YouVersion Logo
Search Icon

ઝખાર્યા 12

12
યરુશાલેમનો થનારો ઉદ્ધાર
1ઈઝરાયલ વિષે યહોવાના વચનરૂપી ઈશ્વરવાણી. આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોની અંદરના આત્માના સરજનહાર યહોવા કહે છે, 2“જુઓ, હું યરુશાલેમને આસપાસના સર્વ લોકોને લથડિયાં ખવડાવનાર પ્યાલારૂપ કરીશ, ને યરુશાલેમના ઘેરામાં યહૂદિયાના પણ એ જ હાલ થશે. 3તે દિવસે હું યરુશાલેમ સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ; જે તેનો ભાર પોતાના પર લેશે તેઓ સર્વ સખત રીતે ઘાયલ થશે; અને પૃથ્વીની સર્વ પ્રજાઓ યરુશાલેમની વિરુદ્ધ એકત્ર થશે. 4(યહોવા કહે છે), તે દિવસે હું દરેક ઘોડામાં ગભરાટ તથા તેના સવારમાં ગાંડપણ લાવીશ; અને હું યહૂદિયાના લોકો પર મારી આંખ ઉઘાડીશ, ને લોકોના દરેક ઘોડા પર અંધાપો લાવીશ. 5અને યહૂદિયાના અમલદારો પોતાના મનમાં કહેશે કે, ‘યરશાલેમના રહેવાસીઓનું બળ તેઓના ઈશ્વર સૈન્યોના યહોવામાં છે.’
6તે દિવસે હું યહૂદિયાના અમલદારોને લાકડાંમાં અગ્નિથી ભરેલી ચિનગારી સમાન તથા પૂળીઓમાં બળતી મશાલ સમાન કરીશ. તેઓ આસપાસના સર્વ લોકોને, ડાબે હાથે તથા જમણે હાથે, સ્વાહા કરી નાખશે. અને યરુશાલેમ [ના લોકો] હજી પણ ફરીથી પોતાની જગાએ, એટલે [અસલના] યરુશાલેમમાં, વસશે.
7યહોવા યહૂદિયાના તંબુઓને પણ પ્રથમ ઉગારશે, જેથી દાઉદના વંશજોનો વૈભવ તથા યરુશાલેમના રહેવાસીઓનો વૈભવ યહૂદિયાના કરતાં વધી ન જાય. 8તે યહોવા યરુશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે; અને તે દિવસે તેઓમાં જે નિર્બળ હશે તે દાઉદના જેવો થશે. અને દાઉદના વંશજો તેઓની નજરમાં ઈશ્વરના જેવા, યહોવાના દૂત જેવા થશે. 9વળી તે દિવસે જે સર્વ પ્રજાઓ યરુશાલેમ વિરુદ્ધ ચઢી આવશે તેઓનો વિનાશ કરવાની કોશિશ હું કરીશ.
10હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, #યોહ. ૧૯:૩૭; પ્રક. ૧:૭. જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે. 11અને મગિદ્દોની ખીણમાં હદાદરિમ્મોનના વિલાપના જેવો ભારે વિલાપ તે દિવસે યરુશાલેમમાં થશે. 12દેશનાં સર્વ કુટુંબો એકબીજાથી વિખૂટાં પડીને વિલાપ કરશે:એટલે દાઉદનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; નાથાનનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; 13લેવીનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; શિમઇઓનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; 14બાકીનાં સર્વ કુટુંબોમાંનું દરેક કુટુંબ અલગ, અને તેમની સ્ત્રીઓ અલગ.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ઝખાર્યા 12