માથ્થી 8
8
ઈસુ એક માણસને સાજો કરે છે
(માર્ક ૧:૪૦-૪૫; લૂ. ૫:૧૨-૧૬)
1અને પહાડ પરથી તે ઊતર્યા, ત્યારે અતિ ઘણા લોકો તેમની પાછળ ગયા. 2અને જુઓ, એક કોઢિયો આવ્યો, તેણે તેમને પગે લાગીને કહ્યું, “ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.” 3ત્યારે તેમણે હાથ લાંબો કર્યો, ને તેને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો. 4પછી ઈસુ તેને કહે છે, “જો જે, તું કોઈને કહીશ નહિ. પણ જા, પોતાને યાજકને બતાવ, ને તેઓને માટે સાક્ષી તરીકે #લે. ૧૪:૧-૩૨. જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.”
ઈસુ રોમન અમલદારના ચાકરને સાજો કરે છે
(લૂ. ૭:૧-૧૦)
5અને ઈસુ કપર-નાહૂમમાં પ્રવેશ્યા, ત્યારે એક જમાદારે તેમની પાસે આવીને તેમને વિનંતી કરી, 6“ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, ને તેને ભારે પીડા થાય છે.” 7ત્યારે ઈસુ તેને કહે છે, “હું આવીને તેને સાજો કરીશ.” 8અને જમાદારે ઉત્તર વાળ્યો, “ઓ પ્રભુ, તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી; પણ તમે માત્ર શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે. 9કેમ કે હું પણ પરાધીન માણસ છું, ને સિપાઈઓ મારે સ્વાધીન છે. અને એકને હું કહું છું કે, ‘ જા, ’ ને તે જાય છે; અને બીજાને [કહું છું કે] ‘આવ, ’ ને તે આવે છે. અને મારા દાસને [કહું છું કે,] ‘એ, કર, ’ ને તે તે કરે છે.” 10ત્યારે ઈસુ તે સાંભળીને અચરત થયા, ને પાછળ આવનારાઓને તેમણે કહ્યું, હું તમને ખચીત કહું છું કે, આટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. 11અને #લૂ. ૧૩:૨૯. હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે, ને ઇબ્રાહિમની અને ઇસહાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે. 12પણ રાજ્યના દીકરાઓ #માથ. ૨૨:૧૩; ૨૫:૩૦; લૂ. ૧૩:૨૮. બહારના અંધારામાં નંખાશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.” 13અને ઈસુએ તે જમાદારને કહ્યું, “જા, જેવો તેં વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાઓ.” અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો.
ઈસુ ઘણા લોકોને સાજા કરે છે
(માર્ક ૧:૨૯-૩૪; લૂ. ૪:૩૮-૪૧)
14અને ઈસુએ પિતરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માંદી પડેલી જોઈ. 15અને તે તેના હાથને અડક્યા, એટલે તેનો તાવ જતો રહ્યો, ને તેણે ઊઠીને તેમની સેવા કરી. 16અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂતવળગેલાઓને તેમની પાસે લાવ્યા, ને તેમણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, ને બધાં માંદાંઓને સાજાં કર્યાં. 17એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય #યશા. ૫૩:૪. કે, ‘તેણે પોતે આપણી માંદગીઓ લીધી, ને આ૫ણા રોગ ભોગવ્યા.’
સંપૂર્ણ ત્યાગ કરનાર જ સાચો શિષ્ય
(લૂ. ૯:૫૭-૬૨)
18અને ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ ભેગો થયેલો જોયો, ત્યારે સામે પાર જવાની તેમણે આજ્ઞા કરી. 19અને એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” 20ત્યારે ઈસુ તેને કહે છે, “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, ને માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી.” 21અને તેમના શિષ્યોમાંથી બીજાએ કહ્યું, ‘પ્રભુ, મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દાટી આવું.” 22પણ ઈસુએ તેને કહ્યું, “તું મારી પાછળ આવ, ને મૂએલાઓને પોતાના મૂએલાઓને દાટવા દે.”
ઈસુ તોફાનને શાંત કરે છે
(માર્ક ૪:૩૫-૪૧; લૂ. ૮:૨૨-૨૫)
23અને હોડી પર તે ચઢયા ત્યારે તેમના શિષ્યો તેમની સાથે ગયા. 24અને જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ! પણ તે પોતે ઊંઘતા હતા. 25ત્યારે તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ.” 26અને તે તેઓને કહે છે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા. અને મહા શાંતિ થઈ. 27ત્યારે તે માણસોએ અચરત થઈને કહ્યું, “એ શી જાતનો માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એમનું માને છે!”
ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા બેને સાજા કરે છે
(માર્ક ૫:૧-૨૦; લૂ. ૮:૨૬-૩૯)
28અને સામે પાર ગાડરેનેસના દેશમાં તે પહોંચ્યા ત્યારે અશુદ્ધ આત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા. તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું ન હતું. 29અને જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું, “ઓ ઈશ્વરપુત્ર, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા આપવાને અહીં આવ્યો છે શું?” 30હવે તેઓથી બહુ આઘું ઘણાં ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. 31અને અશુદ્ધ આત્માઓએ તેમને વિનંતી કરી, “જો તું અમને કાઢે તો ભૂંડોના ટોળામાં અમને મોકલ.” 32અને ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” પછી તેઓ નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા; અને જુઓ, આખું ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડયું, ને પાણીમાં ડૂબી મર્યું. 33ત્યારે ચરાવનારા નાઠા, ને નગરમાં જઈને તેઓએ બધું કહી જણાવ્યું, અને અશુદ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું. 34ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. અને તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી, “અમારી સીમોમાંથી જા.”
Currently Selected:
માથ્થી 8: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.