YouVersion Logo
Search Icon

એસ્તેર 6

6
મોર્દખાયનું બહુમાન
1તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ. તેણે રાજઇતિહાસનું અધિકૃત પુસ્તક મંગાવ્યું. રાજા આગળ તેમાંથી વાંચન કરવામાં આવ્યું. 2રાજમહેલના બે અંગરક્ષકો બિગ્થા અને તેરેશે અહાશ્વેરોશ રાજાને ખતમ કરી નાખવાનો પ્રપંચ કર્યો હતો પણ મોર્દખાયે તેની બાતમી આપી દેતાં રાજાનો જીવ બચી ગયો હતો એ વિષે તેમણે વાંચ્યું. 3રાજાએ પૂછયું, “આ માટે મોર્દખાયને કંઈ સન્માન કે બક્ષિસ આપવામાં આવ્યાં છે?”
રાજાના સેવકોએ જવાબ આપ્યો, “તેને માટે કંઈ જ કરવામાં આવ્યું નથી.”
4રાજાએ પૂછયું, “મહેલના પ્રાંગણમાં કોઈ અધિકારી હાજર છે?”
તે વખતે જ હામાન રાજમહેલના પ્રાંગણમાં આવ્યો. તે રાજાને મોર્દખાયને ફાંસી આપી દેવાનું કહેવા આવ્યો હતો. 5આથી સેવકોએ જવાબ આપ્યો, “હામાન, આપને મળવા માગે છે.”
રાજાએ કહ્યું, “તેને અંદર આવવા દો.”
6હામાન અંદર આવ્યો એટલે રાજાએ તેને પૂછયું, “મારે કોઈનું બહુમાન કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ?”
હામાને મનમાં વિચાર્યું, “રાજા મારા સિવાય બીજા કોનું બહુમાન કરવા માગતા હોય?”
7-8તેથી તેણે રાજાને કહ્યું, “એવી વ્યક્તિ માટે તો રાજાનો રાજવી પોશાક, તેમની સવારી માટે વપરાતો ઘોડો તથા રાજમુગટ લાવવાં જોઈએ. 9પછી જેનું બહુમાન કરવાની રાજાની ઇચ્છા હોય તેને રાજાનો સૌથી મુખ્ય અમલદાર તે પહેરાવે અને ઘોડા પર બેસાડીને સમગ્ર નગરચોકમાં ફેરવે. વળી, તે તેની આગળ પોકાર પાડે કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.”
10ત્યારબાદ રાજાએ હામાનને કહ્યું, “જા, ઝટપટ રાજપોશાક તથા ઘોડો લઈ આવ અને રાજમહેલના દરવાજે બેઠેલા પેલા યહૂદી મોર્દખાયનું સન્માન કર. તું બોલ્યો છું એમાંનું કંઈ બાકી રહેવું જોઈએ નહિ.”
11હામાને રાજપોશાક અને ઘોડો મંગાવ્યા. મોર્દખાયને રાજપોશાક પહેરાવ્યો, ઘોડા પર બેસાડયો અને નગરચોકમાં સર્વત્ર ફરી પોકાર પાડયો કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.”
12મોર્દખાય રાજમહેલના દરવાજે પાછો આવ્યો, પણ હામાન હતાશામાં મુખ ઢાંકીને ઘેર જતો રહ્યો. 13તેણે તેની પત્ની ઝેરેશને તથા મિત્રોને પોતાની હાલત જણાવી. ત્યારબાદ તેની પત્ની અને મિત્રોએ કહ્યું, “મોર્દખાય આગળ તારું પતન થશે, કારણ કે તે યહૂદી છે. તું તેની પ્રગતિ રોકી શકવાનો નથી. પણ તે તો તારું પતન જોવા જીવશે.”
14તેઓ વાત કરતાં હતાં એવામાં જ રાજાના રાણીગૃહના અધિકારીઓ આવ્યા અને એસ્તેરે યોજેલા ભોજનસમારંભમાં હામાનને ઉતાવળે લઈ ગયા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in