YouVersion Logo
Search Icon

ઝખાર્યા 7

7
પ્રભુ પોકળ ઉપવાસને વખોડે છે
1દર્યાવેશ રાજાને ચોથે વર્ષે, તેના નવમા, એટલે કિસ્લેવ, માસની ચોથીએ યહોવાનું વચન ઝખાર્યા પાસે આવ્યું. 2હવે બેથેલવાસીઓએ, શારએસેરને, રેગેન-મેલેખને તથા તેમના માણસોને, યહોવાની કૃપા વીનવવા માટે, 3તથા સૈન્યોના [ઇશ્વર] યહોવાના મંદિરના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, જેમ હું આટલાં બધા વર્ષથી કરતો આવ્યો છું તેમ એકાંતમાં બેસીને મારે પાંચમા માસમાં વિલાપ કરવો જોઈએ? 4ત્યારે સૈન્યોના [ઇશ્વર] યહોવાનું વચન મારી પાસે આવ્યું, 5“દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, તમે આ સિત્તેર વર્ષો થયાં, પાંચમા તથા સાતમા [માસ] માં ઉપવાસ તથા શોક કર્યો, તે ઉપવાસ તમે જરાયે પણ મારે માટે, હા, મારે માટે કર્યો હતો? 6જ્યારે તમે ખાઓ છો પીઓ છો, ત્યારે શું તમે તમારે પોતાને માટે નથી ખાતાપીતા?
7જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસનાં તેનાં નગરો વસતિવાળાં અને આબાદ હતાં, ને દક્ષિણમાં તથા નીચાણના પ્રદેશમાં વસતિ હતી, ત્યારે જે વચનો મેં આગલા પ્રબોધકોની મારફતે પોકાર્યાં છે તે તમારે સાંભળવાં નહિ જોઈએ?”
બંદીવાસનું કારણ બિનાઆકિતપણું
8પછી યહોવાનું વચન ઝખાર્યાની પાસે આવ્યું, 9જેમાં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ કહ્યું છે, “અદલ ઈનસાફ કરો, દરેક માણસ પોતાના ભાઈ પર કૃપા તથા દયા રાખો. 10વિધવા, અનાથ, પરદેશી તથા ગરીબ પર જુલમ ન કરો; અને તમારામાંનો કોઈ પોતાના મનમાં પોતાના ભાઈનું બૂરું કરવાનો ખ્યાલ પણ મનમાં ના લાવે.
11પણ તેઓએ સાંભળવાને ના પાડી, ને પોતે સાંભળે નહિ માટે હઠીલા થઈને પૂઠ ફેરવી, ને પોતાના કાન બંધ કર્યા. 12હા, નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના [ઇશ્વર] યહોવાએ પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકોની હસ્તક મોકલ્યાં હતાં, તે રખેને તેઓ સાંભળે તે માટે તેઓએ પોતાનાં હ્રદય વજ્ જેવાં કર્યાં; તેથી સૈન્યોના [ઇશ્વર] યહોવાની હજૂરમાંથી ઉગ્ર કોપ આવ્યો. 13અને જે પ્રમાણે તેમણે પોકાર્યું, ત્યારે તેઓએ સાંભળ્યું નહિ; તે પ્રમાણે તેઓ પોકારશે, ત્યારે હું પણ સાંભળીશ નહિ, એવું સૈન્યોના [ઇશ્વર] યહોવાએ કહ્યું. 14પણ જે સર્વ પ્રજાઓથી તેઓ અજાણ્યા છે, તેઓમાં હું તેમને વંટોળિયાથી વિખેરી નાખીશ. એમ તેમના [ગયા] પછી દેશ એવો ઉજ્જડ થઈ ગયો કે કોઈ પણ માણસ તેમાં થઈને જતુંઆવતું નહોતું, કેમ કે તેઓએ એ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂકયો હતો.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ઝખાર્યા 7