YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 33

33
યાકોબ અને એસાવનું મિલન
1યાકોબે સામે જોયું તો એસાવ તેના ચારસો માણસો સાથે આવતો હતો. તેથી યાકોબે લેઆહ, રાહેલ અને બે દાસીઓ વચ્ચે બાળકો વહેંચી દીધાં. 2પછી તેણે દાસીઓને અને તેમનાં બાળકોને સૌથી આગળ રાખ્યાં. અને પછી લેઆહ તથા તેનાં બાળકોને અને છેલ્લે રાહેલ તથા યોસેફને રાખ્યાં. 3તે પોતે તેમની આગળ ચાલ્યો, અને પોતાના ભાઈની પાસે પહોંચતા સુધીમાં તો તેણે તેને સાત વાર ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા. 4પણ એસાવ તેને મળવા દોડયો, ને તેને ભેટી પડયો ને તેને ગળે વળગીને ચુંબન કર્યું, અને બન્‍ને ભાઈઓ રડયા. 5એસાવે સામે નજર કરી તો સ્ત્રીઓ તથા બાળકોને જોયાં. ત્યારે તેણે પૂછયું, “આ તારી સાથે કોણ છે?” યાકોબે કહ્યું, “એ તો ઈશ્વરે કૃપા કરીને તમારા સેવકને આપેલાં બાળકો છે.” 6પછી દાસીઓ તથા તેમનાં બાળકોએ નજીક આવીને એસાવને નમીને પ્રણામ કર્યા. 7એ જ રીતે લેઆહ તથા તેનાં બાળકો અને છેલ્લે યોસેફ તથા રાહેલ નજીક આવ્યાં અને તેને નમીને પ્રણામ કર્યા.
8એસાવે યાકોબને પૂછયું, “આ જે બધાં ટોળાં મને સામાં મળ્યાં તેનો શો અર્થ છે?”
યાકોબે જવાબ આપ્યો, “એ તો મારા મુરબ્બીની રહેમનજર મેળવવા માટે છે.” 9પણ એસાવે કહ્યું, “મારા ભાઈ, મારી પાસે પૂરતું છે, તારું જે છે તે તું તારી પાસે રાખ.”
10યાકોબે કહ્યું, “ના, મારા પર તમારી રહેમનજર થઈ હોય તો મારી આટલી ભેટ સ્વીકારો એવી મારી વિનંતી છે. કારણ, તમારું મુખ જોવું એ જાણે ઈશ્વરનું મુખ જોવા બરાબર છે. છતાં તમે પૂરા સદ્ભાવે મારો સ્વીકાર કર્યો છે. 11કૃપા કરીને આ ભેટનો સ્વીકાર કરો. કારણ, ઈશ્વરે મારા પર કૃપા કરી છે અને મારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે.” એ રીતે તેણે એસાવને ખૂબ આગ્રહ કર્યો, જેથી તેણે તે ભેટ સ્વીકારી.
12પછી એસાવ બોલ્યો, “ચાલો, હવે આપણે જઈએ અને હું તારી સાથે આવીશ.”
13પણ યાકોબે કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો કે બાળકો કુમળાં છે અને મારી પાસે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. જો તેમને એક દિવસ પણ વધારે ઝડપથી હાંકીએ તો બધાં જાનવર મરી જાય. 14માટે મારા મુરબ્બી, તમે તમારા સેવક કરતાં આગળ જાઓ અને હું મારી આગળનાં જાનવરો અને બાળકોની ચાલવાની ઝડપ પ્રમાણે ધીમે ધીમે આવીશ અને તમને સેઈરમાં આવીને મળીશ.” 15એટલે એસાવે કહ્યું, “તો હું મારા માણસોમાંથી થોડા તારી સાથે રહેવા દઉં?”
પણ યાકોબે કહ્યું, “શા માટે? હું તમારી રહેમનજર પામ્યો એટલું જ બસ છે.” 16તેથી તે દિવસે એસાવ સેઈર જવા ઉપડયો. 17પણ યાકોબ ચાલતો ચાલતો સુક્કોથ આવ્યો અને ત્યાં તેણે પોતાને માટે એક ઘર બાંધ્યું અને ઢોરને માટે માંડવા બનાવ્યા. આથી તે સ્થળનું નામ સુક્કોથ (માંડવા) પડયું.
18આમ, યાકોબ મેસોપોટેમિયામાંથી નીકળીને કનાન દેશમાં આવેલા શખેમ શહેર સુધી સહીસલામત આવ્યો અને તેણે શહેર આગળ પડાવ નાખ્યો. 19તેણે જે જમીન પર તંબુ તાણ્યો હતો તે તેણે શખેમના પિતા હામોરના પુત્રો પાસેથી ચાંદીના સો સિક્કા આપીને ખરીદી લીધી.#યહો. 24:32; યોહા. 4:5. 20ત્યાં તેણે એક વેદી બાંધી ને તેનું નામ એલ- એલોહે- ઇઝરાયલ (ઈશ્વર, ઇઝરાયલનો ઈશ્વર) પાડયું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in