રોમનોને પત્ર પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
રોમની મંડળીની મુલાકાતે પાઉલ જવા માગતો હતો, તેની પૂર્વ તૈયારીરૂપે માર્ગ તૈયાર કરવા ‘રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર’ લખવામાં આવ્યો હતો. પાઉલનું આયોજન હતું કે તે થોડો સમય રોમના ખ્રિસ્તીઓની સાથે રહીને સેવા કરે, અને ત્યાર પછી તેઓની સહાયથી સ્પેન જઈ શકે. ખ્રિસ્તી વિશ્વાસ અને માર્ગ સંબંધી પોતાની સમજણ શી છે, અને ખ્રિસ્તીઓનાં જીવનો માટે એમાં વ્યવહારુ દષ્ટિબિંદુથી શું શું સમાયેલું છે તે જણાવવા માટે પાઉલે આ પત્ર લખ્યો. પાઉલના સંદેશાનું સૌથી વધુ સંપૂર્ણ નિવેદન આ પત્રમાં જોવા મળે છે.
રોમમાંની મંડળીના લોકોને ક્ષેમકુશળતા પાઠવ્યા પછી, અને તેઓને માટેની પોતાની પ્રાર્થનાઓ વિષે જણાવ્યા પછી, પાઉલ તેમને આ પત્રનો વિષય જણાવે છે: “તેમાં (સુવાર્તામાં) ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે.” (૧:૧૭)
પાઉલ પત્રમાં આ વિષયને વિસ્તૃત બનાવે છે. આખી માનવજાત, યહૂદી હોય કે અન્યધર્મી, પણ બધાંએ ઈશ્વર સાથે સમાધાન કરવાનું રહે છે. કેમ કે સૌ કોઈ પાપના સામર્થ્ય નીચે છે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી જ લોકો ઈશ્વરની સાથે સમાધાન પામી શકે છે. ઈશ્વર સાથે સમાધાન સધાયાને કારણે માણસનું ઈસુ ખ્રિસ્ત સાથે ઐક્ય થાય છે, અને એ ઐક્ય દ્વારા માણસ નવું જીવન પ્રાપ્ત કરે છે.
પછીના અધ્યાયોમાં પાઉલ આ બાબતની છણાવટ કરે છે.:વિશ્વાસ કરનાર માણસ હવે ઈશ્વર સાથે સુલેહશાંતિમાં રહે છે, અને ઈશ્વરના આત્માએ તેને પાપના બળમાંથી અને મૃત્યુમાંથી મુક્ત કર્યો છે. અધ્યાય ૫-૮માં પાઉલ ઈશ્વરના નિયમનો હેતુ શો છે તે, તેમ જ વિશ્વાસીજનના જીવનમાં ઈશ્વરના આત્માના સામર્થ્ય વિષે સમજાવે છે. એ પછી પ્રેરિત પાઉલ ઈશ્વરની મનુષ્યજાત માટેની આ સમગ્ર યોજનામાં યહૂદીઓનો તેમ જ અન્યધર્મીઓનો કેવી રીતે મેળ બેસે છે તે વિષે ખૂબ મહત્વની ચર્ચા ચલાવે છે. સંત પાઉલ તારવણી કાઢે છે કે યહૂદી કોમે કરેલો ઈસુ ખ્રિસ્તનો નકાર આ ઈશ્વરી યોજનામાં આવરી લેવામાં આવ્યો છે. જેથી ઈસુ ખ્રિસ્તમાં જે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે તેના ભાગીદાર અન્યધર્મીઓ પણ થાય. અને તે એમ પણ માને છે કે યહૂદીઓ ઈસુ ખ્રિસ્તનો કાયમી નકાર નહિ કરે.
પાઉલ આખરમાં જણાવે છે કે ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું જોઈએ, અને ખાસ કરીને બીજાઓ સાથેના સંબંધમાં પ્રેમનો માર્ગ અપનાવવો જોઈએ તેનું મહત્વ જણાવે છે. વળી તે બીજા કેટલાક વિષયો પણ ચર્ચે છે, જેમ કે ઈશ્વરની સેવા, રાજય પ્રત્યે અને એકબીજા પ્રત્યે ખ્રિસ્તીઓની ફરજ, અને પ્રેરકબુદ્ધિનો પ્રશ્ન. પત્રના અંતમાં તે કેટલાક અંગત સંદેશા અને સલામી રજૂ કરે છે, અને ઈશ્વરસ્તુતિ રજૂ કરે છે.
રૂપરેખા :
પ્રસ્તાવના અને વિષય ૧:૧-૧૭
માણસને ઉદ્ધારની જરૂરિયાત ૧:૧૮- ૩:૨૦
ઈશ્વરનો ઉદ્ધારનો માર્ગ ૩:૨૧-૪:૨૫
ખ્રિસ્તમાં નવું જીવન ૫:૧-૮:૩૯
ઈશ્વરની યોજનામાં યહૂદીઓ ૯:૧-૧૧:૩૬
ખ્રિસ્તી ચાલચલગત ૧૨:૧-૧૫:૧૩
અંત અને અંગત સલામી ૧૫:૧૪-૧૬:૨૭
Currently Selected:
રોમનોને પત્ર પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.