YouVersion Logo
Search Icon

મીખાહ 6

6
ઇઝરાયલ સામે ઈશ્વરની ફરિયાદ
1યહોવા જે કહે છે તે હવે તમે સાંભળો:“ઊઠો, પર્વતોની આગળ ફરિયાદ રજૂ કરો, ને ડુંગરોને તમારો અવાજ સંભળાવો.” 2હે પર્વતો તથા પૃથ્વીના અચળ પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો; કેમ કે યહોવાને પોતાના લોકોની સામે ફરિયાદ છે. તે ઇઝરાયલની સાથે વાદવિવાદ ચલાવશે. 3“હે મારી પ્રજા, મેં તને શું કર્યું છે? મેં તને કઈ બાબતમાં કંટાળો આપ્યો છે? મારી વિરુદ્ધ [જે કંઈ હોય તે કહી દે.] 4કેમ કે #નિ. ૧૨:૫૦-૫૧. હું તો તને મિસર દેશમાંથી બહાર લાવ્યો, ને બંદીખાનામાંથી મેં તને છોડાવ્યો. મેં તારી આગળ #નિ. ૪:૧૦-૧૬. મૂસાને, હારુનને તથા #નિ. ૧૫:૨૦. મરિયમને મોકલ્યાં. 5હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા #ગણ. ૨૨:૨—૨૪:૨૫. બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. #યહો. ૩:૧—૪:૧૯. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”
પ્રભુ શું માગે છે
6હું શું લઈને યહોવાની હજૂરમાં આવું, ને મહાન ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, એક વરસના વાછરડાને લઈને તેમની આગળ આવું? 7શું હજારો ઘેટાઓથી કે તેલથી હજારો નદીઓથી યહોવા રાજી થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમજનિતનું બલિદાન આપું, મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પન કરું? 8હે મનુષ્ય, સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?
9યહોવા નગરને હાંક માટે છે. જે કોઈ જ્ઞાની છે તે તારા નામથી બીશે. સોટીનું તથા તેને નિર્માણ કરનારનું સાંભળ. 10શું દુષ્ટતાથી [પ્રાપ્ત કરેલા] ખજાના તથા ધિક્કારપાત્ર ખોટાં માપ દુષ્ટના ઘરમાં હજીપણ છે? 11શું ખોટાં ત્રાજવાં રાખીને ઠગાઈ ભરેલાં કાટલાંની કોથળી રાખીને, હું પવિત્ર હોઈ શકું? 12કેમ કે તેના શ્રીમંતો બહુ જોરજુલમ કરનારા છે. તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે, ને તેમનાં મોંમાં કપટી જીભ છે. 13તે માટે મેં પણ તને ભારે ઘા માર્યા છે. તારાં પાપને લીધે મેં તને ખેદાનમેદાન કરી નાખ્યો છે. 14તું ખાશે, પણ તૃપ્ત થશે નહિ; અને તારામાં કંગાલિયત રહેશે. તું ઉઠાવી લેશે, પણ તે તારાથી સહીસલામત લઈ જવાશે નહિ. જે તું લઈ જશે તે હું તરવારને સ્વાધીન કરીશ. 15તું વાવશે, પણ કાપણી કરવા પામશે નહિ. તું જૈતફળો પીલશે, પણ તારે અંગે તેલ ચોપડવા પામશે નહિ. તું દ્રાક્ષાને પીલશે, પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ. 16કેમ કે #૧ રા. ૧૬:૨૩-૨૮. ઓમ્રીના વિધિઓનું તથા #૧ રા. ૧૬:૨૯-૩૪; ૨૧:૨૫-૨૬. આહાબના કુટુંબના સર્વ રીતરીવાજોનું પાલન કરવામાં આવ્યું છે, અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો; એથી હું તમને વેરાન કરીશ, ને તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, અને તમારે મારા લોકો [હોવાનું] મહેણું સાંભળવું પડશે.”

Currently Selected:

મીખાહ 6: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in