આગમન સમયે યોસેફના ભાઈઓએ તેને માટે બક્ષિસો તૈયાર રાખી, કારણ, તેમણે સાંભળ્યું હતું કે તેમણે તેની સાથે જમવાનું છે.
26યોસેફ ઘેર આવ્યો ત્યારે તેઓ તેની પાસે ઘરમાં પોતાની બક્ષિસો લાવ્યા, અને ભૂમિ સુધી નમીને તેની આગળ નમ્યા. 27તેણે તેમના સમાચાર પૂછયા, અને પછી પૂછયું, “તમારા વૃદ્ધ પિતા જેમને વિષે તમે મને કહ્યું હતું તે કેમ છે? શું તે હજી જીવે છે, અને કુશળ છે?” 28તેમણે જવાબ આપ્યો, “તમારો દાસ, અમારા પિતાજી કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓ તેની આગળ ધૂંટણિયે પડીને નમ્યા. 29યોસેફે પોતાના સગા ભાઈ બિન્યામીનને જોઈને કહ્યું, “આ તમારો સૌથી નાનો ભાઈ, જેને વિષે તમે મને કહ્યું હતું તે જ છે ને? ભાઈ, ઈશ્વર તને આશિષ આપો.” 305છી યોસેફ ત્યાંથી ઉતાવળે જતો રહ્યો, કારણ, તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું અને તે રડી પડવામાં હતો. તેથી તે પોતાની ઓરડીમાં જઈને ત્યાં રડયો. 31પછી મોં ધોઈને તે બહાર આવ્યો, અને પોતાના મન પર કાબૂ રાખીને ભોજન પીરસવાનો હુકમ કર્યો. 32યોસેફને જુદું પીરસવામાં આવ્યું, અને તેના ભાઈઓને બીજા મેજ પર પીરસવામાં આવ્યું, તેની સાથે જમનારા ઇજિપ્તીઓને પણ અલગ પીરસવામાં આવ્યું. કારણ, ઇજિપ્તીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી. હિબ્રૂ લોકો સાથે જમવા બેસવાનું તેઓ શરમજનક ગણે છે. 33યોસેફના ભાઈઓને તેમની ઉંમરના ક્રમ પ્રમાણે મોટાથી શરૂ કરી સૌથી નાના સુધી તેની સામેના મેજ પર બેસાડવામાં આવ્યા. તેથી તેઓ એકબીજા સામે આશ્ર્વર્યચકિત થઈ જોવા લાગ્યા. 34તેમને યોસેફના મેજ પરથી વાનગીઓ પીરસવામાં આવી, બીજા ભાઈઓ કરતાં બિન્યામીનને પાંચ ગણું વધારે પીરસવામાં આવ્યું. એમ તેમણે તેની સાથે મિજબાની માણી અને દ્રાક્ષાસવ પીને મસ્ત થયા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in