YouVersion Logo
Search Icon

પ્રકટીકરણ 19

19
1તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી, તે બોલી, “હાલેલૂયા; આપણા ઈશ્વરને તારણ, મહિમા તથા પરાક્રમ છે! 2કારણ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરિ, તેનો તેમણે ન્યાય કર્યો છે, અને #પુન. ૩૨:૪૩; ૨ રા. ૯:૭. પોતાના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.” 3ફરીથી તેઓએ કહ્યું, “હાલેલૂયા! અને #યશા. ૩૪:૧૦. તેનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.” 4ત્યારે ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને રાજયાસન પર બેઠેલા ઈશ્વરની આરાધના કરીને કહ્યું, “આમીન; હાલેલૂયા.”
હલવાનનું લગ્નજમણ
5પછી રાજ્યાસનમાંથી આવી વાણી થઈ, “આપણા ઈશ્વરના સર્વ સેવકો, #ગી.શા. ૧૧૫:૧૩. તેમનાથી બીનારા, નાના તથા મોટા, તેમની સ્તુતિ કરો.” 6મોટા જનસમૂહના જેવી તથા #હઝ. ૧:૨૪. ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી, “હાલેલુયા; કેમ કે હવે #ગી.શા. ૯૩:૧; ૯૭:૧; ૯૯:૧. સર્વશક્તિમાન પ્રભુ આપણા ઈશ્વર રાજ કરે છે. 7આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. 8તેને તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્‍ત્ર પહેરવા દીધું છે! તે બારીક શણનું વસ્‍ત્ર સંતોનાં ન્યાયી કૃત્યોરૂપ છે.”
9વળી તે મને કહે છે, “હલવાનના #માથ. ૨૨:૨-૩. લગ્નજમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે, એમ તું લખ.” તે મને એમ પણ કહે છે, “આ તો ઈશ્વરનાં ખરાં વચનો છે.”
10ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડયો. પણ તેણે મને કહ્યું, “જોજે, એવું ન કરતો; હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. ઈશ્વરની આરાધના કર; કેમ કે ઈસુ વિષેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.”
શ્વેત ઘોડા પર ‘રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ’
11પછી મેં #હઝ. ૧:૧. આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, તેમનું નામ ‘વિશ્વાસુ તથા સાચા’ છે; #ગી.શા. ૯૬:૧૩; યશા. ૧૧:૪. તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. 12#દા. ૧૦:૬. તેમની આંખો અગ્નિની જવાળા [જેવી] છે, અને તેમના માથા પર ઘણા મુગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. 13તેમણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેમનું નામ ‘ઈશ્વરનો શબ્દ’ છે. 14આકાશમાંનાં સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઊજળાં તથા શુદ્ધ બારીક શણનાં વસ્‍ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યાં. 15તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે, તે વડે તે વિદેશીઓને મારે! #ગી.શા. ૨:૯. તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે! અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો #યશા. ૬૩:૩; યોએ. ૩:૧૩; પ્રક. ૧૪:૨૦. દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે. 16તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર “રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું છે.
17પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. #હઝ. ૩૯:૧૭-૨૦. તેણે અંતરિક્ષમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે સાદે હાંક મારી, “તમે આવો, અને ઈશ્વરના મોટા જમણને માટે એકત્ર થાઓ; 18કે તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”
19પછી મેં શ્વાપદ, પૃથ્વીના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકત્ર થયેલાં જોયાં. 20શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા #પ્રક. ૧૩:૧-૧૮. તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં. 21જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા! અને તેઓનાં માંસથી સઘળાં પક્ષીઓ તૃપ્ત થયાં!

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in